AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

07 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યુ, ઉપરવાસથી પાણી છોડાતા પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ, અધિકારીઓની રજા કરાઈ રદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2025 | 9:09 PM
Share

Gujarat Live Updates : આજ 07 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

07 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યુ, ઉપરવાસથી પાણી છોડાતા પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ, અધિકારીઓની રજા કરાઈ રદ

આજે 07 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Sep 2025 09:05 PM (IST)

    સુરેન્દ્રનગર: દસાડા તાલુકાના ખેતરો સરોવરમાં ફેરવાયા

    સુરેન્દ્રનગર જિલ્લાના દસડા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. દસાડા તાલુકાના ખેતરો સરોવરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ખેતરમાં પાણી ભરતા પાક ડૂબી ગયો છે. ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. કપાસ, એરંડા, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પર ચિંતાના વાદળો છવાયા છે. સતત ત્રણ દિવસથી ખેતરોમાં પાણી ન ઉતરતા પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. તો બીજી તરફ ભારે વરસાદથી દસાડા શહેરમાં ત્રણ કાચા મકાન પણ ધરાશાયી થયા છે.

  • 07 Sep 2025 08:55 PM (IST)

    સાબરકાંઠા: સાબરકાંઠા નદીમાં પૂરની સ્થિતિ

    સાબરકાંઠાનાં પ્રાંતિજ નજીક નજીક સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ મળી જોવા. ધરોઈ ડેમના 5 દરવાજા ખોલાતા સાબરકાંઠાનાં ઈડર, હિંમતનગર, વિજાપુર, માણસામાંથી પસાર થતી સાબરમતી બે કાંઠે તો ગાંધીનગરનાં સંત સરોવરનાં તમામ 21 દરવાજા ખોલાયા. જૂના કોબામાં 70 લોકોનું સ્થળાંતર કરાયું હાલ નદીકાંઠે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત. અમદાવાદમાં વાસણા બેરેજનાં 27 દરવાજા ખોલી પાણી છોડાતા રૂપે ધોળકાના 7 સહિત જિલ્લાના 28 ગામોમાં એલર્ટ  ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી અને વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ. હાલ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. નદી કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

  • 07 Sep 2025 08:45 PM (IST)

    શામળાજી નજીક સતત બીજા દિવસે ભેખડ ધરાશાયી

    અરવલ્લીના શામળાજી પાસે બીજા દિવસે પણ ભેખડ ધરાશાયી થઈ ગઈ. શામળાજી-ઉદયપુર હાઇવે પર ભેખડ ધસી પડી. ભેખડનો કાટમાળ હાઇવે પર પડતા ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી. તંત્રએ તો લોકોને સાવચેતીની અપીલ કરી છે. પરંતુ, હાઇવે પરથી પસાર થનારા લોકોમાં ભયનો માહોલ છે.

  • 07 Sep 2025 08:20 PM (IST)

    ડાંગ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

    ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવતા પરિસ્થિતિ ગંભીર બની છે. સુસરદા અને આંબાપાડા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. 10થી વધુ કોઝવે પર પાણી ફરી વળતાં 15થી વધુ ગામો પ્રભાવિત થયા છે. તેમાંના 12થી વધુ ગામો સંપર્કવિહોણા બનતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદી તોફાનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર અશક્ય બની ગઈ છે.

  • 07 Sep 2025 07:55 PM (IST)

    વડોદરા: જાંબુવા નદીમાં ટ્રક ફસાયો, ડ્રાઈવર જીવ બચાવવા છત પર ચડ્યો

    વડોદરાના જાંબુવા નદીમાં એક ટ્રક જોખમી રીતે પ્રવેશતા પાણીમાં ફસાઈ ગયો. ટ્રકમાં સવાર ડ્રાઇવર અને ક્લીનરે બુદ્ધિપૂર્વક ટ્રકની છત પર ચઢી જીવ બચાવ્યો છે. સ્થાનિક તંત્રને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. દોઢ કલાક બાદ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી બન્નેને સલામત બહાર કાઢ્વામાં આવ્યા. સમયસર કરાયેલા આ અભિયાનથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

  • 07 Sep 2025 07:30 PM (IST)

    ભરૂચ: આમોદ પંથકમાં અવિરત વરસાદથી નદીઓ બે કાંઠે

    ભરૂચ: આમોદ પંથકમાં અવિરત વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે.  ઢાઢર નદીમાં આવક વધતા જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે. ઢાઢર નદીનું જળસ્તર 101 ફૂટની સપાટી નજીક પહોંચ્યુ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયુ છે. મહત્વનું છે, ભરૂચ જિલ્લામાં વરસાદ જામ્ચો છે. એકતરફ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ટળી છે. તો, બીજી તરફ ઢાઢર નદી ભયજનક સપાટીની નજીક છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાનીનો વારો આવ્યો છે. હાલ, વહીવટી તંત્ર સતત ખડેપગે છે. લોકોને સાવચેતી માટે એલર્ટ આપ્યું છે અને અફવાઓથી દૂર રહેવા સૂચના અપાઇ છે.

  • 07 Sep 2025 07:05 PM (IST)

    વિરમગામમાં વાઘેશ્વરી માતાજીના પાટોત્સવની શોભાયાત્રા રદ

    વિરમગામ: વહેલી સવારથી માંડલ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે વાઘેશ્વરી માતાજીના પાટોત્સવની શોભાયાત્રા રદ કરાઈ છે. ભાદરવી પૂનમ નિમિત્તે યોજાયેલા ધાર્મિક અનુષ્ઠાનોમાં વરસાદ વિઘ્ન બન્યો છે.

  • 07 Sep 2025 06:50 PM (IST)

    દાંતામાં નદીમાં ફસાયેલા 8 લોકોનું રેસક્યુ

    બનાસકાંઠાના દાંતામાં SDRF ટીમે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને રેસ્ક્યૂ કરી બચાવ્યા. દાંતાના મંડાલી પાસે નદીમાં ફસાયેલા લોકો માટે દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ તેમજ SDRF ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. નદીની વચ્ચે ફસાયેલા આઠ લોકો કલાકો સુધી જીવનના જોખમમાં રહ્યા, પરંતુ ટીમનો જુસ્સો અને મહેનતે તેમને સલામત બહાર કાઢ્યા હતા.

  • 07 Sep 2025 06:35 PM (IST)

    ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટીને 1.25 લાખ ક્યુસેક

    તાપી: જિલ્લામાં ઘટ્યું વરસાદનું જોર ઘટતા ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટીને 1.25 લાખ ક્યુસેક પહોંચી છે. ડેમમાંથી 78,384 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. હાલ ઉકાઇ ડેમની જળસપાટી 338.91 ફૂટ પર છે. ડેમના 6 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમનુ રુલ લેવલ 340 ફૂટ છે. જેને જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

  • 07 Sep 2025 06:20 PM (IST)

    સાબરમતીના રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ

    અમદાવાદના શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલી હાલાકીની વાત કરીએ તે પહેલા સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થતાં ફરી એક વખત રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા. શાહીબાગ તરફના રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થતાં તેને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા. જો કે વોકવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી વોક વે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત જાહેરાત કરાઇ રહી છે. કોઈને પાણી નજીક જવા અને સેલ્ફી લેવા પર સખત મનાઈ કરવામાં આવી છે…

  • 07 Sep 2025 06:05 PM (IST)

    અમદાવાદમાં ભૈરવનાથ રોડ પર ભરાયા ભારે પાણી

    અમદાવાદ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી ગયો. રાતભરના વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. મણિનગર-ઈસનપુરને જોડતા ભૈરવનાથ રોડ પર પાણીનો ભરાવો થયો છે. ભારે વરસાદ બાદ આ રોડ પર પાણી ભરાવવાની કાયમી સમસ્યા સર્જાઇ છે. વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી ભૈરવનાથ રોડ તૈયાર કરાયો છે.

  • 07 Sep 2025 05:50 PM (IST)

    અમદાવાદના અનેક માર્ગો જળમગ્ન, ગટરો ઉભરાવાની ઠેકઠેકાણે સમસ્યા

    અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વરસાદી સમસ્યાઓ દરેક વિસ્તારમાં એક સરખી જ જોવા મળી રહી છે.  અવિરત વરસાદથી શહેરના અનેક માર્ગો જળમગ્ન બન્યા છે. કોતરપૂરથી એરપોર્ટ તરફનો માર્ગ બંધ થઇ ગયો છે. AMTS બસ બંધ થતા મુસાફર અટવાયા છે. ગટર ચોકઅપ થતા જળ ભરાવની શકયતા જોવા મળી.

    ભારે વરસાદથી બોપલ-શેલા વિસ્તારમાં પાણી ભરાયા. એપલવુડ ટાઉનશીપ પાછળના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. મુખ્ય રસ્તાથી સાણંદ અને શાંતિપુરા સર્કલ તરફના રસ્તે મુશ્કેલી સર્જાઇ છે. રસ્તા પર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

    બીજી તરફ થલતેજ અંડરપાસ પાસે વરસાદી પાણી ભરાયા. એસજી હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. દર વખતની જેમ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં હાલાકી સર્જાય છે. રોડ પરથી લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી.. પાણી ભરાવાને કારણે એક કાર પણ ખાડામાં ફસાઈ હતી. ઘાટલોડિયાના ડમરૂ સર્કલથી કારગીલ પંપના રસ્તે પાણી ભરાયા હતા.  મુખ્ય રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. આસપાસની સોસાયટીમાં અવર જવર કરવામાં લોકોને મુશ્કેલી સર્જાઈ.

  • 07 Sep 2025 05:35 PM (IST)

    અમદાવાદના રસ્તા પર મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન

    અમદાવાદના મોટાભાગના રોડ પર હાલ ખાડા જોવા મળી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત રોડને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.  ન્યુ મણિનગર જતા રસ્તા પર કેનાલ નજીકનામુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. જેના કારણે  એક મોટા ખાડામાં પટકાતા કારનું આગળનું ટાયર નીકળી ગયુ હતુ. એક કલાકથી કાર રસ્તાની વચોવચ અટવાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો. કારચાલકે AMCના કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી છતાં કોઈ મદદ મળી નહીં. ચાલુ કારે ટાયર નીકળતા અકસ્માત થતા બચ્યો હતો.  કારચાલક અને કારમાં સવાર તેમના બાળકોનો આબાદ બચાવ થયો છે. તંત્રની બેદરકારીને કારણે કારને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. હાલ અમદાવાદમાં ટાયર તોડ ખાડાથી લોકો પરેશાન

    એક કિલોમીટરના રોડ પર ઠેર-ઠેર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મસમોટા ખાડા ઉપરથી વરસાદી પાણી ભરાતા આ ઘટના બની છે. ચાલુ કારે આગળનું એક ટાયર નીકળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને કાર વચોવચ અટવાતા અન્ય વાહનોને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

  • 07 Sep 2025 05:20 PM (IST)

    અમદાવાદ: સાબરમતી નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ

    અમદાવાદ: સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. નદી બે કાંઠે થતાં તંત્ર એલર્ટ મોડ પર છે. જો કે  ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્ર દાવો કરી રહ્યુ છે. વોટર કમિટી ચેરમેન સાથે TV9એ  ખાસ વાત કરી હતી. જેમા દરેક અધિકારીને ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ વરસાદ પડે તો નદીમાં વધુ પાણી છોડવું પડી શકે છે. તાત્કાલિક કોઈનું સ્થળાંતર કરવું પડે તો પણ તંત્ર સજ્જ હોવાનું તેમણે જણાવ્યુ. તેમજ સતર્કતાના ભાગ રૂપે ધોળકાના 7 સહિત જિલ્લાના 28 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 07 Sep 2025 05:03 PM (IST)

    અમદાવાદમાં અવિરત વરસાદથી સાબરમતી નદી બે કાંઠે

    અમદાવાદમાં અવિરત વરસાદથી સાબરમતી નદી બે કાંઠે વહીં રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ચંદ્રભાગા નદીમાં પાણીની આવક થઈ છે. તો લોકોના ઘરોમાં ચંદ્રભાગા નદીના પાણી ઘુસ્યા છે. જુના વાડજના પરીક્ષિતનગરના ઘરમાં નદીનું પાણી ભરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.  AMC દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  જો કે અનેક રહેવાસીઓ સ્થળાંતર કરવાનો ઈનકાર કરતા જોવા મળ્યા છે.

  • 07 Sep 2025 05:01 PM (IST)

    અમદાવાદઃ SG હાઈવે પર ઝાયડસ બ્રિજ નીચે ભરાયા પાણી

    અમદાવાદઃ SG હાઈવે પર ઝાયડસ બ્રિજ નીચે પુષ્કળ પાણી ભરાયા છે.  ધોધમાર વરસાદને પગલે રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે વાહનોને નીકળવામાં ભારે મુશ્કેલી આવી રહી ચે. વરસાદની તીવ્રતા ઘટી છતા હજુ પાણી ઓસર્યા નથી.

  • 07 Sep 2025 05:00 PM (IST)

    વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ તંત્ર એલર્ટ

    વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ તંત્ર એલર્ટ થયુ છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઔરંગા નદીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેને લઈને કપરાડા, વાપી અને ઉમરગામના 13 ગામોને એલર્ટ કરાયા છે.  આ તરફ મધુબન ડેમના 10 દરવાઝા 1.80 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 1 લાખ 30 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. ઓવરટોપીંગને કારણે કુલ 209 રસ્તા બંધ કરાયા છે. NDRFની ટીમ પણ વલસાડ જિલ્લામાં તૈનાત કરાઈ છે. તંત્રએ લોકોની અપીલ કરી છે કે નદીકાંઠે અવરજવર ન કરવી અને સાથે જ બંધ થયેલા રસ્તાઓની તમામ માહિતી મેળવી અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. સાથે જ નદીકાંઠે રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે.

  • 07 Sep 2025 02:40 PM (IST)

    સવારના 6થી બપોરના 2 સુધીમાં 211 તાલુકામાં વરસાદ, સુઈગામમાં 8 ઈંચ વરસાદ

    આજે રવિવારે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીના છ કલાકમાં બનાસકાંઠાના સુઈગામમાં આઠ ઈંચ વરસાદ તુટી પડ્યો છે. વલસાડ અને કપરાડામાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના વાવમાં પણ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

  • 07 Sep 2025 02:31 PM (IST)

    રાજકોટમાં હેલ્મેટ ફરજીયાતના કાયદાનું પાલન કરાવશે પોલીસ, સત્યાગ્રહ સમિતિ આવતીકાલથી હેલ્મેટનો કરશે ત્યાગ

    રાજકોટમાં હેલ્મેટ ફરજિયાતને લઈને સમિતિ બનાવવામાં આવી છે. આવતીકાલે રાજકોટમાં પોલીસ દ્વારા હેલ્મેટની ફરજિયાત અમલવારી કરવામાં આવશે. જેની સામે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિની અંદર વરિષ્ઠ નાગરિકો જોડાયા છે. અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા. રાજકોટના ત્રિકોણ બાદ ખાતે હેલ્મેટ ફરજિયાતના વિરોધમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. નાગરિકો દ્વારા શપથ લેવામાં આવ્યા, આવતીકાલે અમે હેલ્મેટ પહેરવાના નથી.

  • 07 Sep 2025 02:16 PM (IST)

    હરણાવ નદીમાં પાણી આવતા વિજયનગરના પોળો ખાતે અમદાવાદના 6 યુવકો ફસાયા

    સાબરકાંઠાના વિજયનગરના પોળો ખાતે હરણાવ નદીમાં પાણી આવતા અમદાવાદના 6 યુવકો ફસાયા છે.પોળોની હરણાવ નદીમાં પાણીની આવક વધતા યુવકો નદીની સામે બાજુ ફસાયા ગયા હતા. વિજયનગર પોલીસ દ્રારા યુવકોને સલામત રીતે જંગલના રસ્તેથી બહાર નીકાળવામાં આવ્યા છે. વિજયનગર પીએસઆઈ સહિત પોલીસકર્મીઓએ સલામત રીતે બહાર નીકાળ્યા.

  • 07 Sep 2025 01:46 PM (IST)

    સુરતના ઈચ્છાપોરમાં કારને ટ્રેકટરે ટક્કર મારતા માતા-પુત્રનુ મોત

    સુરતના ઈચ્છાપોરમાં ટ્રેક્ટરે કારને ટક્કર મારતા માતા અને પુત્રનું મોત થયું છે. યુવાન પ્રસૂતિ માટે દાખલ પત્નીને ભોજન આપવા જતી વેળા મોતને ભેટ્યો. માતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડયા હતા. સારવાર દરમ્યાન માતાનું પણ મોત થયું જ્યારે પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતના બનાવને પગલે ઇચ્છાપોર પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી.

  • 07 Sep 2025 01:45 PM (IST)

    અમદાવાદમાં ચૂંટણીના સમયે વિસ્તારની ગલી ગલીએ ફરતા રાજકીય નેતાઓ, વરસાદમાં ઠંડા પડીને ઘરમાં ભરાઈ ગયાઃ સ્થાનિક નાગરિકોનો આક્રોશ

    અમદાવાદમાં સામાન્ય વરસાદમાં નાગરિકોના હાલ બેહાલ થયા છે. અનેક જગ્યાઓ પાણી ભરાવવાને કારણે વાહનો ફસાયા તેમજ વાહન બંધ થયા છે. ચૂંટણીના સમયે વિસ્તારની ગલી ગલીએ ફરતા રાજકીય નેતાઓ, વરસાદમાં ઠંડા પડીને ઘરમાં ભરાઈ રહ્યા હોવાનું લોકો કહી રહ્યાં છે. ગણતરીના નેતાઓ જ પોતાના વિસ્તારમાં પ્રજાની વચ્ચે પાણી ભરાવવાની સમસ્યા ઉકેલવા મથતા હોવાનું જોવા મળ્યાનું કહે છે. લોકોનું કહેવું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે વોટર પંપિંગ સ્ટેશન બનાવ્યા, પરંતુ પાણી ભરાવવાની સ્થિતિ તો યથાવત જ રહી છે. આ પંપિગ સ્ટેશન બનાવવાના ખર્ચા માથે પડ્યા છે.

  • 07 Sep 2025 01:41 PM (IST)

    લુણાવાડાના નંદન આર્કેડમાં જ્વેલર્સ શોરૂમ પર લુંટારાઓ ત્રાટક્યા, ફાયરિંગ કર્યું-સિક્યોરિટી ગાર્ડને કારણે લૂંટનો નિષ્ફળ પ્રયાસ

    મહીસાગર લુણાવાડાના નંદન આર્કેડમાં આવેલા પટેલ જ્વેલર્સ શોરૂમ પર લુંટારાઓ ત્રાટક્યા, લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ધોળા દિવસે લુણાવાડાના નંદન આર્કેડમાં આવેલા પટેલ જ્વેલર્સ શોરૂમ પર લુંટારાઓ ત્રાટક્યા પરંતુ સિક્યોરિટી ગાર્ડની સતર્કતાને પગલે, લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

    લૂંટના પ્રયાસમાં ફાયરિંગ થયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. લુણાવાડામાં આવેલા નંદન આર્કેડમાં આવેલા પટેલ જ્વેલર્સમાં આવેલા લૂંટારાઓએ સિક્યોરિટી સાથે ઝપાઝપી બાદ લિફ્ટ દ્વારા ઉપર શોરૂમમાં ઘૂસવાનો પણ કર્યો હતો પ્રયાસ. સિક્યોરિટીએ સતર્કતા રાખી સાયરન વગાડી દેતા લુંટારાઓ ભાગ્યા હતા. ઝપાઝપી બાદ જોખમ લાગતા લુંટારાઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. બ્લ્યુ કલરની રેનોલ્ટ ટ્રાઈબર કાર લઈ 7 થી 8 લુંટારુઓ આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કાર લુણાવાડાના મહિલા પોલીસ મથક આગળ થઈને આવી હતી. કેટલાક સીસીટીવી ફૂટેજ ફોટોસ આવ્યા સામે. જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 07 Sep 2025 01:30 PM (IST)

    સંતરામપુરના ભમરી કુંડાથી માનગઢ હીલ થઈ રાજસ્થાન જતા રસ્તા પર ભૂસ્ખલન

    મહીસાગર જિલ્લાના સંતરામપુરના ભમરી કુંડાથી માનગઢ થઈ રાજસ્થાન જતો રસ્તો એકાએક ધસી પડ્યો હતો. ડુંગરાળ પ્રદેશમાં બનાવેલ રસ્તો એકાએક ધસી પડતા અંદર એક કાર પણ અટવાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સામાન્ય રીતે હિમાલય ક્ષેત્રની પર્વતમાળામાં જોવા મળતી ભૂસ્ખલન જેવી ઘટના મહિસાગરમાં પણ થવા પામી છે. ભારે વરસાદને પગલે, ડુંગરનો ભાગ ધોવાઈ ને ધસી પડતા આખો રસ્તો તૂટ્યો છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને આ અંગે જાણ કરી છે. લગભગ 50 થી 60 મીટરનો રસ્તો ઘસ્યો છે. જેના કારણે તંત્રને સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.

  • 07 Sep 2025 01:14 PM (IST)

    પાવાગઢ ખાતે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના મામલે તપાસનો ધમધમાટ

    પાવાગઢ ખાતે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. FSL ટીમ ઘટના સ્થળે પહોંચીને જરૂરી પુરાવાઓ- નમૂના મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે માલવાહક રોપ વે માં શાકભાજી અને LPG ગેસના સિલિન્ડર મંદિર તરફ લઈ જતા સમયે કેબલ તૂટવાની ઘટના બનવા પામી હતી. પાવાગઢ માલવાહક રોપ વે તૂટી પડવા ની ઘટનાના મૃત્યુ પામનાર 3 માલવાહક રોપ વે ઓપરેટર 2 સિકયુરિટી ગાર્ડ અન્ય એક વ્યક્તિ નો સમાવેશ થતો હતો.

  • 07 Sep 2025 12:52 PM (IST)

    અમદાવાદના નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

    અમદાવાદમાં મોડી રાત્રીથી વરસી રહેલા વરસાદને પગલે, શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મણિનગર-ઈસનપુરને જોડતા ભૈરવનાથ રોડ પર પાણી ભરાયા છે. તો સરસપુર વોરાના રોજા પાસે તો રોડને બદલે તળાવ જોવા મળે છે. ભારે વરસાદ બાદ આ રોડ પર પાણી ભરાવાની સમસ્યા કાયમી છે. તંત્ર દ્વારા દર વર્ષે પાણી નહીં ભરાવાની વાતો કરવામાં આવે છે અને વરસાદી પાણી તેમને જૂઠ્ઠા સાબિત કરે છે.

  • 07 Sep 2025 12:44 PM (IST)

    સાબરમતીમાંથી છોડાયું પાણી, હેઠવાસના 27 ગામને કરાયા એલર્ટ

    વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા, હેઠવાસમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી દેખાઈ છે. વરસાદની સ્થિતિને પગલે તમામ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ વાસણા બેરેજના 27 દરવાજા ખોલી પાણીનો કરાઈ રહ્યો છે નિકાલ. ધરોઈ, સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા તંત્ર અને હેઠવાસના વિસ્તારો એલર્ટ મોડ પર છે. ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા છે. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના

  • 07 Sep 2025 11:31 AM (IST)

    ગુજરાતના 6 જિલ્લામાં અતિભારે વરસાદનુ હવામાન વિભાગનું નાઉકાસ્ટ

    હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ. બપોરના 1 વાગ્યા સુધી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 41 થી 61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 07 Sep 2025 11:28 AM (IST)

    ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા, સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ

    અમદાવાદમાં સતત વરસાદ બાદ સાબરમતીમાં નવા નીર આવ્યા છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાયુ છે. ફરી એકવાર રિવરફ્રન્ટના વોકવે પાણીમાં ગરકાવ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં સુભાષબ્રિજ ખાતે સાબરમતી નદીની જળ સપાટી 43.4 ફૂટ પર પહોંચી છે. હજુ પણ જળ સપાટી વધવાની શક્યતા છે. નવા નીર સાથે સાબરમતી નદીમાં સરીસૃપ જીવ તણાઈ આવ્યા છે.

  • 07 Sep 2025 10:26 AM (IST)

    ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે વલસાડ જિલ્લામાં 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે કરાયા બંધ

    વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે.  ઉપવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના 184 જેટલા રસ્તાઓ થયા બંધ છે. કપરાડા તાલુકાના 50, ધરમુપર ના 71, વલસાડ 24, પારડી 29, વાપી 9 અને ઉમરગામ 1 કુલ મળી 184 જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ થયા છે. વહીવટી તંત્ર દ્વારા બેરીકેટિંગ કરી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્રારા નદી કિનારે ન જવા લોકોને કરાઈ અપીલ. ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે.

  • 07 Sep 2025 10:22 AM (IST)

    બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યા પૂરના પાણી, પાક નિષ્ફળ જવાની ભીતિ

    મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેતરો જાણે તળાવમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થવાની ભીતી ઉભી થઈ છે. બહુચરાજી તાલુકા ખેતરો તળાવમાં ફેરવાયા છે. કઠોળ, બાજરી, દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઇ જતાં પાક ફેલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બહુચરાજી તાલુકા ગ્રામીણ વિસ્તારના ખેતરો પાણીથી ભરાઇ ગયા છે.

  • 07 Sep 2025 09:35 AM (IST)

    ભરૂચમાં આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી, ભયજનક સપાટીની નજીક પહોંચી

    ભરૂચમાં આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી ભયજનક સપાટી નજીક પહોંચી છે. ઢાઢર નદીની જળ સપાટી હાલમાં 99.99 ફૂટે પહોંચી છે. જો કે, ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે. ઢાઢર નદીની જળસપાટી ભયજનક સપાટી નજીક પહોચતા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયા છે.

  • 07 Sep 2025 09:33 AM (IST)

    ચોટીલા પૂનમ ભરવા ગયેલ અમદાવાદના રહીશની કાર બગોદરા બાવળા હાઇવે પર પલટી, 2ના મોત-2 ઈજાગ્રસ્ત

    અમદાવાદના બગોદરા બાવળા હાઇવે પર કાર પલટી મારતા બે લોકોના મોત, બે ઇજાગ્રસ્ત થયા છે. બગોદરા બાવળા હાઇવે પર રામનગર ગામના પાટીયા પાસે આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. કારનું ટાયર ફાટતા કાર ચાલેકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. ઘટના સ્થળે બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કારમાં સવાર લોકો અમદાવાદના ઓગણજથી ચોટીલા પૂનમ ભરવા ગયા હતા અને પરત ફરતા બાવળા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.

  • 07 Sep 2025 09:00 AM (IST)

    ગણેશ વિસર્જન કરતા સુરતના ઉમરપાડા તાલુકાના રેટા ગામનો યુવાન નદીમાં ડૂબ્યો

    સુરતના ઉમરપાડા તાલુકાના રેટા ગામનો યુવાન ગણેશ વિસર્જન સમયે વીરા નદીમાં ડૂબ્યો. ગણેશ વિસર્જન કરવા માંડણપાડા ગામે વીરા નદીમાં ગણેશ વિસર્જન કરવા આવ્યા હતા. વિજય ચૌધરી વીરા નદીના પાણીમાં ડૂબી ગયો હતો. યુવાન ડૂબી જતા સ્થાનિક તરવયા અને ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે

  • 07 Sep 2025 08:59 AM (IST)

    રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છલકાયો

    રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છલકાયો છે. મોજ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપલેટા પંથકને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતો મોજ ડેમ સતત ત્રીજી વખત છલકાયો છે. ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા 5 ફુટ ખોલવામાં આવ્યા છે. મોજ ડેમમાંથી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી બની ગાંડીતુંર. મોજ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

  • 07 Sep 2025 08:52 AM (IST)

    ધરોઈ ડેમના 8 દરવાજા 9.25 ફૂટ ખોલાયા, સાબરમતી નદીમાં 94000 ક્યુસેક પાણી છોડાયું

    મહેસાણા સ્થિત ધરોઈ ડેમના 8 દરવાજા 9.25 ફૂટ ખોલાયા છે. ધરોઈ ડેમમાં હાલમાં 57,055 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 8 દરવાજા 9.25 ફૂટ ખોલાતા, ડેમમાંથી 94000 ક્યુસેક પાણીની જાવક સાબરમતી નદીમાં થઈ રહી છે. ડેમમાં જળ સ્ટોક 77.87 ટકા છે. ડેમની જળ સપાટી 616.04 ફૂટ છે.

  • 07 Sep 2025 07:54 AM (IST)

    દાહોદના દેવગઢ બારીઆમાં ભૂત પગલા ગામે સર્જાયેલ અકસ્માતમાં 4ના મોત, 7 ઈજાગ્રસ્ત

    દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભૂત પગલા ગામે ગત મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરો પીકઅપમાં સવાર ચાર લોકોના મોત જ્યારે અન્ય 7 લોકો થયા ઇજાગ્રસ્ત થયા છે. ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પીકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી ખાધી હતી. ભૂત પગલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત. ઘાસ ભરેલી બોલેરો પિકઅપ રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં પલ્ટી ખાધી. બોલેરો પિકઅપમાં ચાલક સાથે પરિવાર ના કુલ 11 જેટલા સભ્યો સવાર હતા. બોલેરો પીકપ પલટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે.

  • 07 Sep 2025 07:50 AM (IST)

    વલસાડના કપરાડામાં 10 ઈંચ વરસાદ

    વલસાડ જિલ્લાના કપરાડામાં ગઈકાલ શનિવાર સવારના 6 વાગ્યાથી આજે રવિવાર સવારના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગઈકાલ શનિવારે 10થી 12 સુધીના બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો.

  • 07 Sep 2025 07:25 AM (IST)

    અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલી સાબરમતીમાં 32,410 ક્યુસેક પાણી છોડાયું

    અમદાવાદમાં મધ્યરાત્રીથી વરસી રહેલા વરસાદ અને ધરોઈ તેમજ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ બેરેજના 27 દરવાજા  ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વાસણા બેરેજથી  32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટ મેન્ટેઇન કરવામાં આવશે. ધરોઈ ડેમમાંથી 94432 ક્યુસેક પાણીની આવક સાબરમતીમાં થઈ રહી છે. જ્યારે સંત સરોવરમાંથી 68585 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા કેનાલમાંથી 1633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

  • 07 Sep 2025 07:21 AM (IST)

    કડાણા ડેમના 15 દરવાજા ખોલાયા, નદીમાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું

    ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવકના પગલે કડાણા ડેમમાંથી ક્રમશ પાણી વધારી 301099 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 13 દરવાજા 12 ફૂટ અને 2 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમના કુલ 15 ગેટ ખોલવામાં આવ્યા છે.

Published On - Sep 07,2025 7:21 AM

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">