06 માર્ચના મહત્વના સમાચાર : દિલ્લી, મહારાષ્ટ્ર, બિહાર, તેલગણા, છત્તીસગઢમાં થયેલા રૂ. 2,99,66,712ના સાયબર ફ્રોડનું પગેરુ નીકળ્યું વાવ થરાદમાં, 6 સામે નોંધાઈ ફરિયાદ
આજે 06 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 06 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દિલ્લી, મહારાષ્ટ્ર, બિહાર, તેલગણા, છત્તીસગઢમાં થયેલા રૂ. 2,99,66,712ના સાયબર ફ્રોડનું પગેરુ નીકળ્યું વાવ થરાદમાં, 6 સામે નોંધાઈ ફરિયાદ
વાવ થરાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ મામલે પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. વાવ પોલીસ મથકના PSI જ બન્યા છે મ્યુલ એકાઉન્ટ મામલે ફરિયાદી. 2,99,66,712* રૂપિયાનો સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો, તમિલનાડુ.. દિલ્લી.. મહારાષ્ટ્ર.. બિહાર.. તેલગણા.. છત્તીસગઢ સહિતના રાજ્યમાં આચર્યું હતું સાયબર ફ્રોડ. વાવના દેથળી ગામમાં 6 શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. બેન્ક એકાઉન્ટ ભાડે લઈને સાયબર ફ્રોડના નાણાં મેળવતા હતા સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસે થી આરોપીઓ. વિવિધ રાજ્યોમા 13 થી વધુ સાયબર ફ્રોડની નોંધાઈ છે ફરિયાદો ભાડે લીધેલ બેંક ખાતાઓ પર. વાવના દેથળી ગામના દશરથ રાવલ નામના અરજદારે કરી હતી CID ક્રાઈમ મા અરજી. અરજદારના અરજીના આધારે તપાસ કરતા સાયબર ફ્રોડનો સમગ્ર મામલો આવ્યો સામે. દેથળી ગામના હસમુખ રાવલ અને ગૌતમ રાવલ બન્ને સગા ભાઈઓ સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર. વાવ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
-
પોક્સોના કેસમાં તારીખ ના પડે તેના માટે વકિલોને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અપીલ
સુરતની કોર્ટમાં વકિલ મિત્રોને મળવા ગયેલ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, વકિલોને એક અપીલ કરતા કહ્યું કે, પોક્સોના કેસમાં આરોપીને ઝડપથી સજા થાય તેવા પ્રયાસ સરકાર કરી રહી છે. આવા કેસમાં તારીખો વધુ ના પડે તે માટે પ્રયાસ જરૂરી છે. પોક્સોના કેસમાં તમે પણ ફરિયાદમાં સાથે જોડાઓ તેવી અમારી લાગણી છે. મારી આ વાત કેટલાકને ગમશે કેટલાકને નહીં ગમે, પણ ફરિયાદ પક્ષને ધ્યાને રાખીને નિર્દોષ બાળકીને બચાવવા માટે પ્રયાસને આવકારવા પડશે.
-
-
દેવગઢ બારીયા નગરપાલિકાના કાઉન્સિલરની ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલે દેવગઢ બારીયામાં જૂની ગાડીઓ લે વેચના પકડેલ કૌભાંડનો મામલે દેવગઢ બારીયા નગરપાલિકાના કાઉન્સિલરની ધરપકડ કરી છે. નગરપાલિકાના કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખ નીલ સોનીની કરાઈ ધરપકડ. પાંચ મહિના અગાઉ જ જૂની ગાડી લે વેચ કૌભાડ મામલે 8 ગાડીઓ કબજે લીધી હતી. અગાઉ પકડાયેલ 3 આરોપીની તપાસમાં આરોપી નીલ સોની ભાગીદારી નીકળી હતી. આ કેસમાં નીલ સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. આ કેસમાં હજી એક આરોપી વોન્ટેડ છે. સ્ટેટ મોનેટરિંગ સેલે વધુ તપાસ શરૂ કરી.
-
અમદાવાદ એરપોર્ટ પરથી 2 મુસાફર 70,340 ડોલર સાથે ઝડપાયા
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોક જતી ફ્લાઈટના 2 મુસાફર પાસેથી વિદેશી ચલણી નાણુ ઝડપી પાડ્યું છે. 2 મુસાફરના સામાનની તપાસ કરતાં 70,340 USD ડોલર મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ 70,340 ડોલરની ભારતીય નાણા મુજબ કિંમત 63,44,668 થાય છે. કસ્ટમ વિભાગે ફેમા અને કસ્ટમ્સ એકટ હેઠળ તમામ રકમ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
હવે નિર્લિપ્ત રાય ગોંડલમાં ગુંડારાજ ખતમ કરશે, નીખિલ દોંગા અને અલ્પેશ કથીરીયાએ સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ
નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના આઈજી તરીકે નિમણૂંક થતા સોશિયલ મીડિયા પર મૂકાઈ પોસ્ટ. સુરતમાં નિખિલ દોંગાએ નિર્લિપ્ત રાયની બદલીને આવકારીને વ્યક્ત કરી આશા. ગોંડલમાં ગુંડા રાજ ખતમ કરશે તેવી આશા વ્યક્ત કરી. અલ્પેશ કથિરીયાએ પણ સોશિયલ મીડિયામાં કરી છે પોસ્ટ, કહ્યું મને આશા છે નિર્લિપ્ત રાય ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરશે. આ નિમણૂકથી અનેક લોકોમાં ફાફડાટ થયો છે. ગુંડારાજ ખતમ કરવાના ઇરાદાથી જ તેમની બદલી થઈ છે. ગુંડારાજ ખતમ થશે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવશે, અમે ત્યાં ગયા છે અને ગોંડલમાં ગુંડા રાજ જોયું છે, નિખિલ દોંગાએ જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલની ગુંડારાજની પોસ્ટ કરી છે. નિર્પ્લિત રાય ગૃહ વિભાગનો ખૂબ જ આભાર માનીએ છે. થીર
-
-
ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, આવતીકાલે સ્ટેડિયમમાં કરશે નેટ પ્રેક્ટિસ
T-20 મેન્સ વર્લ્ડ કપ ફાઇનલ માટે ભારતીય ટીમ અમદાવાદ પહોંચી છે. ભારતીય ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને હોટલ પર ગઈ છે. 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો. ભારતીય ટીમ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાશે. ન્યૂઝીલેન્ડ ટીમ ITC નર્મદા હોટેલમાં રોકાઈ છે. આવતીકાલે બન્ને ટીમો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ અને પ્રેસ કોન્ફરન્સ કરશે.
-
અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા મહિલા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી
આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી છે. દીકરાની સફળતા બાદ પરિવાર ભાવુક થયો હતો. મકરબા આંગણવાડીમાં કામ કરતા રેખાબેન ચૌહાણના દીકરાએ UPSC ક્લિયર કરી પરિવારને ગર્વ અપાવ્યું છે. જૈનેશ ચૌહાણે UPSC માં 589 મો ક્રમાંક મેળવ્યો છે. આંગણવાડીમાં કામ કરતા રેખાબેનનું સપનું હતું કે, તેમનો દીકરો પણ અધિકારી બને. જૈનેશે પાંચમા પ્રયત્ન પર UPSC માં સફળતા મેળવી છે. દરેક નિષ્ફળતાને પરિવારે સેલિબ્રેટ કરી હિંમત આપી કે તું કરી શકીશ.
-
નવસારી APMC માં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર હુમલો
નવસારી APMC માં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર હુમલાની ઘટના બની છે. લક્ષ્ય પ્લાસ્ટિકમાંથી ઈકો કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો પકડતા ઈકો ચાલકે કરી માથાકૂટ. ઈકો ચાલકે ભાગવાના પ્રયાસમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપર કાર ચઢાવી દેવાનો પણ કર્યો પ્રયાસ. ઈકો કાર ચાલકના સપોર્ટમાં પહોંચેલા નવસારી પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને પણ કર્મચારીઓને ખખડાવ્યા. હજુ પોતે સત્તા પર હોય એ રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે કાર ચાલકને છોડી દેવાનો કર્યો આદેશ. ઘટનાને પગલે મહાનગરપાલિકાના સંબંધિત અધિકારી અને ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સત્તાના મદમાં રાચતા પૂર્વ કારોબારી ચેરમેન પિયુષ ગજેરાએ હું કોણ છું એ જાણી લેજો કહી, રોફ બતાવી કરી ગાળાગાળી. બે મહિના પછી બતાઉં કહીને મહાનગરપાલિકાના કર્મચારીઓને ધમકાવ્યા. ગ્રામ્ય પોલીસના પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરી હોવાની ચર્ચા. પૂર્વ નગરસેવકની પોલીસકર્મી અને મહાપાલિકાના કર્મચારીઓ સાથેની માથાકૂટનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ.
-
દેવભૂમિદ્વારકાના સલાયાના જહાજમાં દુબઇ નજીક લાગી આગ
દેવભૂમિદ્વારકાના સલાયાના જહાજમાં દુબઇ નજીક આગ લાગ્યાની ઘટના. દુબઇમાંથી જનરલ કાર્ગો લઈને જહાજ નીકળ્યું હતું. બોસાસો બંદર કિનારે કોઈ કારણસર જહાજમાં આગ ફાટી નીકળી. જહાજ 1200 ટન ક્ષમતાવાળું હતું અને તેમાં 11 ક્રૂ સભ્યો સવાર હતા. તમામ 11 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. જહાજ સલાયાના સલીમ ઈસ્માઈલ ભાયા માલિકોનું હોવાનું સામે આવ્યું.
-
અમરેલી બાદ હવે જામનગરમાં પેટ્રોલ-ડીઝલની અછતની ચર્ચા
ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને ક્રૂડ ઓઇલની અછત અંગે જામનગરમાં ચર્ચા શરૂ થઈ છે. પરંતુ કેન્દ્ર સરકારની નીતિ અને આયોજનના કારણે હાલ ક્રૂડ ઓઇલના જથ્થા અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત અવિરત ચાલુ રહેશે. જરૂર પડે તો રશિયા સહિત અન્ય દેશોમાંથી પણ આયાત કરવામાં આવશે. દેશમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે. લોકોએ ગભરાવાની કે સંગ્રહાખોરી કરવાની જરૂર નથી.
-
UPSC 2026 ફાઈનલનું પરિણામ જાહેર
UPSC 2026 ફાઈનલનું પરિણામ થયું જાહેર. અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઈન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો. IAS, IFS, IPS, સહિતની સેવાઓ માટે ઉમેદવારોની થઈ પસંદગી.
-
માર્ચની શરૂઆતમાં જ અપાઈ હીટવેવની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગ ચિંતિત છે. માર્ચની શરૂઆતમાં જ હીટવેવની આગાહી આપવામાં આવી હતી અને આવતા પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાવાની શક્યતા છે, જ્યારે રવિવારથી સમુદ્રી વિસ્તારોમાં પણ હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભાવનગર, પોરબંદર, સુરત સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે, અને ન્યૂનતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
-
વડોદરા: બરોડા ડેરીની ચૂંટણી પહેલા કેતન ઈનામદારે યોજી બેઠક
વડોદરા: બરોડા ડેરીની ચૂંટણી પહેલા કેતન ઈનામદારે શુભેચ્છા મિટિંગનું આયોજન કર્યું હતું. બેઠકમાં જણાવાયું કે સાવલી ઝોન 5ના ઉમેદવાર રામસિંગ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ તરીકે આગળ વધ્યા છે, જ્યારે ઝોન 6 માટે સુરપાલસિંહને ભાજપે ટેલીફોનિક માધ્યમથી મેન્ડેટની જાણ કરી. આ બેઠકમાં ઉમેદવારો અને પાર્ટી પ્રતિનિધિઓએ આગામી ચૂંટણી માટે સપોર્ટ અને માર્ગદર્શન મેળવ્યું.
-
ફાઈનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે મેગા શો
અમદાવાદમાં યોજાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય મેગા શો યોજાશે. લગભગ 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાનાર છે જેમાં જાણીતા ગાયક અરીજીત સિંઘ, ફાલ્ગુની પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પરફોર્મ કરશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અમદાવાદમાં T20 વર્લ્ડ કપનું ભવ્ય સમાપન થવાનું છે, જેને લઇ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
-
સુરતના પાલ વિસ્તારમાં તબીબ દ્વારા અકસ્માત
સુરતના પાલ વિસ્તારમાં તબીબ દ્વારા સર્જાયેલા અકસ્માતનો મામલો સામે આવ્યો છે. લાઈફ લાઈન હોસ્પિટલના તબીબ વિરલકાંત ચૌધરીે અતિશય થાકના કારણે ઊંઘ આવી જતા કાર પરથી કાબૂ ગુમાવ્યો અને ચારથી વધુ વાહન ચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં આશરે 5 જેટલા વાહન ચાલકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર તબીબની ધરપકડ કરી છે અને તેમની સામે વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
મહેસાણા: આઈકોનિક રોડની કામગીરી અંગે હાઈકોર્ટમાં PIL દાખલ
મહેસાણામાં મોઢેરા રોડ પર ચાલી રહેલી આઈકોનિક રોડની કામગીરી હવે વિવાદના ઘેરામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે, જેના કારણે રોડનો એક ભાગ વધુ પહોળો અને બીજો ભાગ સાંકડો રહી ગયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે યોગ્ય રીતે તમામ દબાણ દૂર કરીને રસ્તાને સમાન રીતે પહોળો કરવામાં આવે જેથી લોકોને અવરજવર કરવામાં સરળતા રહે.
-
ફરી લવ જેહાદીઓ પર વરસ્યા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ફરી એકવાર લવ જેહાદના મુદ્દે કડક શબ્દોમાં બોલ્યા હતા. તેમણે જણાવ્યું કે ખોટું નામ ધારણ કરીને દીકરીઓને ફસાવનારાઓને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. સંઘવીએ લોકોને અપીલ કરી કે પોતાની ભોળી દીકરીઓ આવા શિકાર ન બને તે માટે સમાજે સંકલ્પ લેવો જોઈએ. તેમણે મહિલાઓને સંબોધતા કહ્યું કે તેઓ રાણી લક્ષ્મીબાઇ જેવી હિંમત બતાવે અને પોતાની સુરક્ષા માટે આગળ આવે. સાથે જ તેમણે ઉમેર્યું કે દીકરીની ટીકા કરવાને બદલે તેને બચાવવા અને તેની સાથે ઊભા રહેવું જરૂરી છે, કારણ કે મહિલાઓ લક્ષ્મીબાઈ બનશે તો કોઈ તેમને હેરાન કરવાની હિંમત નહીં કરે.
-
સુરતઃ માંડવીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતના માંડવી વિસ્તારમાંમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપૂરમાં આવેલી અગ્રેશ્વર સોસાયટીના મકાન નં. 400 માં બાતમીના આધારે પાડેલા દરોડામાં અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેક થયેલ 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપી લેવામાં આવ્યું છે, જેની કિંમત કુલ 6.65 લાખ રૂપિયા સુધી આંકવામાં આવી છે. આ ઘી યદુગીરી બ્રાન્ડના નામે પેક કરવામાં આવતો હતો. પોલીસે ઝડપી લેવાયેલ ઘીનો સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલી દીધો છે.
-
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યભરના 76 હજારથી વધુ વકીલ મતદારો ભાગ લેશે; પ્રેફરન્સિયલ વોટીંગ દ્વારા 23 વકીલ સભ્યો માટે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલશે. અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ અને યુનિવર્સિટીનું અટલ કલામ કેમ્પસ મુખ્ય મતદાન કેન્દ્ર છે, જ્યાં 17 હજારથી વધુ વકીલ સભ્યો મતાધિકારનો ઉપયોગ કરશે. ચુંટણીમાં 30 ટકા મહિલા અનામતના નિયમ મુજબ ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત છે અને ચૂંટાયેલા નવા સભ્યો આગામી 5 વર્ષ માટે BCGની કમિટી સંભાળશે.
-
અમદાવાદઃ વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ છે; પરવાનગી કે રજિસ્ટ્રેશન વિના ચલાવાતી આ ફેક્ટરી સામે વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી અને 2.16 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યું છે, આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
-
અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા આપી 30 દિવસની હંગામી છૂટ
યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત મળી છે કારણકે અમેરિકાએ રશિયા પાસેથી ઑઈલ ખરીદવા 30 દિવસની હંગામી છૂટ આપી છે, જે વૈશ્વિક ઑઈલ બજારમાં સર્જાયેલી અસ્થિરતા હળવી કરવા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય છે; આ પગલાથી ભારતની ઑઈલ કંપનીઓ હવે દરિયામાં અટવાયેલા રશિયન ક્રુડ ઑઈલ ટેન્કરોની ડિલિવરી લેવા શરૂ કરી શકે છે.
-
મોડી રાતે રાજ્યના એકસાથે 37 IPSની બદલીના ઓર્ડર
ગુજરાતમાં મોડી રાત્રે 37 IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી જેમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG, ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ, શમશેરસિંઘને સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ વડા, મયુર પાટીલને નવા ઝોન-8માં, પરિક્ષિત રાઠોડને બનાસકાંઠા રેન્જ IG તરીકે પોસ્ટિંગ આપવામાં આવી છે.
-
આણંદ: દહેમીની આયુર્વેદિક કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત
આણંદ જિલ્લામાં એક વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. દહેમીની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી Stanza Living ગર્લ્સ હોસ્ટેલમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ગુજરાત પોલીસ હેઠળની વિદ્યાનગર પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનું માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે આપઘાત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
-
આસામઃ ભારતીય વાયુ સેનાનું લડાકૂ પ્લેન ક્રેશ
આસામમાં ભારતીય વાયુસેનાનું લડાકૂ વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. Sukhoi Su‑30MKI ફાઈટર જેટ Karbi Anglong નજીક ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ ગુરુવારે મોડી રાત્રે વિમાન અચાનક રડાર પરથી ગુમ થઈ ગયું હતું, જેના બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાદમાં વિમાન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી અને અકસ્માત બાદ સ્થળ પર ધડાકાભેર આગ લાગી હતી. આ ઘટના અંગે Indian Air Force દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને બચાવ તથા શોધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
-
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સ્ટબ આજે મુંબઈની મુલાકાત લેશે
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સ્ટબ 6 માર્ચે મુંબઈની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળશે, અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
-
જમીન કૌભાંડ મામલે વિષેશ કોર્ટમાં EDએ ચાર્જશીટ રજૂ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા જમીન NA કૌભાંડ મામલે Enforcement Directorate (ED) દ્વારા વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. તપાસ મુજબ જમીનને નોન-એગ્રીકલ્ચર (NA) બનાવવા માટે અધિકારીઓ દ્વારા સુવ્યવસ્થિત રીતે લાંચ લેવાની પદ્ધતિ રચાઈ હતી. આરોપ છે કે અરજદારો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી અને તેમાં જિલ્લા કલેક્ટરનો 50 ટકા, નિવાસી અધિક કલેક્ટરનો 25 ટકા, મામલતદાર અને નાયબ મામલતદારનો 10-10 ટકા તથા ક્લાર્કનો 5 ટકા હિસ્સો વહેંચાતો હતો. ઓફિસ સમય બાદ રોકડ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવાયેલી હતી. જે અરજદારો રૂપિયા આપતા ન હતા તેમની અરજીઓ ઈરાદાપૂર્વક વિલંબિત કરવામાં આવતી અથવા વાંધા બતાવીને નકારી કાઢવામાં આવતી હોવાનું EDએ જણાવ્યું છે. આ કેસમાં પૂર્વ કલેક્ટર Rajendra Patel અને નાયબ મામલતદાર Chandrasinh Mori સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જ 9 કરોડથી વધુ રકમના ગેરવહીવટનો ઉલ્લેખ છે. ઉપરાંત લગભગ 1500 કરોડથી વધુ મૂલ્યની જમીનના NA રૂપાંતર મામલાઓ અંગે પણ તપાસ ચાલુ હોવાનું EDએ જણાવ્યું છે.
Published On - Mar 06,2026 7:27 AM