AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

05 ઓકટોબરના મહત્વના સમાચાર : ગુજરાત પરથી ઓછું થયું ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ, ઓમાન નજીક પહોંચ્યું ચક્રવાત, હાલમાં અરબ સાગરમાં સક્રિય છે તિવ્ર વાવાઝોડું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2025 | 9:14 PM
Share

Gujarat Live Updates આજ 05 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

05 ઓકટોબરના મહત્વના સમાચાર : ગુજરાત પરથી ઓછું થયું ‘શક્તિ' વાવાઝોડાનું સંકટ, ઓમાન નજીક પહોંચ્યું ચક્રવાત, હાલમાં અરબ સાગરમાં સક્રિય છે તિવ્ર વાવાઝોડું

આજે 05 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Oct 2025 09:00 PM (IST)

    સુરત: માંગરોળમાં માથાભારે ઈસમોના દબાણો પર તંત્રનું બુલડોઝર

    સુરત: માંગરોળમાં માથાભારે ઈસમોના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુ. ઝંખવાવમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યુ. 12 જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન દબાણ કર્યુ હતુ. 8 જેટલા લોકો પર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી. પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અનિચ્છનિય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસકર્મી તૈનાત રખાયા હતા.

  • 05 Oct 2025 08:45 PM (IST)

    જસદણના રાણીગપરના ગામમાં પાણી માટે વલખાં

    રાજકોટના જસદણ તાલુકામાં પાણીના અભાવે ગ્રામજનોનું જીવન દોઝખ બન્યું છે. જસદણના રાણીગપર ગામની કે જ્યાં પાણી મેળવવા માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં પાણીની લાઈન નાંખી દેવામાં આવી છે. લોકોને પાણીના ક્નેક્શન પણ મળી ગયા છે પરંતુ ગ્રામજનોને નળ ખોલે ત્યારે પાણીના બદલે હવા નીકળે છે. નળમાં પાણી આવતુ ન હોવાથી ગામની મહિલાઓ માથે બેડા મુકીને કૂવા કે હવાડા સુધી પાણી ભરવા જવા માટે મજબૂર છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ અને ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે ઘર સુધી પીવાનું પાણી પહોંચતું નથી.

  • 05 Oct 2025 08:31 PM (IST)

    ગુજરાતના માથેથી વાવાઝોડાનું સંકટ થયુ ઓછુ

    અરબ સાગરમાં રહેલા વાવાઝોડાએ ગુજરાત તરફ વળાંક લઇ લીધો છે અને હવે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જો કે સારી વાત એ છે કે હવે વાવાઝોડું ખુબ જ નબળું પડી ગયું છે અને જેમ જેમ વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ હજુ પણ નબળું જ પડતું જશે. દરિયામાં જ વાવાઝોડું વિખેરાઇ જશે અને ગુજરાત તરફ માત્ર ડિપ્રેશન બની જ આવશે. જેથી માત્ર સામાન્ય વરસાદની જ શકયતાઓ છે.

  • 05 Oct 2025 08:15 PM (IST)

    રાજકોટ: રૈયાધારમાં મધરાત્રે આતંક મચાવનારાની પોલીસે કરી સરભરા

    રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રે આતંક મચાવનારા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. કુખ્યાત ગેંગ ટોળકીએ બે દિવસ પહેલા થયેલી માથાકૂટની અદાવતને લઈને બબાલ કરી હતી અને કારના કાચ પણ ધોકા પાઈપ વડે તોડવામાં આવ્યા હતા. જાહેરમાં આતંક મચાવનારા આરોપીને પોલીસે પકડીને જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.જે જગ્યાએ આરોપીઓએ મારામારી કરી હતી તે જ જગ્યાએ આરોપી માફી માગતા નજરે પડ્યા હતા. પોલીસની ટ્રીટમેન્ટથી આરોપીઓ ડગુમગુ ચાલતા નજરે પડ્યા હતા.

  • 05 Oct 2025 08:00 PM (IST)

    નવસારીઃ મોરલી ચાર રસ્તા નજીક અકસ્માત

    નવસારીઃ મોરલી ચાર રસ્તા નજીક અકસ્માત થયો. ST બસે બાઇકચાલકને અડફેટે લીધો. બસની બ્રેક ફેઈલ થતા અકસ્માત થયો હતો. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.

  • 05 Oct 2025 08:00 PM (IST)

    બોટાદમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

    બોટાદમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. બોટાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો. પાળીયાદ રોડ, પાંચપડા, હવેલી ચોક, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે ગરમી અને બફારા બાદ વરસાદથી લોકોને રાહત થઈ છે.

  • 05 Oct 2025 07:45 PM (IST)

    વડોદરામાં ચિક્કાર પીધેલા નશેડીએ કારમાં કરી તોડફોડ

    વડોદરામાં ભલે પોલીસ વિભાગ રાત્રિ પેટ્રોલિંગના દાવા કરતું હોય,, પરંતુ  માંજલપુર વિસ્તારમાં એક નશેડી ચિક્કાર પીધેલી હાલતમાં પાર્ક કરેલી કારમાં તોડફોડનો પ્રયાસ કરી રહ્યો છે.. અને અર્ધનગ્ન હાલતમાં સમગ્ર વિસ્તારને બાનમાં લઇ રહ્યો છે.. જોકે કાયદો હાથમાં લેનાર આ નસેડીને અટકાવનાર કોઇ નથી.. નશાખોરોને પોલીસનો ડર તો નથી રહ્યો, સાથે તેઓએ ખાખીને પણ પડકારી રહ્યા છે. આખરે પીધેલી હાલતમાં નસેડીએ કારનો કાચ તોડીને જ જપ લીધો.

  • 05 Oct 2025 07:30 PM (IST)

    ગોધરાના કડિયાલાડ વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવા મુદ્દે મારામારી

    ગોધરાના કડિયાવાડ વિસ્તારમાં થઈ છે મારામારી. જર્જરિત મકાન પર મોબાઈલ ટાવર લગાવવા મામલે બબાલ સર્જાઇ અને આમને સામને આવી ગયા બે જૂથો. એક જૂથનો દાવો છે કે જર્જરિત મકાન પર મોબાઈલ ટાવર લગાવવાથી નુકસાન થવાનું જોખમ છે. સ્થાનિકોએ વિરોધ કરતા જ ટાવર લગાવનારા પરિવાર દ્વારા હુમલો કરાયો. હુમલામાં કેટલાક લોકોને નજીવી ઇજા પણ પહોંચી. તો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 05 Oct 2025 07:15 PM (IST)

    ગીરનાર: બાબા ગોરખનાથની મૂર્તિને ખંડિત કરી જંગલમાં ફેંકી

    ફરી એકવાર ગીરનાર પર્વત પર વિવાદ છેડાયો છે. આ વખતે ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિની તોડફોડ કરાઈ જી હા એટલું જ નહી પરંતુ મૂર્તિને જંગલમાં ફેંકી પણ દેવાઈ. આ મામલાને લઈને હવે પોલીસ ફરિયાદ બાદ જિલ્લા પોલીસવડાએ તપાસ હાથ ધરી છે તો સંતો દ્વારા ઘટનાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

    ગીરનાર પર્વત પર અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે મોડી રાત્રે 5500 પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ્યા શખસો દ્વારા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી. મૂર્તિ તોડનાર અસામાજિક તત્ત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ, જ્યારે ઘોંઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 માણસો તેમણે ભાગતા જોયા. હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને ગૌરક્ષનાથ શિખર જગ્યાના મહંત સોમનાથ બાપુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સોમનાથ બાપુ સાથે અન્ય સાધુ-સંતો પણ પોલીસે સ્ટેશન પહોંચ્યા હતા.અને ફરિયાદ નોંધાવી છે.

  • 05 Oct 2025 07:00 PM (IST)

    કોડિનારમાંથી ઝડપાયો નક્લી ઘીનો જથ્થો

    તહેવાર ટાણે બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાતા ઘી પર વિશ્વાસ મુકતા પહેલા ચેતી જજો કારણે કે શુદ્ધ ઘીના નામે ભેળસેળનું ઝેર પધરાવતા ભેળસેળિયા તત્વો સક્રિય થયા છે. ગીર-સોમનાથ જિલ્લામાં ઘીમાં ઘાલમેલનો પર્દાફાશ થયો છે. કોડીનારના રબારી વાડા વિસ્તારમાં SOGએ દરોડા પાડીને નકલી ઘીનો પર્દાફાશ કર્યો છે. પોલીસના આ દરોડામાં ફૂટ વિભાગની ટીમ પણ સાથે જોડાઈ હતી. પોલીસે શંકાસ્પદ ઘીનો જત્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

  • 05 Oct 2025 06:45 PM (IST)

    અમદાવાદઃ પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની ઘટના

    અમદાવાદઃ પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. જેમા ફાયર વિભાગની 2 ગાડીઓએ ત્વરીત કામગીરી કરતા આગ પર કાબુ કર્યો હતો. આગ લાગવા સમયે હોસ્પિટલમાં 10 દર્દીઓ દાખલ હતા. જો કે તમામ દર્દીઓને સલામત રીતે બહાર લઈ લેવામાં આવ્યા હતા. આગની ઘટના બાદ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તે અંગે તપાસ થશે.

  • 05 Oct 2025 06:32 PM (IST)

    પાટણઃ રાધનપુર નજીક અકસ્માતમાં 5નાં મોત

    પાટણઃ રાધનપુર નજીક અકસ્માતમાં 5નાં મોત થયા છે. જેમા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે. એક સાથે પાંચ વાહનો ટકરાતા અકસ્માત સર્જાયો હતો. સરદારપુરા પાસે ટ્રેલરચાલકે બે બાઈક અને બે જીપને ટક્કર  મારી હતી. જેમા 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે  GMERS ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે NHAI પર આક્ષેપ કર્યો. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અકસ્માત થયાનો આક્ષેપ કરાયો છે. એક તરફનો હાઈવે બંધ હોવાથી અકસ્માત સર્જાયો હોવાનો MLAનો દાવો છે.

  • 05 Oct 2025 06:30 PM (IST)

    નવસારીઃ વાંસદા સ્ટેટ હાઇવે પર દીપડો રસ્તો ક્રોસ કરતો દેખાયો

    નવસારીઃ વાંસદા સ્ટેટ હાઇવે પર દીપડો રસ્તો ક્રોસ કરતો દેખાયો. વાહનોની અવર-જવર વચ્ચે દીપડાએ રસ્તો ક્રોસ કર્યો. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો દીપડાને જોઈને સ્તબ્ધ થયા.  દીપડાનો રસ્તો ઓળંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  દીપડો ટ્રાફિક વચ્ચેથી સાવચેતી પૂર્વક પસાર થતો નજરે પડ્યો.

  • 05 Oct 2025 06:15 PM (IST)

    સુરત: અલથાણમાં વેપારીના અપહરણ કેસમાં બે આરોપીની ધરપકડ

    સુરતના કામરેજ તાલુકાના અલથાણ નજીક વેપારીના અપહરણ કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગઈકાલે વેપારી પોતાના કામેથી પરત ફરી રહ્યો હતો ત્યારે અપહરણકર્તાઓએ વેપારીનો પીછો કરીને વેપારીને કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આરોપીઓએ વેપારીના પરિવારને ફોન કરીને 50 લાખની ખંડણી માગી હતી. વેપારીને પત્નીએ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ખંડણીની રકમ આપવાની સાથે ટ્રેપ ગોઠવીને ખંડણી લેવા આવેલા બે આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે અપહરણ કરનારા બે આરોપી વોન્ટેડ છે તો બીજી તરફ અપહ્યત વેપારીનો છૂટકારો થયો છે.

  • 05 Oct 2025 06:00 PM (IST)

    ભારે પડ્યો ઉજવણીનો ઉન્માદ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

    નવી લકઝરી બસ લાવ્યાની ખુશીમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સીન સપાટા કરવા ટ્રાવેલના કર્મચારીના ભારે પડ્યા છે. તાનિયા ટ્રાવેલ્સના 2 કર્મચારીની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા CTM એક્સપ્રેસ હાઈવે પર તાનિયા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આરોપી યશ નંદુરબારે અને જય પંચાલે રસ્તાનો એક તરફના ભાગ પર લક્ઝરી બસ મૂકીને રોકી દીધો હતો અને ત્યારબાદ જાહેર રોડ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આટલુ ઓછું હોય તેમ આરોપીઓ આતાશબાજી કરી હતી, જાહેર રસ્તા પર જોખમી રીતે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને વાહનચાલકોનો જીવ જોખમમાં મુક્યા હતા. પોલીસે વાયરલ વીડિયોના આધારે તાનિયા ટ્રાવેલ્સના બે કર્મચારીની ધરપકડ કરી છે.

  • 05 Oct 2025 05:45 PM (IST)

    મોરબી: પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ કીચડમાં રમી નોંધાવ્યો વિરોધ

    મોરબી: પ્રાથમિક સુવિધાના અભાવે લોકોનો અનોખો વિરોધ જોવા મળ્યો છે. કીચડમાં રમીને રામકો વિલેજ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. ઘુંટુ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ઘણા વર્ષોથી પાયાની સુવિધાથી સોસાયટીના રહીશો વંચિત છે. ઢોલના તાલે કીચડમાં રમી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહીશોએ વિરોધ નોંધાવ્યો. 4 વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા 700 જેટલા પરિવારો હેરાન છે. તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારાઈ છે.

    છેલ્લા કેટલાય સમયથી પાકો રસ્તો જ નથી. જેના કારણે અવરજવર કરવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એમાંય રસ્તા પર મસમોટા ખાડાને કારણે લોકો પરેશાન છે. ખાડાને કારણે ઘણીવાર અકસ્માત થયા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપો કરી રહ્યાં છે અને રજૂઆત બાદ પણ કોઈ અધિકારી જોવા પણ ન આવ્યા હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.

  • 05 Oct 2025 05:30 PM (IST)

    અંબાજી ખાતે જગદગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ

    આવતીકાલે યાત્રાધામ અંબાજી ખાતે જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ત્રણ દિવસીય આ મહાયજ્ઞમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય વિશેષ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત રાજ્યના સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમાં હાજરી આપશે. હાલ કાર્યક્રમના સ્થળે વરસાદના કારણે પાણી ભરાયા છે. પરંતુ સ્વંયસેવકો વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસરત છે. જો વરસાદી પાણીનો નીકાલ નહીં થાય તો 101 કુંડીને બદલે 21 કુંડી મહાયજ્ઞ કરાશે. મહાયજ્ઞના આયોજક મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ અટકાવવાના હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં વનવાસી ભાઈઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • 05 Oct 2025 05:15 PM (IST)

    ખેડાઃ રીલના સીન સપાટા યુવકને ભારે પડ્યા

    ખેડાઃ રીલના સીન સપાટા યુવકને ભારે પડ્યા છે. પોલીસના વાહન પર રિલ શૂટ કરનારો ઝડપાયો છે. પોલીસે યુવકને ઝડપીને માફી મંગાવી છે. યુવકે પોલીસના વાહન પર બેસીને રીલ બનાવી હતી. ગઈકાલે અકસ્માતની ઘટનાની તપાસ માટે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે યુવકે તકનો લાભ લઈને કઠલાલ પોલીસ મથકના સરકારી વાહન પર બેસીને રીલ બનાવી હતી.

  • 05 Oct 2025 05:00 PM (IST)

    ધોરાજીથી ફરેણી ગામ સુધી બનેલા રસ્તાને લઈને ઉઠ્યા સવાલ

    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બની રહેલા નવા રોડમાં લોટ,પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. ધોરાજીથી ફરેણી ગામ સુધી બની રહેલા નવા ડામર રોડની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તક બની રહેલા નવા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આરોપ છે. 25 સપ્ટેમ્બરે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ રોડનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે રોડમાં ડામરનું ઓછું પ્રમાણ હોવાથી નબળું કામ થયું અને થોડા જ સમયમાં રોડ ઉખડવા લાગ્યો છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું કે સત્તાપક્ષ અને અધિકારીઓની મિલીભગતના કારણે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. કોન્ટ્રાક્ટરે ડામરનો યોગ્ય ઉપયોગ ન કર્યો હોવાનો આરોપ છે. પૂર્વ ધારાસભ્યે રોડની કામગીરી અટકાવીને ફરીથી ગુણવત્તાવાળો રોડ બનાવવા માટે માગણી કરી છે.

  • 05 Oct 2025 04:45 PM (IST)

    વડોદરા: કારેલીબાગના અંબા માતાના મંદિરમાં ચોરી

    વડોદરા: કારેલીબાગના અંબા માતાના મંદિરમાં થયેલી ચોરી મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.  CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ચોર સકંજામાં આવ્યા છે. બે ચોર મંદિરમાંથી દાનપેટી ઉઠાવીને  ફરાર થયા હતા. દાનપેટી સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.  મંદિરમાં ચોરીને અંજામ આપવામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. તો આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ થઈ છે.

  • 05 Oct 2025 04:30 PM (IST)

    અમદાવાદ: નિકોલ કઠવાઠામાં બન્યુ સૌથી મોટુ ઓડિટોરિયમ

    અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો માટે વધુ એક સુવિધાની ભેટ મળવા જઈ રહી છે. નિકોલ કઠવાડા વિસ્તારમાં શહેરના સૌથી મોટા ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.. અત્યાધુનિક અને સુવિધાજનક ઓડિટોરિયમ તૈયાર કરાયું છે. એક સાથે 1 હજારથી વધુ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 9 હજાર 300 ચોરસ મીટરમાં 39 કરોડ 70 લાખના ખર્ચે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. ઓડિટોરિયમમાં 450 વ્યક્તિઓ માટે બેંકવેટ હોલ અને 450 વ્યક્તિઓ માટે મલ્ટી પર્પસ હોલ તૈયાર કરાયા છે. સાથે-સાથે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એવી રીતે વિશાળ પાર્કિંગની પણ સુવિધા અપાઈ છે.

  • 05 Oct 2025 04:15 PM (IST)

    રાજકોટ: કોલ્ડડ્રિંક્સની બોટલમાં ગરોળી હોવાનો વીડિયો વાયરલ

    રાજકોટ: કોલ્ડડ્રિંક્સના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલ્ડડ્રિંક્સની બોટલમાં ગરોળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. રેસ્ટોરન્ટમાં કોલ્ડડ્રિંકમાંથી ગરોળી નીકળી હોવાનો દાવો કરાયો છે.  આત્મીય કોલેજ નજીકની રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કોલ્ડડ્રિંક્સ ની બોટલમાં ગરોળી સ્પષ્ટ દેખાઈ રહી છે.

  • 05 Oct 2025 04:00 PM (IST)

    રાજકોટઃ પોલીસ સ્ટેશનમાં સગીર આરોપીને તાલિબાની સજા

    રાજકોટઃ પોલીસ સ્ટેશનમાં સગીર આરોપીને તાલિબાની સજા આપવાનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય દર્શિતા શાહ એક્શનમાં આવ્યા છે. સગીર સાથે અમાનવીય વર્તન કરનારા શખ્સ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ  આપ્યા છે. કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને સૂચના આપી છે. ઘટના સમયે હાજર પોલીસ કોન્સ્ટેબલ સામે પણ કડક પગલાં લેવાની સૂચના આપી છે. સમગ્ર ઘટનાને ધારાસભ્ય દર્શિતા શાહે સખ્ત શબ્દોમાં વખોડી છે. મારામારીના આરોપમાં સગીરને પોલીસ સ્ટેશનમાં જ તાલિબાની સજા આપવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિએ સગીરના વાળ ખેંચી અમાનવીય વર્તન કર્યુ હતુ. સગીર સામે એક શખ્સ પર છરી વડે હુમલો કરવાનો આક્ષેપ હતો. વીડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

  • 05 Oct 2025 03:45 PM (IST)

    પીઠડીયા, ભરૂડી ટોલ પ્લાઝાએ ટોલમાં કર્યો ઘટાડો

    નેશનલ હાઇવે ઓથોરિટીએ 1 ઓક્ટોબરથી ટોલ પ્લાઝા પર ટોલ ઘટાડવાની જાહેરાત કરાતા રાજકોટ-જેતપુર વચ્ચે આવતા પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝાએ પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો. જેના સામે વાહનચાલકોએ નારાજગી દર્શાવી કારણ કે.. જેતપુર-રાજકોટ વચ્ચે છેલ્લા 2 વર્ષથી સિક્સ લેનનું કામ ચાલી રહ્યું છે.. જેના કારણે ઠેર-ઠેર ખોદેલા ખાડાથી રોડ ખરાબ થઈ ગયો છે.. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મોટા ભાગનો રોડ એક જ તરફનો સર્વિસ રોડ છે તો ટ્રાફિકજામ સર્જાતા 69 કિમીનું અંતર કાપતા 4થી 5 કલાકનો સમય લાગે છે. અગાઉ પણ વાહનચાલકોએ ‘નો રોડ નો ટોલ’ની માગ કરી હતી આંદોલનો પણ કર્યા. છતાં માત્ર ભાવ ઘટાડો કરાયો. ટોલ પ્લાઝાના મેનેજરે જણાવ્યું કે જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સ લેન રોડનું કામ ચાલુ હોવાથી બન્ને ટોલ પ્લાઝાએ કોમર્શિયલ વાહનોમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ વાહનચાલકો ટોલ નાબૂદ કરવાની માગ કરી રહ્યાં છે.

  • 05 Oct 2025 03:30 PM (IST)

    રાજકોટઃ BRTS સ્ટેન્ડમાં ડ્રાઈવરની દાદાગીરી

    રાજકોટઃ BRTS સ્ટેન્ડમાં ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. ઓમનગર સર્કલ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે બબાલ થઈ.  બસના ડ્રાઈવરે મુસાફરને લાફો મારતા બબાલ થઈ હતી.  કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડ્રાઈવરે લાફો ઝીંકી દીધો હતો. મુસાફરને માર મારતો વીડિયો વાયરલ થયો છે. તો આ મામલે ધારાસભ્યએ પણ કહ્યુ છે કે, કોઈ પણ ડ્રાઈવરને લાફો મારવાનો અધિકાર નથી. આ મામલે તપાસ થશે.

  • 05 Oct 2025 03:13 PM (IST)

    જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં થ્રેશર મશીન પર જોખમી મુસાફરી

    રાજકોટ: જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં જોખમી સવારીના દૃશ્યો સામે આવ્યા. મગફળી કાઢવાના થ્રેશર મશીન પર બેસી મહિલા, પુરુષો સહિત બાળકોને થ્રેશર મશીન પર ખીચોખીચ બેસાડ્યા. મગફળીની સિઝન હોઈ જોખમી રીતે મજૂરીએ લઈ જવાતા હોવાના આક્ષેપ કરાયા છે. STની સુવિધાના અભાવે મજૂરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યાના આક્ષેપ લાગ્યા છે. વાયરલ વીડિયો જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનો દાવો કરાયો છે. TV9 વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતુ.

  • 05 Oct 2025 03:10 PM (IST)

    ભાજપ સામે લડી લેવાના મૂડમાં ચુવાળિયા કોળી સમાજ

    ભાજપે OBCમાંથી પ્રદેશ પ્રમુખ બનાવીને OBC મતબેન્ક અંકે કરવાનો પ્રયાસ તો કર્યો પરંતુ OBCમાં જ હવે નારાજગીના સૂર ઉઠ્યા છે. રાજકોટમાં ચુવાળિયા કોળી સમાજના આગેવાનો એકઠાં થયા અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે OBC હોવા છતાં કોળી સમાજમાંથી પસંદગી નહીં થતાં નારાજગી વ્યક્ત કરાઈ છે. કોળી સમાજના આગેવાનોનો દાવો છે કે, OBC સમાજમાં સૌથી વધુ વસ્તી કોળી સમાજની છે, છેલ્લા 40 વર્ષથી કોળી સમાજ ભાજપની સાથે છે છતાં યોગ્ય પદ અપાયું નથી.

  • 05 Oct 2025 02:35 PM (IST)

    શક્તિ વાવાઝોડાની અસર ગીર સોમનાથમાં જોવા મળી, વેરાવળ બંદર પર લગાવાયુ 3 નંબરનુ સિગ્નલ

    ગીર સોમનાથ જિલ્લામાં શક્તિ નામના વાવાઝોડા અસર જોવા મળી છે. ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ વાવાઝોડુ ઓમાન તરફ છતાં આવતીકાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ ફંટાવવાની સંભાવના છે. વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જોકે વેરાવળની 2 હજાર જેટલી બોટ દરિયામાં માછીમારી માટે ગઈ છે. જેમનો સંપર્ક કરી શકાયો નથી. વેરાવળની નાની મોટી પાંચ હજાર બોટ પૈકી બે હજાર બોટ સંપર્ક વિહોણી હોવાનું સામે આવ્યું છે. અંદાજે 20 હજાર જેટલા માછીમારો મધદરિયે છે.

  • 05 Oct 2025 02:01 PM (IST)

    પાટણના રાધનપુર નજીક ટ્રેલરે પાંચ વાહનોને લીધા અડફેટે, 2ના મોત, 8 ઈજાગ્રસ્ત

    પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમા 2ના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે 8 ઈજાગ્રસ્ત થયા છે. પાટણના રાધનપુર નજીક ટ્રેલર ચાલકે, એક સાથે પાંચ વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 ના મોત, 8 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતનો મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. ટ્રેલરે 2 મોટર સાયકલ અને 2 જીપને ટક્કર મારી હતી.

  • 05 Oct 2025 01:57 PM (IST)

    ગુજરાત માથેથી ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ ઓછું થયુંઃ હવામાન વિભાગ

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના માથેથી ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ ઓછું થયું છે. શક્તિ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે. હાલમાં ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં તીવ્ર બનેલ વાવાઝોડું સક્રિય છે. શક્તિ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું છે.હાલમાં શક્તિ વાવાઝોડું ઓમાનના રસ અલ હદ થી 250 કિ.મી દૂર છે. જ્યારે ગુજરાતના નલિયા અને દ્વારકાથી 770 કિ.મી દૂર થયું છે.

  • 05 Oct 2025 01:31 PM (IST)

    સુરતના રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે બબાલ, એક જ પરિવારના પાંચ ઈજાગ્રસ્ત

    સુરતના રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં, ગત મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના પાંચ સભ્યોને ઇજાગ્રસ્ત કર્યાં હતા. આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

  • 05 Oct 2025 12:47 PM (IST)

    મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો

    મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ખાનપુર તાલુકા, મોટા ખાનપુર, નાના ખાનપુર, ભાદરોડ, રંગેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ક્યાંક તડકો તો ક્યાંક વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ થાય તો પાકને થઈ શકે છે નુકસાન.  મકાઈ, મગફળી, સોયાબીન, જુવાર, બાજરી, ફળાઉ તેમજ શાકભાજીના પાકોને નુકશાન થઈ શકે છે.

  • 05 Oct 2025 12:43 PM (IST)

    આરોગ્ય પ્રધાને અકસ્માતગ્રસ્ત યુવકને હોસ્પિટલ તો ઈજાગ્રસ્ત પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પહોચાડ્યો

    મહેસાણાથી વિસનગર જતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલાને વ્હારે આવ્યા આરોગ્યમંત્રી. અકસ્માતમાં ઘાયલ યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી. 108 એમ્બ્યુલન્સમાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો. અન્ય યુવક જેને સામાન્ય ઇજાઓ થઇ હતી અને પરીક્ષા આપવા જતો હતો તેને પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી મૂકીને આવ્યા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ.

  • 05 Oct 2025 12:26 PM (IST)

    ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા 7 ઓક્ટોબર સુધી મુલતવી

    ખરાબ હવામાન અને ભક્તોની સલામતીની ચિંતાને કારણે માતા વૈષ્ણોદેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણી બાદ શ્રાઇન બોર્ડે આ નિર્ણય લીધો છે.

  • 05 Oct 2025 11:44 AM (IST)

    સુરત જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરી ઘર બનાવનારા 12 સામે કાર્યવાહી

    સુરત જિલ્લામાં માંગરોળમાં માથાભારે ઈસમોએ કરેલા દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ડીમોલેશન કામગીરી કરાઈ છે. માથાભારે ઈસમોએ સરકારી જમીન પર દબાણ કરી ઘર બનાવ્યા હતા. 12 જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. 12 માંથી 8 જેટલા લોકો પર પોલીસ સ્ટેમાં ગુનાઓ નોંધાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા, નાયબ પો.અધિક્ષક, સહિતના અધિકારીઓ હાજર રહીને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. અનિચ્છનીય બનાવ ના બને તે માટે 400 જેટલા પોલીસકર્મીઓ સ્થળ પર ફરજ બજાવી રહ્યાં છે.

  • 05 Oct 2025 11:40 AM (IST)

    ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિની તોડફોડ

    ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિની તોડફોડ કરવામાં આવી છે. સાડા પાંચ હજાર પગથિયા ઉપર આવેલ ગુરુ ગોરખનાથ શિખર ખાતે આ ઘટના બની છે. ગોરખનાથજીની મંદિરની પ્રતિમાને કોઈએ ગઈ રાત્રીના તોડફોડ કરી છે. મંદિરમાં અને પ્રતિમાને તોડફોડ કરી અને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દીધી. સાધુ સંતોમાં અને ભાવિકોમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. આ જધન્ય કૃત્ય કરનાર કડક સજા કરવાની માંગ. નાથ સંપ્રદાયના સંતો સોમનાથ બાપુ, શેરનાથ બાપુ સહિતના ધર્મ પ્રેમી લોકોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. વિધિવત પોલીસ ફરિયાદ પણ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

  • 05 Oct 2025 11:22 AM (IST)

    GST દ્વારા જામનગરમાં સતત ત્રીજા દિવસે પણ 20 પેઢીમાં સર્ચ ઓપરેશન

    જામનગરમાં GST દ્વારા સતત ત્રીજા દિવસે પણ 20 પેઢીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવેલ છે. રાજ્યના જુદા જુદા જીએસટી ડિવિઝનની એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામા આવ્યું છે. દેશ-વિદેશમાં વ્યાપાર કરતા વેપારીઓ, ધંધાર્થીઓના એકમો, ઓફિસો અને ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર સહિતની ટિમો સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. વ્યાપાર કર્યા વગર બોગસ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાની માહીતી સૂત્રોમાંથી સામે આવી છે.

  • 05 Oct 2025 11:02 AM (IST)

    પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝાએ ઘટાડ્યો ટોલ, કાર-જીપ જેવા નાના વાહનોને કોઈ ફાયદો નહીં

    રાજકોટ જિલ્લાના બે ટોલ પ્લાઝાએ ટોલ દરમાં ઘટાડો કર્યો છે. પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝાએ,  હેવી વાહનો માટે ટોલના દર ઘટાડયા છે. જ્યારે લાઈટ વ્હિકલ માટેના દર યથાવત રાખવામાં આવ્યા છે. બસ, ટ્રક, મીની બસ, થ્રિએકશેલ કોમર્શિયલ વાહનોમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક ઓક્ટોબરથી ભાવ ઘટાડવાની જાહેરાત કરાઈ હતી. મોટા વાહનોના દરમાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જ્યારે નાના વાહનો  જેવા કે, કાર- જીપ ના ટોલમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

  • 05 Oct 2025 10:59 AM (IST)

    ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 10 ઈજાગ્રસ્ત

    ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો છે. હેબતપુર પાટીયા પાસે બે ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં આઠથી દસ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. સદ્ નશીબે કોઈ જાનહાની થવા પામી નથી. ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ધોલેરા પોલીસ ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી છે.

  • 05 Oct 2025 10:22 AM (IST)

    નોઈડાથી બનાવટી 100 રૂપિયાની નોટનું પાર્સલ મંગાવનારો ઝડપાયો

    અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રૂપિયા 100 ના દરની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મહત્વની બાબત તો એ છે કે આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નોઇડાના યુવકનો સંપર્ક કરીને તેની પાસે થી બનાવટી નોટોનું પાર્સલ મંગાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ એ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

  • 05 Oct 2025 08:26 AM (IST)

    ખેડૂતોની મગફળી સસ્તી વેચાતી હોવા છતા, સિંગતેલના ભાવમાં વધારો થયો

    ગુજરાતમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે તેવા સંજોગોમાં સિગતેલના ભાવમાં વધારો થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની આવકથી માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યાં છે. બીજી તરફ સીંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓ અને ઓઇલ મીલરો રટણ કરી રહ્યાં છે. પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ 2250 થી 2300 રૂપિયા હતા. આજે સિંગતેલનો ભાવ વધીને 2220 થી 2340 થયો છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ રહી છે, તો બીજી તરફ સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે.

  • 05 Oct 2025 07:56 AM (IST)

    રાજકોટના રૈયાધારમાં કુખ્યાત ગેંગના સભ્યોએ ત્રણથી ચાર લોકો પર ધોકા પાઇપ વડે કર્યો હુમલો

    રાજકોટમાં મોડી રાત્રે રૈયાધાર વિસ્તારમાં બબાલ થઈ હતી. રાજકોટની કુખ્યાત ગેંગના સભ્યો દ્વારા ત્રણથી ચાર લોકો પર ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચ પણ ધોકા-પાઇપ વડે તોડવામાં આવ્યા હતા. મોડી રાત્રે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા માથાકૂટ થઈ હતી. જેની પ્રતિક્રિયા રૂપે આ હુમલો થયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. પોલીસે ધોકા-પાઈપ વડે  હુમલો કરનારા આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

  • 05 Oct 2025 07:28 AM (IST)

    અમદાવાદ કસ્ટમ વિભાગે, એરપોર્ટ પરથી ઝડપી 60 લાખના સોનાની દાણચોરી

    દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં, મુસાફર જીન્સપેન્ટમાં ચોરખાનું બનાવી સોનાની દાણચોરી કરતો પકડ્યો છે. એમિરેટ્સ એરલાઇનની ફ્લાઇટ નં. ઇકે-540 દ્વારા આવેલા એક ભારતીય મુસાફરને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી સોનાની પેસ્ટ મળી આવી હતી. મુસાફરે પહેરેલા જીન્સ પેન્ટના નીચલા ભાગમાં કપડાના બે સ્તરની વચ્ચે સોનાનો પાવડર-પેસ્ટ છૂપાવી હતી. કસ્ટમ વિભાગે, સોનાનો પાવડર-પેસ્ટ બહાર કાઢીને તેને સોનામાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. કુલ 491.400 ગ્રામ સોનું બહાર આવ્યું હતું. બજાર મૂલ્ય આશરે રૂ. 59.70 લાખ અને ટેરિફ મૂલ્ય રૂ. 54.26 લાખ જેટલું થાય છે.

Published On - Oct 05,2025 7:26 AM

g clip-path="url(#clip0_868_265)">