ગુજરાતમાં વરસાદી આફતને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે. અનારાધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે સંખ્યાબંધ લોકો બેઘર બન્યા છે. અનેક લોકોનું NDRF, SDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છઠે. રાજ્યમાં અત્યાર સુધી પૂરથી પ્રભાવિત 13 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1785 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક અંદાજ મુજબ અવિરત વરસાદને કારણે રાજ્યના માર્ગ અને બ્રિજને 5 હજાર કરોડથી વધુનું નુકસાન પહોંચ્યુ છે. એકલા અમદાવાદ શહેરમાં જ 19 હજારથી વધુ સ્થળોએ રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે. ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ઓવરબ્રિજ, અંડર બ્રિજ સહિતનાનું ધોવાણ થયુ છે. આ માર્ગોની મરામત માટે અંદાજિત પ5 હજાર કરોડથી વધુના ખર્ચનો પ્રાથમિક અંદાજ છે.
વડોદરામાં આવેલા વિનાશક પૂરને કારણે તંત્ર પર લોકોનો આક્રોશ ફુટ્યો છે અને આ પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો અને વડોદરા મહાનગરપાલિકામાં 30 વર્ષથી સત્તા પર બેસેલા શાસકોના ભ્રષ્ટાચારને પાપે સર્જાયુ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
શહેરમાં આવેલા વિનાશક પૂરને કારણે 10 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આશરે 300 થી વધુ મગરો વસવાટ કરે છે. જેના પગલે શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા મગરો પણ શહેરની સોસાયટીમાં આવી જતા શહેરીજનોની આફતમાં વધારો થયો છે. એક તરફ પૂરના કારણે પરેશાન નાગરિકોને મગરના કારણે ઘરોમાં પૂરાઈ રહેવા મજબુર બન્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પૂરાયેલા લોકોને જમવાનું તો છોડો પીવાના પાણીની પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.
હાલ વરસાદ બાદ સર્જાયેલી તારાજી રાજ્ય સરકાર માટે પડકાર બની છે. રાજ્યના 18 જિલ્લામાં વરસાદ અને પૂરને કારણે લોકોના હાલ બેહાલ છે. ત્રણ દિવસ સતત વરસેલા વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌથી વધુ દયનિય સ્થિતિ નીચાણવાળા વિસ્તારોની બની છે. પૂરને કારણે અત્યાર સુધીમાં 32લોકોના મોત થયા છે. ગુજરાત પર મુશળધાર વરસાદ આફત બનીને વરસ્યો છે.
રાજ્યમાં કુદરતે કેર વરસાદી કેર વરસાવતા અનેક વાહનો ડૂબી ગયા છે. માર્ગો, પૂલો તૂટી ગયા છે. બસ સ્ટેશનો પણ જળ મગ્ન બન્યા છે. ગામોના ગામ, ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. કચ્છ, જામનગર, મોરબી, જુનાગઢ, રાજકોટ, દ્નારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર, વડોદરા, ખેડા, મહિસાગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ ભયાનક પૂર અને તબાહીનો સામનો કરી રહ્યા છે. રાહત અને બચાવ કાર્યમાં હવે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘરોમાં પાણી ઘુસ્યા હોવાથી લોકો પાસે ખાવા અનાજ નથી, પીવા પાણી નથી, માથે છત નથી ત્યારે તંત્ર પાસે લોકો મદદની આશ લગાવીને બેઠા છે.
આ તરફ અમદાવાદમાં ત્રણ દિવસમાં ખાબકેલા 10 ઈંચ વરસાદને પગલે ઠેર ઠેર ખાડારાજ પ્રવર્તી રહ્યુ છે. શહેરમાં તંત્રની કબુલાત મુજબ 19 હજારથી વધુ સ્થળોએ ખાડા પડ્યા છે. શહેરમાં હાલ વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. શહેરમાં પૂર્વ ઝોનમાં રોડ બેસી જવા ખાડા પડવા અને ભુવા પડવાની 5297 ઘટના સામે આવી છે, જ્યારે દક્ષિણ ઝોનમાં 4388 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3150, એકલા ઉત્તર ઝોનમાં 2228 સહિત કૂલ 19 હજારથી વધુ સ્થળોએ ખાડા પડ્યા છે. રોડ ખવાઈ ગયા છે અને અનેક સ્થળોએ રોડ બેસી જતા ભૂવા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે. પૂર્વ ઝોનમાં 6, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5, ઉત્તર ઝઓનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 સ્થળોએ પાણીનો નિકાલ થયો નથી. શહેરના 147 સ્થળે પાણી ભરાયેલા હતા જે પૈકી હજુ 19 સ્થળોએ વરસાદ રહી ગયા બાદ પણ પાણીના નિકાલની કામગીરી થઈ નથી.
Published On - 12:19 pm, Fri, 30 August 24