Breaking News : ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ, સી.આર. પાટીલના સંકેતોથી ચર્ચા, જુઓ Video
ગુજરાતની રાજનીતિમાં મોટા બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપ્યા છે કે જલ્દી સંગઠન અને સરકાર, બન્નેમાં વિસ્તરણ થઈ શકે છે.

ગુજરાતની રાજનીતિમાં મોટા બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપ્યા છે કે જલ્દી સંગઠન અને સરકાર, બન્નેમાં વિસ્તરણ થઈ શકે છે. કમલમ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન પાટીલે જણાવ્યું કે, “હજુ આપણે જલ્દી બે વખત મળીશું”, જે આગામી ફેરફારોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ પર ફેરફાર અંગે પણ ઈશારો કર્યો હોવાનું માનવામાં આવે છે. સાથે જ મંત્રીમંડળમાં ફેરફાર અંગેના સંકેતો પણ તેમની વાણીમાં જોવા મળ્યા છે. પાટીલે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ગણેશજીને પ્રાર્થના કરવા અંગે પણ વાત કરી હતી.
રાજકીય વર્તુળોમાં હવે સવાલ એ છે કે ભાજપમાં નવાજૂની ક્યારે અને કેવી રીતે થશે, અને કયા નવા ચહેરાઓ સંગઠન અને સરકારમાં સ્થાન પામશે.
છેલ્લા એક સપ્તાહથી ખાનગી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્ર યાદવે મોડી રાત્રે ગુજરાતની મુલાકાત લીધી હતી અને મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક મંત્રીમંડળના વિસ્તરણને લઈને યોજાઈ હતી, જેમાં સંગઠનના પદાધિકારીઓ પણ હાજર હતા.
રવિવારે દિલ્હીમાં પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ બેઠકોની વચ્ચે આજે યોજાયેલી બેઠકમાં સી.આર. પાટીલએ હળવા અંદાજમાં જણાવ્યું કે, “હજુ આપણે નજીકના ભવિષ્યમાં બે વખત મળીશું”, જેનાથી સંગઠન અને સરકાર બંનેમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે એક બેઠક નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે અને બીજી મંત્રીમંડળના વિસ્તરણ માટે બોલાવવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે અને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ રાજકીય ચર્ચાઓ માટે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે.
સીઆર પાટીલના સંકેતો મુજબ, ઓગસ્ટના અંત સુધી અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકાર અને સંગઠન બંનેમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. ભાજપમાં ધરમૂળથી નવાજૂનીની તૈયારી ચાલી રહી હોવાના એંધાણ હવે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.