રાજ્યમાં વધુ એક બેદરકારીને કારણે બે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં પણ લિફ્ટ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સાઇ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તુટવાનો બનાવ બન્યો છે. જેમા બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
લિફ્ટમાં માલસામાન લઈ જતા સમયે અચાાનક લિફ્ટ તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કોલ્ડ સ્ટોરેજમાં 6 માળ હોવાથી માલસામાન લઈ જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કોલ્ડ સ્ટોરેજના માલિક શહેર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગડિયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગડિયા કોલ્ડ સ્ટોરેજમાં ભાગીદાર હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ દુર્ઘટના બેદરકારીને કારણે સર્જાઈ કે કેમ તે સામે આવશે.
આ પણ વાંચો Gujarati Video: ભાવનગરના મોરચુપણા ગામમાં અનુસૂચિત જાતિના લોકોને અલગ ભોજન અપાતા વિવાદ વકર્યો
હાલ તો તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને મૃતકોના મૃતદેહોનો પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. બે લોકોનો ભોગ લેનાર આ લિફ્ટ ક્યા કારણોસર તૂટી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. શું લિફ્ટનું મેઈન્ટેનન્સ ક્યારેય કરવામાં આવતુ હતુ કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. તો મોટો સવાલ એ પણ છે કે જો સમયાંતરે લિફ્ટનું મેઈન્ટેનન્સ કરવામાં આવતુ હોય તે આ રીતે અચાનક લિફ્ટ કેવી રીતે તૂટી પડી? લિફ્ટ નબળી પડી હતી તે આજ સુધી કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યુ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.
Published On - 4:49 pm, Fri, 17 February 23