ભરૂચ બેઠક પર ઈન્ડી એલાયન્સ અને ભાજપ વચ્ચે જામશે રસાકરીભર્યો જંગ, શું M ફેક્ટર બદલશે હાર-જીતના સમીકરણ- જુઓ Video
દક્ષિણ ગુજરાતની આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી વાળી ભરૂચ બેઠક પર હાલ આરપારની લડાઇ જામી છે. એક તરફ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર ચૈતર વસાવા છે. બીજી તરફ ભાજપે પોતાના 6 વખતના સાંસદ મનસુખ વસાવાને જ ઉતાર્યા છે મેદાને. ભરૂચના રાજકીય સમીકરણ, જે 2024ના ચૂંટણી ચક્રવ્યૂહમાં જીત-હારની ગેરંટી સાબિત થશે.
ભરૂચમાં આદિવાસી મતદારો જેની પડખે હોય તે પાર્ટી જ ચૂંટણી જીતે. પરંતુ ભરૂચમાં M ફેક્ટર પણ જીત-હારના સમીકરણ બદલી શકે છે. એટલે મુસ્લિમ મતોની વસ્તી પણ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઇ શકે છે. ભરૂચ લોકસભા બેઠક પર 5.50 લાખ આદિવાસી મતદારો બાદ બીજા ક્રમે લઘુમતી મતદાર આવે છે. જેમની સંખ્યા 3 લાખ આસપાસ છે. આ મતદારો કોંગ્રેસની કમિટેડ મતબેન્ક કહેવાય છે. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ AAP ચૂંટણી લડી રહી છે. એટલે EVMમાં પંજાનું નિશાન નહીં હોય. ત્યારે કોંગ્રેસની આ વોટબેંક કેવી રીતે AAPને મત આપશે તે એક સવાલ છે. અને અધુરામાં પુરુ અહીંથી AIMIMએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એટલે મુસ્લિમ મતદારોમાં ભાગલા પડી શકે છે.
હવે સવાલએ છે કે જો મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટી તરફી મતદાન નહીં કરે. તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું ખુબ જ મુશ્કેલી થઇ જશે. સાથે કોંગ્રેસમાં હજૂ પણ નારાજગી જોવા મળી રહી છે. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને આ ગઠબંધનથી વાંધો છે. ભરૂચમાં જ્યારે રાહુલ ગાંધીની યાત્રા આવી. ત્યારે પણ આ નેતાઓ જોવા મળ્યા ન હતા. એટલે કોંગ્રેસ જમીન પર આમ આદમી પાર્ટીની કેટલી મદદ કરશે તે સૌથી મોટો સવાલ છે.
ચૈતર વસાવા માટે હાલ ભરૂચમાં અનેક પડકાર છે. મુસ્લિમ મતોમાં ભંગાણ, કોંગ્રેસના નેતાઓની નારાજગી અને હવે આમ આદમી પાર્ટીના આદિવાસી વોટ બેંકમાં પણ પડી શકે છે ગાબડા. ભરૂચમાં ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને પોતાની પાર્ટીમાં લઇ લીધા છે. એટલે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડશે. એટલું જ નહીં. પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઉભા કરવાની જાહેરાત કરી દીધી છે. એટલે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખુબ જ રોમાંચક બની ગયો છે. ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ચૂંટણીમાં જીત મેળવવા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને પોતાની તરફી કર્યા છે. ત્યારે ભાજપને વિશ્વાસ છે કે અહીં ઇન્ડિયા ગઠબંધન કોઇ કમાલ નહીં કરી શકે.
ચૂંટણીની જાહેરાત પહેલા જ સતત બદલાતા સમીકરણ અને જોડતોડની રાજનીતિ ભરૂચ લોકસભા ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આવી સ્થિતિમાં ચૂંટણીના જાણકારો માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આદમી પાર્ટીથી દૂર રહેશે. ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું ખુબ જ મુશ્કેલી બની જશે.
આદિવાસી અને મુસ્લિમ મતો જ ભરૂચમાં જીત અને હારના સમીકરણ નક્કી કરશે. ભરૂચ જિલ્લાની ડેડિયાપાડાની બેઠકને છોડી તમામ બેઠક ભાજપ પાસે છે. આવી સ્થિતિમાં ભરૂચ ખુબ જ મોટી રસાકસી ઉભી થઇ ગઇ છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાવનગરમાં ક્ષત્રિય સમાજમાં ઉઠ્યા નારાજગીના સૂર, પ્રતિનિધિત્વ આપવા ઉઠી માગ- વીડિયો