અંબાજીમાં ઝડપથી તૈયાર થશે અદ્યતન રેલવે સ્ટેશન, 100 રુમનું પેસેન્જર નિવાસ નિર્માણ કરાશે
અંબાજીને હવે રેલવે લાઈન સાથે જોડવામાં આવનાર છે અને આ માટેની હવે કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરવા માટે ભક્તોએ પહોંચવા માટે બ્રોડગેજ રેલવે લાઈનનો સીધો લાભ મળી રહેશે. અંબાજીમાં આ માટે અદ્યતન સુવિધાઓ સાથે સુંદર રેલવે સ્ટેશન 100 રુમ પેસેન્જર નિવાસ સાથે તૈયાર કરવામાં આવનાર છે.
અંબાજીમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટતી હોય છે. પૂનમ ઉપરાંત ભાદરવી મેળા સહિત તહેવારો અને રજાઓના દિવસોમાં સ્થાનિક અને અન્ય રાજ્યથી ભક્તોની ભીડ ઉમટતી હોય છે. હવે દૂર દૂરથી આવતા ભક્તોને આવવા માટે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. ભક્તો માટે બ્રોડગેજ રેલવે લાઈનનુ કામ શરુ કરવાનુ જાહેર કર્યા બાદ હવે રેલવેના અધિકારીઓ દ્વારા અંબાજીની મુલાકાતો શરુ થઈ ગઈ છે.
પ્રસિદ્ધ શક્તિપીઠને દેશના અન્ય રાજ્યોની સાથે સીધી ટ્રેનથી જોડવામાં આવનાર છે. આ માટે હજુ સત્તાવાર રીતે ટ્રેન અંગે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ જે રીતે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યા છે, એ અન્ય મોટા શહેરો અને રાજ્ય સાથે સાંકળતો રેલ ટ્રેક હોવાને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યુ છે.
રેલવેના અધિકારીઓએ લીધી મુલાકાત
ભારતીય રેલવેના અધિકારીઓ અંબાજીની મુલાકાત લીધી હતી. અંબાજીને રેલવે લાઈનથી જોડવા માટે ઝડપી પ્રોજેક્ટનુ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. રેલવેના અધિકારીઓ કેન્દ્ર સરકારની સૂચનાઓ મુજબ હવે અંબાજીની મુલાકાત લઈ કાર્ય ઝડપથી હાથ ધરાય એ માટે પ્રયાસ હાથ ધરવા માટે કાર્યવાહી શરુ કરી છે. અંબાજીમાં વિશાળ અને અદ્યતન રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવનાર છે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે અંબાજી આ માટે બેઠક યોજવામાં આવી હતી. અંબાજીના જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં પેસેન્જર આવાસ સાથે રેલવે સ્ટેશન નિર્માણ થનાર છે એ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. રેલવેના પ્રોજેક્ટ એન્જિનિયર સહિતના અધિકારીઓ દ્વારા આ અંગેની મુલાકાત લઈને કાર્યને ઝડપથી શરુ કરવા માટે બેઠક યોજી સૂચનાઓ આપવામાં આવી હતી.
100 રુમનુ પેસેન્જર નિવાસ તૈયાર કરાશે
સામાન્ય દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની મોટી ભીડ ઉમટતી હોય છે. ભાદરવી પૂર્ણિમાના મેળા સહિત, પૂનમ અને તહેવારોએ પણ મોટી ભીડ ઉમટતી હોય છે. આમ ભક્તોના ધસારાને ધ્યાને રાખીને 100 રુમનુ વિશાળ યાત્રી ભવન તૈયાર કરવામાં આવનાર છે. જે તમામ સુવિધાઓથી સજ્જ હશે. જ્યાં શ્રદ્ધાળુ મુસાફરો રોકાણ કરી શકશે.
શક્તિપીઠ થીમ રેલવે સ્ટેશન
મહેસાણા, સાબરાકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી પહોંચનારી નવી બ્રોડગેજ રેલવે લાઈન પર અલગ અલગ 15 રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવનાર છે. જેમાં અંબાજી અને તારંગાના રેલવે સ્ટેશન મુખ્ય આકર્ષણ ધરાવશે. આ માટે ખાસ ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
યાત્રાધામ અંબાજીનું રેલવે સ્ટેશન સુંદર ડિઝાઈન કરવામાં આવ્યુ છે. આવી જ રીતે તારંગાનુ રેલવે સ્ટેશન પણ તૈયાર કરવામાં આવનાર છે. અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠ થીમ આધારીત તૈયાર કરવામાં આવ્યુ છે. તારંગા રેલવે સ્ટેશન જૈન વાસ્તુકળા થીમ વડે તૈયાર કરવામાં આવનાર છે.