મેશ્વો ડેમમાં પાણી ભરપૂર છતાં નદી સૂકી ભઠ્ઠ ભાસી રહી છે! ખેડૂતોએ પટમાં બેસી રામધૂન કરી
મેશ્વો જળાશયમાં હાલ ઉનાળાના પ્રારંભે હાલ ડેમની સપાટી 210.61 મીટર છે અને ડેમમાં કુલ પાણીનો જથ્થો 30.088 MCM છે. ઉપલબ્ધ જથ્થામાં જીવન જરૂરિયાત જથ્થો 26.925 MCM છે.
અરવલ્લી જિલ્લામાં ગત ચોમાસુ એકંદરે સારુ નિવડ્યુ હતુ.વિસ્તારના મોટાભાગના જળાશયોમાં સારા પ્રમાણમાં પાણીની આવકો નોંધાઈ હતી. મેશ્વો અને માઝમ જળાશય છલકાઈ જવા પામ્યા હતા. આમ છતાં ઉનાળાની શરુઆતે જ પાણીની સમસ્યા વિસ્તારમાં સર્જાઈ છે. જેને લઈ ભિલોડા તાલુકાના શામળાજી આસપાસના ગામડાઓના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ છે.જેને લઈ તંત્રને કાને રજૂઆત સંભળાય એ માટે રામધૂન મેશ્વો નદીના પટમાં ખેડૂતોએ યોજી હતી.
શામળાજી નજીક આવેલ મેશ્વો જળાશય ગત ચોમાસા દરમિયાન છલાકાઈ ગયો હતો. આ જળાશયમાંથી સિંચાઈનુ પાણી મળવાની આશાઓ બંધાઈ હતી અને વિસ્તારમાં ખેતીમાં રવિ સિઝન માટે સિંચાઈનુ પાણી મળી રહેવાની રાહત લાગી રહી હતી. સાથે જ પશુ પંખી અને ઢોર ઢાંખરને રાહતની આશા પણ મેશ્વો ડેમ છલકાઈ જવાને લઈ થઈ હતી. પરંતુ ઉનાળાની શરુઆતે જ મેશ્વો નદી સુકી ભઠ્ઠ ભાસી રહી છે.
નદીમાં પાણી છોડવા રામધૂન કરી
વિસ્તારના ખેડૂતોએ નદીમાં પાણી છોડવાની માંગ કરી છે. શામળાજી વિસ્તારના ખેડૂતોએ આ માટે માંગણી કરી છે. શામળાજી, ગડાદર, બહેચરપુરા, શામળપુર, ખારી, મેરાવાડા, ભવાનપુર, રૂદરડી, સુનોખ સહિતના 15 થી વધુ મેશ્વો નદી કાંઠાના ગામોમાં ઉનાળાના પ્રારંભે કુવા બોરમાં પાણીના જળસ્તર ઊંડે જતા પશુપાલન માટે પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. જેને લઈ વિસ્તારના ગામડાઓના ખેડૂતોએ નદીમાં પાણી છોડવા માટે માંગ કરી છે.
ભવાનપુર વિસ્તારના ખેડૂતોએ મેશ્વો નદીના સૂકા ભઠ્ઠ પટમાં બેસીને રામધૂન કરી હતી અને નદીમાં પાણી છોડવા માટે માંગ કરી હતી. જેથી ખેડૂતોને અને ઢોર ઢાંખરને રાહત રહે.મેશ્વો જળાશય ગત ચોમાસા દરમિયાન 214.59 મીટરે ઓવર ફ્લો પણ થયો હતો.
મેશ્વો જળાશયની સ્થિતી
ઉનાળાના પ્રારંભે હાલ મેશ્વો ડેમની સપાટી 210.61 મીટર છે અને ડેમમાં કુલ પાણીનો જથ્થો 30.088 એમસીએમ છે. ઉપલબ્ધ જથ્થામાં જીવન જરૂરિયાત જથ્થો 26.925 એમસીએમ છે. જે રિઝર્વ રાખવાને લઈ પૂરતા પ્રમાણમાં છે. આમ સિંચાઈ માટેના વધારાના પાણીના જથ્થાને મર્યાદીત અંશે નદીમાં છોડવામાં આવે એવી માંગ કરી છે.
મેશ્વો નદી શામળાજીથી આગળ વધીને મોડાસા થઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં થઈને અમદાવાદ અને ખેડા જિલ્લામાં પસાર થઈ વાત્રક નદીમાં ભળી જાય છે. ત્યારબાદ વાત્રક નદી સાબરમતી નદીમાં ભળતી હોય છે. ભિલોડાના 17 ગામો અને મોડાસાના 12 ગામો મેશ્વો નદી કાંઠા વિસ્તારમાં આવેલા છે.