આણંદ કૃષિ યુનિવર્સિટી (Anand Krishi University) નો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) એ આણંદ કૃષિ યુનિવર્સિટીના 18મા પદવીદાન પ્રસંગે ગાંધીનગર (Gandhinagar) ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇ જણાવ્યું હતું કે, આઝાદી સમયે દેશની ખાદ્યાન્નની જરૂરિયાતો પૂરી કરવા હરિત ક્રાંતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતના કૃષિ વૈજ્ઞાનિનકોએ હરિત ક્રાંતિ દ્વારા ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આજે સ્થિતિ જુદી છે. રાસાયણિક ખાતરોના અને ઝેરી કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે.
રાસાયણિક કૃષિમાં ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ખાદ્યાન્નમાં ઝેર ભળવાને કારણે માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે, લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુકિત મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે.
કૃષિ ઉત્પાદનની સાથે ગુણવત્તાની ચિંતા કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે, કૃષિ લાયક ભૂમિ એટલી પ્રદૂષિત થઇ ગઇ છે કે, ખેતીમાં અળસિયાં જેવા મિત્ર જીવો અને અન્ય સૂક્ષ્મજીવો નષ્ટ થઇ રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગના કારણે ખેતરમાં જીવોની વૃધ્ધિ થાય છે અને સરવાળે જમીનના ઓર્ગેનિક કાર્બનની માત્રમાં વધારો થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવો હોવાનું અને ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર હોવાનું પણ રાજયપાલશ્રીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સીટીના કુલપતિ પ્રાધ્યાપક ડૉ. બીમલ પટેલે દીક્ષાંત પ્રવચન કરતાં પોતે બી. એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં તેમણે કરેલા અભ્યાસના સમયને યાદ કરી વિશ્વના તમામ રાષ્ટ્રો અથવા પ્રદેશો માટે ખોરાક સહિત અનેક પાયાની જરૂરિયાતો પૂરી પાડતું કૃષિ-શિક્ષણ હંમેશા અર્થતંત્રનું મુખ્ય ક્ષેત્ર રહયું છે તેમ જણાવી ભારતમાં કૃષિક્ષેત્રે ઐતિહાસિક રીતે નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું.
આજે કૃષિની કલા એ બહુવિધ વૈજ્ઞાનિક ઇનપુટ્સ, સિદ્ધાંતો અને વ્યવસ્થાપન સાથે પાક ઉગાડવા માટેના ‘વિજ્ઞાન’માં પરિવર્તિત થઈ છે જેના પરિણામે આપણે હરિયાળી ક્રાંતિ મેળવી હોવાનું ઉમેર્યુ હતું.
તેમણે આપણી લોકશાહી સામેના તમામ પડકારો હોવા છતાં દરેક ભારતીયની ક્ષમતાને સાકાર કરવાની સાથે જેમ લોકશાહી મજબૂત બની છે, તેમ આપણું કૃષિ ક્ષેત્ર પણ, તેની સામેના અનેક પડકારો વચ્ચે તેનો વિકાસ દર જાળવી રાખીને ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે તેમ જણાવી કૃષિ શિક્ષણ, કૃષિ વ્યવસાય, એગ્રીકલ્ચર એન્ટરપ્રિન્યોરશીપ, કૃષિ દ્વારા મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય સુરક્ષા અને કૃષિ, નાણાંકિય સુરક્ષા અને કૃષિ, કુદરતી ખેતી તેમજ ભાવિ પડકારો વિશે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતુ.
આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્યાપક ડૉ. બિમલ પટેલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના હસ્તે ૨૭ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ-૫૮ સુવર્ણચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત