રાજ્યના NFSA કાર્ડ ધારક એવા 70 લાખ પરિવારોને હવે રૂ. 50 પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવેરદાળ મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.50/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર વાર્ષિક રૂ. 120 કરોડનો વધારાનો બોજ વહન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013” (National Food Security Act-2013)હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ 1 કિલો તુવેરદાળ હવે 50 રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ ભારત સરકાર વતી નાફેડ (NAFED)દ્વારા રાજય સરકારને તુવેરદાળનો (Toor dal)જથ્થો પુરો પાડવામાં આવે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો.
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.30/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે. ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.50/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું રૂ.50/- પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે.
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ૫વા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબદ્ધ છે. રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.11/-કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. 120/- કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય