અમદાવાદમાં ઠેર ઠેર પડ્યા ભ્રષ્ટાચારના ભૂવા, ઈન્દિરા સર્કલથી કોતરપુર જતા રોડ પર વધુ એક ભૂવો પડતા એક તરફનો રોડ કરાયો બંધ- Video
અમદાવાદમાં ચોમાસા બાદ કોઈ રસ્તો એવો નથી બચ્યો જ્યાં ભૂવા ન પડ્યા. શહેરના તમામ વિસ્તારોમાંકોઈને કોઈ માર્ગ પર ભૂવા પડ્યા છે. રોડના કામમાં થયેલી નબળી કામગીરીને કારણે શહેરના તમામ રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે. અમદાવાદ શહેર હવે ભૂવા નગરી બની રહ્યુ છે.
અમદાવાદમાં મણિનગરથી જશોદાનગર વચ્ચે બે ભૂવા પડ્યા છે. આ ભૂવાનું હજુ પુરાણ નથી થયુ ત્યા ઈન્દિરા સર્કલથી કોતરપુર જવાના માર્ગ પર વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે. કોતરપુર રોડ પર મહાકાય ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરાયો છે. જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. નોકરી- ધંધાએ જતા લોકોને લાંબો ટ્રાફિક જામ વિંધીને જવાની ફરજ પડી રહી છે. એકતરફ સ્માર્ટ સિટી અમદાવાદમાં પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન છે તેમા આ ભૂવાઓ વધારો કરી રહ્યા છે.
કોર્પોરેશનનો અંદાજ ખોટો પડ્યો, આઈડેન્ટીફાય નહોંતા થયા એ સ્થળોએ પણ હાલ ભૂવા પડ્યા
કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા અનેક એવા સ્થળોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા જ્યા ભૂવા પડવાની શક્યતા જણાઈ રહી હતી. જોકે અહીં કોર્પોરેશનના અધિકારીઓ પણ વામણા સાબિત થયા છે કારણ કે જે સ્થળોએ અંદાજો પણ લગાવાયો ન હતો કે આ રસ્તા પર ભૂવા પડવાની શક્યતા છે એ રસ્તાઓ પર પણ હાલ વિશાળકાય ભૂવા પડ્યા છે. એસી ઓફિસોમાં બેસી શહેરના માર્ગોને આઈડેન્ટીફાય કરતા અધિકારીઓને જનતાની સમસ્યા કે પીડાની કંઈ જ પડી નથી અને આડેધડ પ્રિમોન્સુન કામગીરીના પ્લાન પાસ કરી દે છે અને કોઈ જ આયોજન વિના રોડના ટેન્ડર બહાર પાડી દે છે અને હજારો વૃક્ષોનો નિકંદન કાઢી નાખે છે. આ અણઘડ વહીવટના પાપે જ ઠેકઠેકાણે પાણી ભરાય છે. રોડ ખાડાગ્રસ્ત બને છે અને આખેઆખા રોડ બેસી જાય છે.
આ કોર્પોરેશનના અધિકારીઓ અમદાવાદને ભૂવા નગરી બનાવીને જ છોડશે કે શુ ?
કોર્પોરેશનની આડેધડ અને ભ્રષ્ટ કામગીરીને કારણે શહેરમાં અત્યાર સુધીમાં 40થી વધુ ભૂવા પડી ચુક્યા છે. જે પૈકી અનેક રસ્તાઓ પર આ ભૂવા યથાવત છે તેનુ પૂરાણ પણ સમયસર થઈ નથી રહ્યુ. હજુ શહેરમાં એક ખાડાનું પૂરાણ થતુ નથી ત્યાં રોજેરોજ સંખ્યાબંધ ભૂવાઓ પડવાનો સિલસિલો જારી છે. હેરિટેજ સિટી અમદાવાદ હવે ભૂવા નગરી બની રહી છે અને નાગરિકો પારવારા હાલાકી વેઠી રહ્યા છે. હાલ શહેરના રસ્તાઓ પરથી પસાર થવુ એ અભિમન્યુની જેમ ચક્રવ્યુહ ભેદીને જવા સમાન બની રહ્યુ છે. એકતરફ લાંબો ટ્રાફિકજામ, રસ્તા પર ઠેકઠેકાણે ખાડા અને ભૂવાને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે.
શહેરમાં 40થી વધુ સ્થળોએ ભૂવા પડ્યા
એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં… જરા બચકે… જરા હટકે યે હે ભૂવાનગરી મેરી જાન…
કંઈક આવી જ મનો:સ્થિતિ આજકાલ દરેક અમદાવાદીઓની છે. કારણ કે …. સ્માર્ટ સિટીના દાવા કરતુ કોર્પોરેશન શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનું નિરાકરણ નથી શોધી શક્તુ. દર વર્ષે ચોમાસુ જાય અને મોટા ભાગના રોડ પર ભૂવા પડવા લાગે છે. આખેઆખો રોડ જમીનમાં ઉતરી જાય એ જ દર્શાવે છે કે રોડની બનાવટમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે. આડેધડ રીતે કરાયેલા બાંધકામ અને કામગીરીને કારણે પૂલથી લઈને પ્રતિમાઓ સુધ્ધા ધબ્બાય નમ: કરીને ધરાશાયી થઈ જાય છે અને નેતાઓ નફ્ફટ બનીને જનતાની માફી માગવા આવી જાય છે. મારા, તમારા, આપણા સહુના ટેક્સના પૈસામાંથી વહીવટીતંત્રમાં બેસેલા અધિકારીઓ એકેએક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યા કરે છે અને તેના દુષ્પરિણામો બીચારી જનતા સહન કરતી રહે છે.