Happy Birthday Ahmedabad : વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદના જન્મ દિવસે જાણો શહેરની સ્થાપનાથી લઇને અત્યાર સુધીની સફર
"હેપ્પી બર્થ ડે અમદાવાદ" અમદાવાદ શહેરનો 26 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદશાહ દ્વારા ૨૬મી ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાકાળથી જ અમદાવાદ ગુજરાતનું મહત્ત્વનું શહેર બની રહ્યું છે. અગાઉ માત્ર કોટ વિસ્તારમાં સમેટાયેલું અમદાવાદ આજે તો મહાકાય શહેર બની ગયું છે. બ્રિટિશકાળમાં ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતા બનેલા અમદાવાદે કાપડ ઉદ્યોગની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ કર્યો છે
“હેપ્પી બર્થ ડે અમદાવાદ” અમદાવાદ શહેરનો 26 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. ગુજરાત સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદશાહ દ્વારા 26 મી ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાકાળથી જ અમદાવાદ ગુજરાતનું મહત્ત્વનું શહેર બની રહ્યું છે. અગાઉ માત્ર કોટ વિસ્તારમાં સમેટાયેલું અમદાવાદ આજે તો મહાકાય શહેર બની ગયું છે. બ્રિટિશકાળમાં ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતા બનેલા અમદાવાદે કાપડ ઉદ્યોગની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ કર્યો છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ શહેરની ભુમિકા મહત્ત્વની રહી. દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી અને આજે પણ તેમના દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ વિશ્વભરમાં અહિંસા અને શાંતિનું પ્રતિક બની રહ્યો છે.
63 વર્ષના મરાઠા શાસનકાળમાં અમદાવાદ ખેદાન મેદાન થઇ ગયું હતું
26 મી ફેબ્રુઆરી 1411 ના રોજ અહમદશાહ બાદશાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો. સુલતાન અહમદશાહ 1410 માં ગાદી પર બેઠા હતા અને 32 વર્ષ અમદાવાદ પર રાજ કર્યા પછી 1433 માં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ ઘણા સુલતાનો આવ્યાં અને 1759 માં મરાઠાઓએ અમદાવાદ પર કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ જનરલ ગોડાર્ડની આગેવાનીમાં બ્રિટિશરોએ અમદાવાદ પર ચઢાઇ કરી જીતી લીધું હતું અને ફત્તેસિંહ ગાયકવાડને તેનું શાસન સોંપવામાં આવ્યું હતું. 63 વર્ષના મરાઠા શાસનકાળમાં અમદાવાદ ખેદાન મેદાન થઇ ગયું હતું અને ગર્વ લઇ શકાય તેવી કોઇ કામગીરી થઇ ન હતી.
1817 માં ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લેતાં મરાઠા શાસનનો અંત
1817 માં ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લેતાં મરાઠા શાસનનો અંત આવી ગયો હતો. બ્રિટિશ શાસનમાં ધીમે ધીમે અમદાવાદ વિકસવા લાગ્યું હતું. મરાઠા શાસકોના ત્રાસના કારણે અન્યત્ર ચાલ્યા ગયેલા લોકો પણ પાછા આવીને અમદાવાદમાં વસવા લાગ્યા હતા. રોજગાર અને ધંધાનો વિકાસ થવા લાગ્યો હતો. મહાત્મા ગાંધીના સ્વદેશાગમન બાદ રાજકીય પ્રવૃત્તિઓ વેગવંતી બની હતી. તો વેપાર ઉદ્યોગ પણ સોળે કળાએ ખીલ્યા હતા. કાપડની મિલોથી અમદાવાદ ધમધમતું હતું અને તેના કારણે સંલગ્ન વેપાર ધંધાનો પણ ઝડપથી વિકાસ થયો હતો. ૧૯૧૫માં ગાંધીજીએ કોચરબ નજીક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી ત્યારપછી રાજકીય આંદોલનો ઉગ્ર બન્યાં હતાં.
ઐતિહાસિક ઇમારતો સાથે અમદાવાદના બુલંદ ઇતિહાસની સાક્ષી
1920 માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. 1924 માં સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ સુધરાઇના પ્રમુખ બન્યા હતા. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો અને 1950 માં અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો. બસ ત્યારપછી અમદાવાદે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે એક મહાકાય નગર બની ગયું છે. સીમાડાના પ્રદેશો ગણાતા વિસ્તારો આજે અમદાવાદ શહેરના હાર્દસમાન વિસ્તારો બની ગયાં છે. આઝાદી પહેલાં અને પછીનો મહત્ત્વનો કોટ વિસ્તાર આજે પણ મહત્ત્વની ઐતિહાસિક ઇમારતો સાથે અમદાવાદના બુલંદ ઇતિહાસની સાક્ષી પુરે છે. નદીપારનું આધુનિક અમદાવાદ શહેર કોઇપણ શહેરને ટક્કર આપી શકે તે રીતે વિકાસ પામ્યું છે. એકસમયે ગર્દાબાદ તરીકે બદનામ અમદાવાદ શહેર આજે ભારતના સૌથી મોટા શહેરોમાં સ્થાન ધરાવે છે.
2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું
જયારે વર્ષ 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું. અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં અંકિત થયેલું ભારતનું પ્રથમ શહેર છે. વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ 10 જેટલા માનદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ-સન્માન મેળવ્યું છે.અમદાવાદ મહાનગરને વિશ્વ વિરાસત શહેર તરીકે મળેલી આ સ્વીકૃતિ-માન્યતા દેશમાં અર્બન હેરિટેજ કન્ઝર્વેશન મૂવમેન્ટને પ્રોત્સાહિત કરશે.
અમદાવાદ ‘લિવેબલ અને લવેબલ’ બેય બની ગયું
સન ૧૪૧૧માં અહેમદશાહે જ્યારે આ શહેર વસાવ્યું ત્યારે જે સ્થાપત્યો, કલાકારીગરી સાથેની ઇમારતો, પોળો, હિન્દુ, જૈન-ઇસ્લામીક સ્થાનકો હતાં તેની વિશ્વ પ્રતિષ્ઠા હવે આ હેરિટેજ સિટીથી સ્વીકૃત બની છે. એક સમયે પૂર્વનું માંન્ચેસ્ટર કાપડ ઊદ્યોગ માટે ગણાતું અમદાવાદ ગાંધી આશ્રમ, સાબરમતી નદી અને સ્વતંત્રતા સંગ્રામમાં અનેરા પ્રદાનથી મશહૂર થયું એ જ શહેર આજે વિશ્વ વિરાસત નગરમાં સ્થાન મેળવીને એક નવો ઇતિહાસ રચી રહ્યું છે.
અમદાવાદ પૂરાતન સંસ્કૃતિ સાથે અર્વાચીન-આધુનિક ઓપનો સમન્વય સાધીને ‘લિવેબલ અને લવેબલ’ બેય બની ગયું છે. હવે વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ સાથે ઇતિહાસમાં અભિરૂચિ ધરાવનારા સૌના આકર્ષણનું વ્યાપક કેન્દ્ર બન્યું છે.