અમદાવાદ સિવિલના ઈતિહાસમાં એક દર્દીનું ઓપરેશન ડોક્ટરોને પરસેવો પડાવી ગયું, એક્સરેથી લઈ એેનેસ્થેસિયા સુધી એ 5 કલાકની વાત સાંભળો ડોક્ટરોનાં મોઢે
210 કિલો વજન ધરાવતા બોટાદના ચેતનભાઈ બેરિયાટ્રિક સર્જરી (Bariatric Surgery) બાદ હવે સામાન્ય જીવન જીવી શકશે. સિવિલના ડોક્ટરોની ટીમ દ્વારા 10 લાખ થી 20 લાખના ખર્ચે થતા ઓપરેશનને 20 થી 30 હજારના ખર્ચમાં સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
વિવિધ સર્જરીઓ માટે જાણીતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે 210 કિલો વજન ધરાવતા બોટાદના ચેતનભાઈ બેરિયાટ્રિક સર્જરી (Bariatric surgery) બાદ હવે સામાન્ય જીવન જીવી શકશે. અતિ સ્થૂળકાય શરીરને લીધે તેઓ પરેશાન હતા. જોકે સિવિલના ડોક્ટરોની ટીમ દ્વારા 10 લાખથી 20 લાખના ખર્ચે થતા ઓપરેશનને 20 થી 30 હજારના ખર્ચમાં સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ 2017થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. તેમાં પ્રથમ વાર 210 કિલો વજન ધરાવાત વ્યક્તિની સફળ બેરિયાટ્રીક સર્જરી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની સફળ સર્જરી કરવાનો આ પ્રથમ કિસ્સો નોંધાયો હતો.
પોટલા જેવા શરીરની પારાવાર પીડા
બોટાદ (Botad) જિલ્લામાં રહેતા ચેતનભાઈ મારી તમારી જેમ સામાન્ય માણસ છે, પરંતુ તેઓ સામાન્ય જીવન નહોતા જીવી શકતા, ચેતનભાઈ સ્થૂળકાય શરીરને લીધે રોજિંદી ક્રિયાઓ કરવા માટે અસમર્થ થઈ ગયા હતા અને તેમને પારાવર પીડાનો સામનો કરવો પડતો હતો . ના રહેવાય ના સહેવાય તેવી આ પીડાનું કારણ શું હતું? કારણ હતું ચેતનભાઈનું અતિ અદોદળું શરીર. જેનેટિકલ ખામીના કારણે શરીર પર સતત ચઢી રહેલા ચરબીના થરે ચેતનભાઈનું જીવન નરક બનાવી દીધું હતું.
ચેતનભાઈ ઘરમાં હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ તેમના માટે બહાર જવાનું થાય ત્યાકે તો ચેતનભાઈ ભાઈ માટે અતિ કફોડી સ્થિતિ સર્જાતી હતી, કારણ કે તેઓ જો રિક્ષામાં બેસવા જાય તો રિક્ષા ડ્રાઇવર તેમને ધડ થઈને નનૈયો સંભાળાવી દેતા હતા, ને ક્યાંક મહેમાન તરીકે જવાનું હોય તો ચેતનભાઇને પોતાની ઘરેથી તેમની ખાસ ખુરશી લઇને જવું પડતું. તેઓ આટલી જહેમત શા માટે લેતા હતા? કારણ કે યજમાનના ઘરે જાય તો યજમાનની ઘરે ખુરશી કે બેસવાની પાટ તૂટી ન જાય તો?
ભારે શરીરના કારણે સર્જાતી હતી શરમજનક અને હાસ્યાસ્પદ પરિસ્થિતિ
ક્યારેક શરમજનક તો ક્યારેક હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાતા ચેતનભાઈ વજનના લીધે અંત્યત પરેશાન થઈ ગયા હતા, વજનથી છૂટકારો મેળવવા વિલિયમ શેક્સપિયરના પાત્ર હેમલેટની જેમ શું કરવું અને શું ના કરવુંની મથામણમાં ગૂંચવાયા કરતા હતા. સામાન્ય રીતે અત્યારે મોટાભાગના લોકો વધુ વજનની સમસ્યાથી પીડાય છે પરંતુ જ્યારે શરીર આટલા મોટા પ્રમામાં ચરબીના થર જામેલા હોય તેવી સ્થિતિમાં ચેતનભાઈ માટે આશાનું કિરણ બની સિવિલ હોસ્પિટલ.
સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના બેરિયાટ્રીક વિભાગ દ્વારા તેમની સફળ સર્જરી થઈ અને તેનભાઈ આશરે 100 કિલોના વજન ઘટાડા સાથે ફરીથી ચેતનવંતા બનીને કામ કરવા તૈયાર છે. એક અઠવાડિયાની પોસ્ટ ઓપરેટિવ કેર પછી હવે ચેતનભાઇ ડિસ્ચાર્જ માટે તૈયાર છે. આ જટિલ સર્જરી બાદ હવે ચેતનભાઈ જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રોજિંદી જીવનચર્યા તેઓ ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેઓએ ખરા હૃદયથી તેમનું ઓપરેશન કરનારી ટીમનો આભાર માન્યો હતો.
ડોક્ટરો સામે પણ આવી પડકારજનક પરિસ્થિતિ, 5 કલાક રહ્યા ‘ભારે’ખમ
ચેતનભાઈને તો વજન ઘટાડવાનું ઓપરેશન કરાવવા વિકલ્પ મળી ગયો હતો, પરંતુ હવે પડકારજનક પરિસ્થિતિ ડોક્ટરની (Doctor’s team) ટીમ માટે ઉભી થઈ હતી. ચેતનભાઈની સર્જરી કરવી ડોક્ટરની ટીમ માટે પણ મોટું લક્ષ્ય હતું કારણ કે આટલા અધધ વજન ધરાવતા વ્યક્તિની સર્જરી અહીં પ્રથમ વાર થઈ રહી હતી. આવી પરિસ્થિતિમાં ડોક્ટરની ટીમે પણ ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પહેલા તો ડોક્ટર માટે સમસ્યા આવી કે આટલું વજન માપવાનો વજનકાંટો કયાંથી લાવવો?ને જો સ્ટ્રેચર તૂટી જાય તો શું કરવું ? આવા તોઅનેક પ્રશ્નો ડોક્ટર માટે પણ મોઢું ફાડીને ઉભા હતા.
જોકે સિવિલ હોસ્પિટલના સર્જન અતિવિષમ સર્જરીઓ કરી ચૂક્યા છે એટલે ડોક્ટરની ટીમે આ કામ પણ તેમણે સુપેરે પાર પાડ્યું અને 10 લાખ થી 20 લાખમાં પ્રાઇવેટમાં થતા ઓપરેશનને માત્ર 20 થી 30 હજારના નજીવા ખર્ચમાં સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી તેમજ સર્જરી વિભાગના વડા ડો. આર.આર. પટેલના વડપણ હેઠળ, સર્જરી વિભાગના ડો. પ્રશાંત મહેતા, ડો. રાકેશ મકવાણા, ડો. વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા ઓબેસિટી બેરિયાટ્રિક(મીની ગેસ્ટ્રિક બાયપાસ) સફળ સર્જરી કરવામાં આવી.
ઓપરેશન ટેબલ તૂટી ન જાય! મહાકાય કાયાનું ઓપરેશન કરતા સામે આવ્યા આ પડકારો
- ચેતનભાઇનું વજન કરી શકાય એવો વજનકાંટો સિવિલ હોસ્પિટલમાં ન હતો
- ચેતનભાઈને ઓપરેશન થિયેટરમાં આગલા દિવસે બે કલાક સુધી ઓપરેશન ટેબલ ઉપર સૂવાડી રાખવામાં આવ્યા જેથી ચેક થઈ શકે કે ઓપરેશન થિયેટરનું ટેબલ આટલા વજનથી તૂટી ન જાય
- એક્સરે બે ભાગમાં પાડવા પડતા કારણ કે એક્સરે પ્લેટ નાની પડતી
- એનેસ્થેસિયા આપ્યા બાદ 10 વ્યક્તિઓ દ્વારા ઊંચકીને ચેતનભાઇને ટેબલ ઉપર ખસેડવામાં આવ્યા
- આટલું બધું વજન ધરાવતા દર્દીનું ઓપરેશન કરવાના સાધનો ઉપલબ્ધ નહોતા જેને સિવલ હોસ્પિટલ દ્વારા બહારથી મંગાવવાની ફરજ પડી હતી.
બેરિયાટ્રીક સર્જરીની જરૂરિયાત આ સંજોગામાં પડે છે
સામાન્ય રીતે જેનો જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BM I) 35 કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપર ટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર, અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.
સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક ડિસ્ચાર્જ મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે. ચેતનભાઈ જેવા વધુ સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે પણ ડોક્ટર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે.
અતિસ્થૂળકાય શરીરવાળા દર્દી માટે સાધનોથી માંડીને સ્ટાફ પણ વધુ જોઈએ
- વધુ વજનને લીધે દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની મુશ્કેલીઓ ઓપરેશન પહેલા એનેસ્થેસિયા આપવા માટે અને ઓપરેશન દરમિયાન દર્દીને સુવડાવવા માટે વજન સહી શકે તેવા બેડની જરૂરિયાત હોય છે.
- લેપ્રોસ્કોપી માટે અલાયદા સાધનોની આવશ્યકતા, વધારે લંબાઈ વાળા શરીરમાં ચરબીના થરને ભેદી શકે તે પ્રમાણેના લેપ્રોસ્કોપી સાધનોની જરૂરિયાત રહે છે.
- દર્દીના એકસ- રે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે.
- વધારે વજન ધરાવતા દર્દીઓમાં ૧૦-૧૨ ઇંચ લંબાઈનું ચરબીનું થર તેમજ પેટની દિવાલનું વજન 30-40 કિલો જેટલું હોવાથી સર્જરી અતિશય કઠિન બની રહે છે.
- સામાન્ય સર્જરી દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું પ્રેશર 10-12 જેટલું જરૂરી હોય, જ્યારે આવી સર્જરી માટે 20 થી 25 જેટલું પ્રેશર જરૂરી બને છે.
- દર્દીના હાથ પગનું વજન ઘણું વધારે હોવાથી ઓપરેશન દરમિયાન હાથપગના હલનચલન કરાવવામાં પડતી તકલીફો વધુ હોય છે.
- ઓપરેશન બાદ દર્દીને શિફ્ટિંગ કરવામાં, IV ફ્લુઇડ આપવામાં, કસરતો કરાવવામાં પડતી મુશ્કેલીઓસામાન્ય ઓપરેશન કરતા બમણા સ્ટાફની જરૂર પડે છે.
- ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દેખરેખ અને કસરત માટે જરૂરિયાત દર્દી માટે અલગથી સ્ટ્રેચર, ટ્રોલી વગેરેની વ્યવસ્થા કરવી પડે છે.
- ઓપરેશન દરમિયાન દર્દીની શારીરિક ગતિવિધિઓનું સતત બરિકાઇપૂર્વક નિરીક્ષણ કરતા રહેવું પડે છે.
ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી દર્દીને થતાં ફાયદાઓ
- સતત વજનમાં થઈ રહેલા વધારાથી મુક્તિ મળે છે.
- હાર્ટ એટેક અને હાયપટેન્શન જેવી જીવલેણ બીમારીઓની શક્યતાઓ નહિવત્ થઈ જાય.
- હલનચલન અને રોજિંદી ક્રિયાઓ કરવામાં સરળતા રહે.
- સાંધાનો ઘસારો ઘટી જાય, જેથી દર્દીને ઉઠવા બેસવામાં અને અન્ય ક્રિયાઓમાં સુલભતા રહે. જીવનું જોખમ ટળે.