GCRIખાતે 75 કરોડના અદ્યતન મશીનોથી કેન્સરનું સચોટ નિદાન અને સારવાર થશે, જાણો આ મશીનો વિશે
Gujarat Cancer and Research Institute : કેન્સરની સારવારને આધુનિક બનાવવાના હેતુથી સરકાર દ્વારા શક્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલા માટે નવી GCRI બિલ્ડિંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે.
AHMEDABAD : આજરોજ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે દ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી GCRI કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક તકનીકોથી સજ્જ રેડીયોથેરાપી મશીનોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં ખુલ્લા મુક્યા હતા. આ મશીનોમાં ટ્યૂબિમ, ટોમોથેરાપી, સાઇબર નાઇફ, બ્રેકીથેરાપી અને સીટી સીમ્યુલેટર મશીનોનો સમાવેશ થાય છે.
GCRIમાં આ મશીનો અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોમાંથી સરકારી ખર્ચે લાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં રાજ્યભરમાંથી કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજ્ય સરકારે જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરામાં પણ કેન્સરની સારવારની વ્યવસ્થા કરી છે. કેન્સરની સારવારને આધુનિક બનાવવાના હેતુથી સરકાર દ્વારા શક્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલા માટે નવી GCRI બિલ્ડિંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સારવારની સુવિધામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.
75 કરોડના ખર્ચે લવાયા આધુનિક મશીનો અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 75 કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનોનું આજે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું છે, જેમાં આ મશીનોનો સમાવેશ થાય છે –
1)16.30 કરોડના ખર્ચે ટ્યૂબિમ મશીનનો ઉપયોગ મોં અને ગળાના કેન્સર ઉપરાંત ગર્ભાશય, સ્તન, પ્રોસ્ટેટ, મગજ અને ફેફસાના કેન્સર કેન્સરની સારવારમાં રેડિયોથેરાપીથી સારવાર કરવામાં આવશે. આનાથી શરીરના અન્ય ભાગોમાં રેડિયોથેરાપીની આડઅસર થવાની શક્યતા ઓછી થશે.
2)22 કરોડના ખર્ચે લાવવામાં આવેલ ટોમો થેરાપી મશીનથી શરીરના કેન્સરગ્રસ્ત ભાગોને એક સાથે રેડિયોથેરાપી ડોઝ આપી શકાશે.
3) 27.56 કરોડના ખર્ચે લાવવામાં આવેલ સાયબર નાઈફ મશીન કેન્સરની સારવાર માટે સૌથી આધુનિક માનવામાં આવે છે. આ રોબોટ સંચાલિત મશીનથી મગજના કેન્સર અને શરીરના અન્ય ભાગોમાં કેન્સરની નાની ગાંઠની પણ કોઇ આડઅસર વિના સારવાર કરી શકાય છે.
4) સાડા ત્રણ કરોડના ખર્ચે લાવવામાં આવેલ બ્રેકીથેરાપી મશીન કેન્સર પીડિત મહિલાઓ માટે મહત્વનું સાબિત થશે. આ મશીનથી ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર, અન્નનળીના કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપી કરી શકાશે.
5) પાંચ કરોડના ખર્ચે લાવવામાં આવેલ સીટી સિમ્યુલેશન મશીનથી રેડિયોથેરાપીની સારવાર પહેલા કોમ્પ્યુટરાઇઝ્ડ સારવારનું આયોજન તૈયાર કરશે. આ મશીન સીટી સ્કેન તરીકે કામ કરશે.