Ahmedabad : ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન (Online) સુવિધાઓ ગામમાં મળી રહે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરવાના હેતુથી રાજ્યમાં “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં 14 હજારથી વધુ ઇ-ગ્રામ સેન્ટરમાં 16 હજારથી વધુ વી.સી.ઇ કાર્યરત છે. તો રાજ્યમાં 1000 જેટલા અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર બનાવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં 465 વી.સી.ઈ. હાલમાં 468 જેટલી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવે છે. અમદાવાદ જિલ્લામાં કુલ 36 અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ઈ-ગ્રામ પોર્ટલ પર B2C સેવાઓ અંતર્ગત વર્ષ 2022-23માં રૂ.1.78 કરોડના ડિજીટલ વ્યવહાર થયા છે. ઇ-ગ્રામ સેન્ટર થકી તાલુકા મથકે ગયા વિના ગામમાં જ સરકારી સેવાઓ લોકોને આપવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ ગ્રામીણ યુવાનોને રોજગારીની મળી રહે તે હેતુથી આ યોજનાનું સેન્ટર PPP ધોરણે સ્થાપવામાં આવે છે તેમજ અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓની સંખ્યા મુજબ VCEને પ્રોત્સાહક રકમ અપાય છે. આ સેન્ટર સ્થાપવા માટે જે તે ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવે છે. ઇ-ગ્રામ સેન્ટર થકી નાગરિકો અને સરકાર વચ્ચેની સેવાઓ પુરી પાડવામાં આવે છે.
સરકાર દ્વારા તમામ વિભાગો અને નિગમો સાથે સંકલન કરીને ઇ-ગ્રામ સેન્ટરો ખાતે તમામ સુવિધાઓ પુરી પાડવા અને યોજનાના અમલીકરણ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રેશનકાર્ડને લગતી સુવિધાઓ, ભાડૂઆતની નોંધણી અંગેની સુવિધા, પોલીસ ચકાસણી પ્રમાણપત્ર, હકપત્ર ગામ નમુના નં.6 અને ગામ નમુના નં. 7, 8 મેળવવા માટેની અરજી સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં 17.45 લાખ લાભાર્થીઓમાંથી 17.44 લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. ઇ-શ્રમ કાર્ડને લઇને રાજ્યભરમાં અમદાવાદ જિલ્લા દ્વારા સૌથી શ્રેષ્ઠ કામગીરી કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં ઈ-શ્રમ યોજનાની વાત કરીએ તો તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 10.53 લાખ ઈ-શ્રમ કાર્ડ અપાયા છે.