AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના આ પોલીસ કર્મીએ ઝાડ્યો વર્દીનો રોફ, મહિલાને જાહેરમાં લાફા ઝીંકી ખાખી વર્દીને લજવી…- જુઓ Video

અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીએ મહિલાને જાહેરમાં લાફા ઝીંક્યા. લાઈસન્સ બતાવવા બાબતે રકઝક થતા પોલીસકર્મીએ જાહેરમાં જ મહિલાને ચાર-પાંચ લાફા જીંકી દીધા. આ સાથે મહિલાને તું, તારી કરીને તુમાખીપૂર્ણ વ્યવહાર કર્યો. આ મામલે પોલીસકર્મી સામે હાલ ફરિયાદ નોંધાવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2025 | 2:18 PM
Share

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે એ પોલીસકર્મીઓ જ જો દાદાગીરી પર ઉતરી આવે, વર્દીના રોફમાં પોતાની જાતને કંઈક ઔર જ સમજવા લાગે તો શું? તો આવા પોલીસકર્મીને કાયદાનું ભાન કોણ કરાવશે? આ સવાલ કરવાનું કારણ એ છે કે અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ટ્રાફિક નિયમન દરમિયાન એક પોલીસકર્મીએ મહિલાને જાહેરમાં લાફા જીંકી ગેરવર્તણુક કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લાફા મારનાર પોલીસકર્મીનું નામ જયંતીભાઈ ઝાલા હોવાનું અને તે N ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વાસણામાં રહેતા મહિલા શુક્રવારે સાંજે 6:30 કલાકે પાલડી ચાર રસ્તા પાસે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું. મહિલાએ લાયસન્સ આપ્યું હતું. જો કે મહિલાનો દાવો છે કે તેણે પોલીસકર્મીને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતાં જ તે ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે મહિલાએ સામે કહ્યું કે “પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો ? તમારું આઈડી બતાવો.”

આ દરમિયાન પોલીસકર્મીએ તેનુ આઈડી કાર્ડ મહિલાને બતાવ્યુ અને આઈડી કાર્ડ પરત કરતી વખતે ભૂલથી નીચે પડી ગયુ. બસ આટલામાં તો પોલીસકર્મીનો પારો સાતમા આસમાને ચડી ગયો અને મહિલાને સરાજાહેર ચાર થી પાંચ લાફા જીંકી દીધા. આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો છે.

પાલડી પોલીસ મથકે મહિલાની ફરિયાદ લેવામાં ન આવી અને મામલો પતાવવા દબાણ કરાયુ

એક પોલીસકર્મીના આવા વર્તનથી ડઘાયેલી અને ગભરાઈ ગયેલ મહિલાએ મદદ માટે 112 નંબર પર કોલ કર્યો હતો. જે બાદ તે ફરિયાદ માટે પાલડી પોલીસ મથકે ગયા હતા. મહિલાનો આક્ષેપ છે કે વીડિયોમાં સાબિતી છતાં PSIએ તેમને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. જે બાદ તેમણે મહિલા PIને રજૂઆત કરી હતી. પરંતુ, તેમણે પણ ક્રોસ ફરિયાદ થશેનું કહીને બહાર મોકલી દીધાં. જે બાદ તેમણે રાત્રે 11.50 કલાકે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી.

આ સમગ્ર ઘટના પર tv9 ગુજરાતીએ સંજ્ઞાન લઈ પોલીસકર્મીની ગેરવર્તણુકને ઉજાગર કરી. પોલીસકર્મીનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ tv9 એ ટ્રાફિક વિભાગના DCP ભાવના પટેલ ને પણ પોલીસકર્મીની ગેરવર્તણુક અંગે સવાલ કર્યા હતા. જેમાં DCP એ જણાવ્યુ કે પોલીસકર્મી સામે ખાતાકીય પગલા લેવામાં આવશે. જો કે સૌથી વધુ આંચકાજનક બાબત તો એ છે કે આટલી મોટી ગેરવર્તણુક છતા અન્ય પોલીસકર્મી દ્વારા મહિલાને મામલો પતાવવા માટે દબાણ કરવામાં આવ્યુ. પોલીસકર્મી સામે FIR પણ ન લેવામાં આવી. ત્યારે પોતાનો જ સ્ટાફનો વ્યક્તિ શિસ્તનો ભંગ કરે તો તેની સામેના નિયમો અલગ કેમ થઈ જાય છે. જો આ પોલીસકર્મીના બદલે કોઈ સામાન્ય નાગરિકે આ પ્રકારની ગેરશિસ્તભર્યુ વર્તન કર્યુ હોત તો ત્યારે પણ પોલીસકર્મી મામલો પતાવવાની સલાહ આપત ખરા?

આ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું

  • શું પોલીસની વર્દી એ કોઈપણ વ્યક્તિ સાથે દાદાગીરી કરવાનું કે તુમાખી સાથે વર્તવાનું લાયસન્સ છે?
  • આખરે આ પોલીસકર્મીના મગજમાં આટલી રાય શેની ભરાયેલી છે?
  • શું પોલીસકર્મીને જાહેરમાં મહિલાઓ સાથે કેમ વર્તવુ એ શીખવવામાં નથી આવેલુ?
  • જેમ રીઢા ગુનેગારની સાથે વર્તે તેમ દરેક આમ નાગરિક સાથે ન વર્તવાનું હોય તેવી સાદી સમજ આ પોલીસકર્મીને કેમ નથી?
  • શું તમે પોલીસકર્મી છો તો આમ આદમી સાથે મનફાવે તે રીતે વર્તશો?
  • આખરે તમને આવો દાદાગીરી કરવાનો પરવાનો કોણે આપ્યો?
  • પોલીસની વર્દીએ દાદાગીરી કરવાનું લાયસન્સ નથી જ… એવી સમજ કેમ આ પોલીસકર્મીને નથી?
  • પોલીસકર્મી ગુનો કરે તો તાબડતોબ ફરિયાદ કેમ લેવામાં આવતી નથી?
  • પોલીસકર્મી ગુનો કરે તો અન્ય પોલીસકર્મી દ્વારા તેને દબાવવાનો પ્રયાસ કેમ કરાયો?
  • કોઈ ચમરબંધીને છોડવામાં નથી આવતા તો આ પોલીસકર્મી સામે શું કાર્યવાહી થશે?
  • ખાખીને કલંકિત કરનાર આ પોલીસકર્મીને શું દાખલારૂપ સજા થશે?

અહીં સૌથી મોટો સવાલ એ પણ છે કે આ નજીવી બાબતે ગુસ્સામાં લાલઘુમ થઈ ગયેલ પોલીસ કર્મીને તેના અન્ય સહકર્મીએ રોક્યો ન હોત તો તે ખબર નહીં શું કરત. હાલ ગૃહવિભાગે પણ આ બાબતે સંજ્ઞાન લઈ પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Input Credit- Harin Matravadia- Ahmedabad

બંગાળની ખાડીથી ભારતને ઉક્સાવવાનુ મોહમ્મદ યુનુસનું ષડયંત્ર… બાંગ્લાદેશનો ‘એન્ટી ઈન્ડિયા’ પ્લાનનો પર્દાફાશ- લઘુમતી હિંદુઓ પર સતત વધી રહ્યા છે હુમલા

g clip-path="url(#clip0_868_265)">