અમદાવાદની (Ahmedabad) સિવિલ મૅડિસિટીમાં તબીબોએ (Doctors) એક મહિલાને મોતના મુખમાંથી બચાવી છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના (Gujarat Cancer Research Institute) હેડ એન્ડ નેક ઓન્કોલોજી વિભાગના તબીબોએ 9 કલાકની ભારે જહેમત બાદ રાજકોટના શાકભાજી વેચતા ગરીબ મહિલા દર્દી સોનલબહેનની ગળા પરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. સુપ્રા મેજર ઓપરેશન બાદ હાલ આ મહિલાનું સ્વાસ્થ્ય સ્થિર છે.
રાજકોટમાં શાકભાજી વેચતી મહિલા સોનલબહેનના ગળામાં ગાંઠ હોવાથી સારવાર માટે અમદાવાદની સિવિલ મૅડિસિટીમાં તબીબોનું માર્ગદર્શન મેળવ્યુ હતુ. તબીબોએ સોનલબહેનનો કેસ જોતા તેમના ગળાની ડાબી બાજુએ અંદાજે 2.5 કિલોની ગાંઠ હોવાનું જાણ્યુ હતુ. આ ગાંઠ દૂર કરીએ તો રિકન્સ્ટ્રક્શન માટે આટલી ચામડી લાવવી કઈ રીતે તે પણ એક પ્રશ્ન હતો. આ કેસમાં દર્દીનું ટ્યૂમર ધમની અને શીરાને ચોંટેલુ હતુ અને જો ઓપરેશન દરમિયાન રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જોખમ રહેલું હતું. આમ, આ ઓપરેશન ઘણું જોખમી હતું.
તબીબોના જણાવ્યા પ્રમાણે દર્દીના ગળાની ડાબી બાજુએ 19 X 15 X12 સેન્ટીમીટરની આશરે અઢી કિલોની આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી. વળી, ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં પણ આવી ગાંઠ વિશે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. ત્યારે આ ઓપરેશન તબીબો માટે પડકારરુપ હતુ. આ અઘરું ઓપરેશન એનેસ્થેસિયા અને પ્લાસ્ટિક સર્જરીની ટીમ સાથેના સંકલન અને સહયોગના કારણે શક્ય બન્યુ.
આ ઓપરેશન ડો. પ્રિયાંક રાઠોડ, ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વડા ડૉ. શશાંક પંડ્યા સહિત અન્ય તબીબી ટીમની મદદથી શક્ય બન્યુ. આ ઓપરેશનને તબીબી ભાષામાં સમજાવતા ડો. રાઠોડ કહે છે કે આ ગરદન પરની ગાંઠનું નિદાન Malignant Peripheral Nerve Sheath Tumor તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતુ સારકોમા( કેન્સરનો એક પ્રકાર) તરીકે ઓળખાવી શકાય.
ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી આ સુપ્રા મેજર સર્જરી 9 કલાકની હતી. તબીબી ભાષામાં 3 કલાકથી વધુ ચાલતી સર્જરીને સુપ્રા મેજર સર્જરી કહે છે. જ્યારે 3 કલાક સુધી ચાલતી સર્જરીને મેજર સર્જરી કહેવાય છે.
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. રાજકોટના શાકભાજી વેચતા સોનલબહેન રમેશભાઈ ચોવસીયાની( ઉ.35 વર્ષ) સર્જરી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. શાકભાજી વેચીને પેટિયું રળતા સોનલબહેનને ગળાની ડાબી બાજુએ ગાંઠ થઈ, ત્યારે ખાનગી હોસ્પિટલોમાં તબીબોએ સર્જરીનો ખર્ચ અંદાજે રૂ. 5 લાખ જણાવ્યો હતો. જે ગરીબ દંપતી માટે કરવો અશક્ય હતો પણ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ગરીબ મહિલાની વહારે આવી. ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વિના મૂલ્યે સર્જરી કરી માત્ર મહિલા દર્દીનું જીવન જ નથી બચાવ્યું પણ આ ગરીબ પરિવારને દેવાના ડુંગર તળે દબાતું પણ બચાવ્યું છે.