Ahmedabad : આવાસ યોજનાની સ્કીમમાં ‘ઘરનું ઘર’ અપાવવાના બહાને ઠગાઇ, 250થી વધુ વ્યક્તિઓના કરોડો લૂંટ્યા
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે 3 કરોડથી વધુનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે વિરમસિંહ નામના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. તેણે 250થી વધુ લોકોને લાલચ આપી છેતરપિંડી કરી હતી. તે મકાન ફાળવણીના બહાને રકમ પડાવતો હતો અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અત્યાર સુધી તમે અનેક ઠગબાજોના કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદ પોલીસે એક એવો માસ્ટરમાઈન્ડ પકડી પાડ્યો છે કે જેણે લોકોને આવાસ યોજનાની સ્કીમમાં મકાન અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી નાખી છે. જ્યારે લોકો આ વ્યક્તિને મળે છે ત્યારે તે પોતાની ઓળખ અલગ પ્રકારની આપે છે અને લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરે છે.
અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો મળી રહી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, ત્યારે ઝોન 1 એલસીબી ની ટીમ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનાર વિરમસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બી.એ પાસ અને જીપીએસસીની તૈયારી કરતા આ વ્યક્તિએ 250 થી વધુ લોકોને ચૂનો લગાવી ત્રણ કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી.
પોલીસે વિરમસિંહની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન તેમજ દુકાન અપાવી દેવાની લાલચ આપતો હતો અને લોકો પાસેથી મકાનના રજીસ્ટ્રેશન પેટે 30000 અને દુકાનના રજીસ્ટ્રેશન પેટે 50,000 તેમજ દસ્તાવેજ સમયે 1.40 લાખ થી 1.60 લાખ જેટલી રકમ લેતો હતો. અત્યાર સુધીમાં તેણે 250 થી વધુ વ્યક્તિઓ પાસેથી ત્રણ કરોડથી વધુની રકમ મેળવી લીધી છે. હાલ તો પોલીસે વિરમસિંહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
શું હતી આરોપીમી મોડેસ ઓપરેન્ડી ?
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે આરોપી વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ઉર્ફે સાહેબ બોપલ વિસ્તારમાં રહે છે અને તેણે બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે, તેમજ સરકારી નોકરી મેળવવા તે જીપીએસસીની પણ તૈયારી કરી રહ્યો છે. આરોપી વિરમસિંહ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું લોકોને જણાવતો હતો અને સાયન્સ સીટી રોડ ઉપર આવેલા ઔડાના પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન કે દુકાન અપાવવાનું જણાવી રજીસ્ટ્રેશન પેટે અમુક રકમ મેળવી લેતો હતો, ત્યારબાદ ડ્રો લિસ્ટમાં નામ આવ્યા બાદ દસ્તાવેજ પેટે 1.40 લાખ થી 1.60 લાખ રૂપિયા મેળવતો હતો.
આરોપી વિરમસિંહ દ્વારા વર્ષ 2022 થી આજ સુધી 250 થી વધુ વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવ્યો છે અને લોકો પાસેથી ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ ફ્રોડ કરી છે. આરોપી વિરમસિંહ મકાન ફાળવણી થયા પછી લોનમાં સબસીડી મળી રહે તેમજ મકાનના ડ્રો લિસ્ટમાં નામ આવે તે માટે મોટાભાગે સ્ત્રીઓના નામે જ ફોર્મ ભરતો હતો. આ ઉપરાંત દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન ગરવી ગુજરાત પોર્ટલ ઉપર ટાઈમિંગ સ્લોટ જોઈને ખાલી સ્લોટના ફોટો પાડી ગ્રાહકોને મોકલી આપતો હતો અને ખાલી તારીખના દસ્તાવેજ કરવા માટે સોલા ખાતે આવેલી સબ રજીસ્ટરની કચેરીના પહેલા માળ ઉપર વેઇટિંગ હોલ ખાતે લોકોને બેસાડતો હતો. વેઇટિંગ હોલ ખાતે ખોટા કાગળોમાં સહી કરાવી તે પોતાના પાસે જ રાખી લેતો હતો. બીજી તરફ લોકો પાસેથી રૂપિયા મેળવવા તે ગ્રાહકોને અલગ અલગ જગ્યા પર અને પોતાની ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી શિવધારા જ્યોત નામની ઓફિસ પર બોલાવી ઓનલાઇન કે ચેક મારફતે રૂપિયા મેળવતો હતો.
છેતરપિંડી કરેલી રકમ કયા વાપરી ?
પોલીસ દ્વારા આરોપી વિરમસિંહની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે તેણે ઓનલાઈન આવાસ યોજનાના મકાન કેવી રીતે ફાળવણી થાય છે તેની માહિતી youtube થી તેમજ AMCની વેબસાઈટ પરથી મેળવી હતી. આરોપી વિરમસિંહ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ લોકો પાસેથી છેતરપિંડી કરી મેળવી છે, જે રકમ તેણે ગોતા બ્રિજ પાસે આવેલા ફૂડ કોર્ટ ભાડેથી મેળવી હતી. તેમાં 60 લાખ જેટલું નુકસાન થતા ધંધો બંધ કર્યો હતો. જે બાદ તેણે સરકારમાંથી ગૃહ ઉદ્યોગના કોન્ટ્રાકટ લેવા માટે શિવધારા નામથી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. જેમાં પણ 30 લાખથી વધુ રકમનું નુકસાન થતાં તે ધંધો બંધ કર્યો હતો.
સાથે જ ઓનલાઇન શેર માર્કેટમાં છેલ્લા બે વર્ષમાં ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં 50 લાખથી વધુની રકમ હારી ચૂક્યો હતો. આરોપી વિરમસિંહ વિરુદ્ધ વસ્ત્રાપુરમાં હેર સલુન સંચાલક મહિલાએ 18 લાખથી વધુની ફ્રોડ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે, સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બ્યુટી એડવાઈઝર ચલાવતી મહિલાએ 25 લાખ રૂપિયાના ફ્રોડની ફરિયાદ નોંધાવી છે અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં હેર સલૂન સંચાલક દ્વારા 20 લાખથી વધુનું ફ્રોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
હાલ તો પોલીસે આરોપી વિરમસિંહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આવાસ યોજના સ્કીમમાં લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને વિરમસિંહ દ્વારા ફ્રોડ ડોક્યુમેન્ટ ક્યાંથી બનાવવામાં આવ્યા છે સહિતના મુદ્દાઓ પર પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.