Ahmedabad : નારણપુરા પોલીસને મળી મોટી સફળતા, ડિજિટલ અરેસ્ટની ગેંગમાં સંડોવાયેલા 12 આરોપીને ઝડપી લીધા
અમદાવાદના નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી એક યુવતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બની હતી. ગઠિયાઓએ યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી તેની પાસેથી 4.92 લાખ રૂપિયા પડાવી લીધા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી.
ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ અરેસ્ટના હાહાકાર અને ફફડાટ વચ્ચે અમદાવાદની નારણપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ડિજિટલ અરેસ્ટની ગેંગમાં સંડોવાયેલા 12 આરોપીઓની કરી ધરપકડ છે. આરોપીઓએ ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિત વિવિધ રાજ્યોમાં ડિજિટલ અરેસ્ટની જાળ ફેલાવેલી છે.
અમદાવાદના નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી એક યુવતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બની હતી. ગઠિયાઓએ યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી તેની પાસેથી 4.92 લાખ રૂપિયા પડાવી લીધા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી. જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.
ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓને સકંજામાં લઇ લીધા. પોલીસે આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબૂક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર ઘટના જોઇએ તો પીડિતાને સૌપ્રથમ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેણે થાઇલેન્ડ મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું હોવાનું જણાવી યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી. જે બાદ વિવિધ તપાસ એજન્સીઓના નકલી ડોક્યુમેન્ટ બતાવી તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા RBIમાં જમા કરાવવા કહ્યું. ગઠિયાઓએ વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહી યુવતીના બેંક એકાઉન્ટમાં રહેલા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા. જો કે આ બનાવમાં મહત્વની બાબત એ સામે આવી છે કે રૂપિયા પડાવી લીધા બાદ ગઠિયાઓએ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવી તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ પણ કરી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવે છે. તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી, તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવે છે, જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાય છે.
મહત્વનું છે કે ડિજિટલ અરેસ્ટની વધતી ઘટનાઓ મુદ્દે ખુદ પીએમ નરેન્દ્ર મોદી પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને તેમણે લોકોને સાવધ રહેવાની અપીલ પણ કરી છે. ડિજિટલ અરેસ્ટના તાર અનેક રાજ્યોમાં સંકળાયેલા હોય છે છે, ત્યારે હાલ તો પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી ગેંગના મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.