અમદાવાદના સાઉથ બોપલમાં જ્વેલર્સના શોરૂમમાંથી સોના-ચાંદીના દાગીનાની લૂંટ- જુઓ લૂંટના CCTV
સાઉથ બોપલના કનકપુરા જવેલર્સ નામના શોરુમમાં, ચાર લૂંટારાઓ ઘૂસી ગયા હતા. બંદૂકની અણીએ, ચારેય લૂંટારાઓએ કનકપુરા જવેલર્સના ડિસ્પ્લેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ અવારનવાર ચોરી, હત્યા, લૂંટ, પોલીસ સામે દાદાગીરીના બનાવ પોલીસ ચોપડે નોંધાતા આવ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના પોશ વિસ્તાર એવા સાઉથ બોપલમાં નોંધાયો છે. સાઉથ બોપલમાં જ્લેલર્સના શોરૂમમાંથી ધોળા દિવસે બંદૂકની અણીએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી છે.
આ લૂંટ અંગે પ્રાપ્ત થઈ રહેલ માહિતી અનુસાર, સાઉથ બોપલના કનકપુરા જવેલર્સ નામના શોરુમમાં, ચાર લૂંટારાઓ ઘૂસી ગયા હતા. બંદૂકની અણીએ, ચારેય લૂંટારાઓએ કનકપુરા જવેલર્સના ડિસ્પ્લેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. આ ઘટનાના સામે આવેલ CCTVના ફુટેઝમાં સાફ દેખાય છે કે, લૂંટારાઓને પોલીસ કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ શાંતિથી એક પછી એક દાગીના લઈ રહ્યાં છે. લાખ્ખોની મત્તાના દાગીનાની લૂંટ કરીને લૂંટારાઓ શિફ્તપૂર્વક ફરાર થઈ ગયા હતા.
ઘોળા દિવસે બંદૂકની અણીએ જ્વેલર્સનો શોરૂમ લૂંટાયો હોવાના સમાચાર મળતા જ પોલીસ દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક પુછપરછ કરવાની સાથે સાથે સીસીટીવી કેમેરાના વિજ્યુલ્સ અને આજુબાજુના સીસીટીવીના ફુટેઝની તપાસ હાથ ધરી છે.