મેલબોર્નમાં યશસ્વી જયસ્વાલને આઉટ જાહેર કરનાર અમ્પાયરને સિડની ટેસ્ટમાં મળી મોટી જવાબદારી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ સિડનીમાં રમાશે. 3 જાન્યુઆરીથી શરૂ થનારી આ મેચમાં બાંગ્લાદેશના અમ્પાયર શરાફુદ્દૌલા અમ્પાયરિંગ કરતા જોવા મળશે. આ એ જ અમ્પાયર છે જેના નિર્ણયથી ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને અંતે ટીમ ઈન્ડિયા મેચ પણ હારી ગઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. આ મેચ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે ભારતીય ચાહકોને પસંદ નહીં આવે. સમાચાર છે કે આ મેચમાં બાંગ્લાદેશના અમ્પાયર શરાફુદ્દૌલાને મોટી જવાબદારી મળી છે. શરાફુદ્દૌલા સિડની ટેસ્ટમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હશે. મેલબોર્ન ટેસ્ટમાં તેના એક નિર્ણયે ઘણો વિવાદ ઉભો કર્યો હતો. શરાફુદ્દૌલા મેલબોર્નમાં થર્ડ અમ્પાયર હતા અને તેમણે યશસ્વી જયસ્વાલને આઉટ આપ્યો હતો, જેના પર ઘણો વિવાદ થયો હતો.
શરાફુદ્દૌલાએ મેલબોર્નમાં શું કર્યું?
શરાફુદ્દૌલાએ મેલબોર્ન ટેસ્ટના બીજા દાવમાં યશસ્વી જયસ્વાલને કેચ આઉટ જજાહેર કર્યો હતો. પેટ કમિન્સના બોલ પર જયસ્વાલે પુલ શોટ રમ્યો, બોલ વિકેટકીપરના ગ્લોવ્સમાં ગયો. ઓસ્ટ્રેલિયાએ કેચ માટે અપીલ કરી હતી પરંતુ મેદાન પરના અમ્પાયરે આ બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ લીધો અને પછી સ્નિકોમીટરે બતાવ્યું કે બોલ જયસ્વાલના બેટ અને ગ્લોવ્સ બંનેને સ્પર્શતો નહોતો. પરંતુ તેમ છતાં શરાફુદ્દૌલાએ યશસ્વીને આઉટ કર્યો હતો. શરાફુદ્દૌલાએ આ નિર્ણય એટલા માટે આપ્યો કારણ કે તેને લાગ્યું કે જયસ્વાલના ગ્લોવ્ઝમાં અથડાયા બાદ બોલ થોડો ધીમો પડી ગયો છે.
સુનીલ ગાવસ્કર થયા ગુસ્સે
મેલબોર્ન ટેસ્ટમાં કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર થર્ડ અમ્પાયરના નિર્ણય પર ગુસ્સે થયા હતા. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે જો થર્ડ અમ્પાયર ટેક્નોલોજીની મદદથી આવા નિર્ણયો આપતા હોય તો ટેક્નોલોજીનો આશરો લેવો જોઈએ નહીં. ભારતીય પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવતા તેની વિરુદ્ધ અભિયાન પણ શરૂ કર્યું હતું.
શરાફુદ્દૌલાની અમ્પાયરિંગ કારકિર્દી
શરાફુદ્દૌલાએ અત્યાર સુધી 24 ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તે 15 વખત ઓનફિલ્ડ અમ્પાયર અને 9 મેચમાં ટીવી અમ્પાયર રહી ચૂક્યા છે. આ સિવાય તેણે 100 ODI અને 73 T20 મેચમાં પણ અમ્પાયરિંગ કર્યું છે. શરાફુદ્દૌલા બાંગ્લાદેશમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમણે 10 મેચમાં 31 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: બોલર છે કે તોફાન, T20માં 7 બેટ્સમેનને કર્યા આઉટ, બનાવ્યો મોટો રેકોર્ડ