વર્ષ 2015માં અમદાવાદના થયેલી એક મહિલાની હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે. તેમાં પણ હત્યા પાછળનું કારણ જ બદલાઇ ગયુ છે. પહેલા હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું મનાતુ હતુ, જો કે હવે હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ નહિ પણ જમીન જવાબદાર હોવાનું સામે આવ્યુ છે. પશ્ચિમ બંગાળથી પિતરાઈ ભાઈઓ હત્યા કરવા અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
મહિલાની હત્યામાં પાંચ જેટલા લોકો સામેલ હતા. જોકે હત્યા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ આજ સુધી પોલીસ પકડથી દૂર છે. જોકે હાલમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીની પૂછપરછ કરતા હત્યા પાછળની હકીકત સામે આવી છે. અગાઉ પકડાયેલા બે આરોપીઓ દ્વારા પોલીસને ખોટી કહાની બતાવી ગેરમાર્ગે દોરી હતી. પોલીસ મહિલાની હત્યા પાછળની હકીકત જાણી ચોકી ઉઠી હતી.
અમદાવાદના પૂર્વ વિસ્તાર દાણીલીમડામાં વર્ષ 2015માં એક મહિલાની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. 12મી સપ્ટેમ્બર 2015માં નસરીનબાનુ શેખ નામની મહિલાની હત્યા થઈ હતી. જોકે હત્યા બાદ પોલીસ દ્વારા હત્યામાં સામેલ પાંચમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. અન્ય ત્રણ આરોપીઓ આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરાર ત્રણ આરોપીમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સમગ્ર હત્યા પાછળની હકીકત સામે આવી હતી. જોકે આ હકીકત અગાઉ પકડાયેલા બે આરોપીએ પોલીસ સમક્ષ કહી હતી નહીં. હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી.
પોલીસે હત્યામાં સંડોવાયેલા મંજરઆલમ મણીયાર નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. વર્ષ 2015માં મહિલાની હત્યા બાદ આરોપી મંજરઆલમ દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાં બેલ્ટ વેચવાનું કામ કરી રહ્યો હતો. મંજરઆલમની પૂછપરછ કરતા હત્યા પાછળની હકીકત સામે આવી છે.
જો સમગ્ર હત્યાની ઘટનાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના પોખડિયા મસનાબીટા ગામમાં રહેતી નસરીનબાનુને તેજ ગામના અખ્તર આલમ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. જોકે નસરીનબાનુને તેમના પરિવારજનો ફોઈના દીકરા સાથે લગ્ન કરાવવા ઇચ્છતા હતા, પરંતુ નસરીનબાનું તેના પ્રેમી અખ્તર આલમ સાથે નાસી ગઈ હતી અને તેઓ દિલ્હી ખાતે થોડો સમય રહ્યા બાદ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેવા આવ્યા હતા. બંને પતિ પત્ની દાણીલીમડામાં સિલાઈ કામનો ધંધો કરતા હતા.
થોડા સમય બાદ નસરીનબાનુના અને અખરત આલમનાં ગામનો જ મંજરઆલમ નામનો વ્યક્તિ અમદાવાદ આવ્યો હતો અને અખ્તર આલમ દ્વારા તેને તેના પાડોશમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. થોડા સમય બાદ નસરીનબાનુના પિતરાઈ ભાઈઓ અમદાવાદ ખાતે નુસરતબાનુની હત્યા કરવા આવ્યા હતા અને તેઓએ મંજરઆલમનો સંપર્ક કર્યો હતો. મંજરઆલમ દ્વારા નુસરતબાનુના ચારેય પિતરાઈ ભાઈઓને નુસરત અને અખ્તર આલમનાં ઘરનું એડ્રેસ બતાવ્યું હતું. જ્યાં નુસરતબાનુના ચારેય ભાઈઓ અને મંજરઆલમ દ્વારા અખ્તરની ગેરહાજરીમાં નુસરતબાનુની હત્યા નીપજાવી હતી.
પકડાયેલા આરોપી મંજર આલમની હત્યા પાછળના કારણની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક નુસરતબાનુ તેના માતા પિતાની એકની એક સંતાન હતી અને તેમના માતા-પિતા પાસે પશ્ચિમ બંગાળના ગામમાં 20 વીઘા જેટલી જમીન હતી. જો નુસરતબાનુ જીવીત હોય તો તેના પિતાની મિલકત નુસરતબાનુને મળે, પરંતુ જો નુસરતબાનુંની હત્યા કરી નાખવામાં આવે તો આ મિલકત પિતરાઈ ભાઈઓને મળી શકે. જેથી જ નુસરતબાનુના પિતરાઈ ભાઈઓ નુસરતબાનુની હત્યા કરવા અમદાવાદ આવ્યા હતા.
જોકે જ્યારે પિતરાઈ ભાઈઓએ અમદાવાદમાં મંજરઆલમની મદદ લીધી હતી, ત્યારે મંઝરઆલમને હત્યા પાછળ નુસરતબાનું એ તેમના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે તેથી તેની હત્યા કરવી હોવાનું બહાનું બતાવ્યું હતું.
નસરીનબાનુની હત્યા કેસમાં અત્યારસુધી પોલીસે સજજાદ હુસૈન શૈખ અને સુફેદઆલમની ધરપકડ કરી છે જ્યારે મુન્ના શૈખ અને ઇસ્માઇલ શૈખ હજી ફરાર છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે નુસરતબાનુનું ઘર બતાડનાર મંજરઆલમની ધરપકડ કરી અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ કરી છે.