ફિલ્મ ‘ક્રુ’ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. થોડાં સમય પહેલા આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેણે દર્શકોની એક્સાઈટમેન્ટ અનેકગણી વધારી દીધી હતી. આ ફિલ્મમાં તબ્બુ, કરીના કપૂર અને કૃતિ સેનનની ત્રિપુટી પહેલીવાર જોવા મળશે. આ દરમિયાન આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં તબ્બુ, કરીના કપૂર અને કૃતિ સેનન સાથે દિલજીત દોસાંજની એક દમદાર ઝલક પણ જોવા મળી હતી.
ટ્રેલરની શરૂઆતમાં એક અધિકારી કહે છે, “સોના કહાં હૈ?” આ ડાયલોગ પછી જ કરિના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનની તોફાની સફર શરૂ થાય છે. કોહિનૂર નામની એક એરલાઇન કંપની છે, જેની આસપાસ પિક્ચરની સ્ટોરી ફરે છે.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક સમયે તબ્બુને ખબર પડે છે કે તે જે કંપની માટે કામ કરી રહી છે તે ખરેખર નાદાર થઈ ગઈ છે. ત્રણેયના જીવનમાં પોતપોતાના સંઘર્ષ છે. આ દરમિયાન તે એક પ્રવાસીને મળે છે જે મૃત્યુ પામે છે અને તેની પાસે સોનાના બિસ્કિટ છે. અહીંથી સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે.
જ્યાં પોતાનું સપનું પૂરું કરવા તે આ સોનું ચોરવાનું નક્કી કરે છે. કસ્ટમ ઓફિસર તરીકે દિલજીત દોસાંજની એન્ટ્રી બાદ સ્ટોરીમાં નવો વળાંક આવે છે. શું તબ્બુ, કરીના કપૂર અને કૃતિ સેનન આ ચોરીમાંથી બચી શકશે? આ તો ફિલ્મ બહાર આવ્યા બાદ જ ખબર પડશે.
‘ક્રુ’નું ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે, આ ત્રણેય થિયેટરોમાં ધૂમ મચાવશે. આ ત્રણેય આ ફિલ્મમાં એર હોસ્ટેસના રોલમાં જોવા મળશે. ટ્રેલરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ ફિલ્મમાં ત્રણેય સ્ટાર્સની જોરદાર એક્ટિંગની સાથે સ્ફોટક કોમિક ટાઈમિંગ પણ જોવા મળશે. આ ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
Published On - 8:18 am, Sun, 17 March 24