ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીની આગલી રાત્રે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર ગુલાબસિંહ ઉપર હુમલાની ઘટના મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ શિવનગર વિસ્તરામાં બની હતી. તેમજ આ હુમલો ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈએ કર્યો હોવાનો ગુલાબ સિંહે આરોપ લગાવ્યો હતો.
થરાદ: કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલોનો આક્ષેપ#GujaratElections2022 #GujaratElections #GujaratAssemblyPolls #Gujarat #TV9News pic.twitter.com/zt8nSe4pKN
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
મતદાનના દિવસે જ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. દાંતા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.પહેલા એવી વાત સામે આવી કે કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો થયો છે અને હુમલા બાદ તેઓ ગુમ થઈ ગયા છે.ત્યારબાદ ભાજપના ઉમેદવારે લાઘુ પારઘીએ પલટવાર કરતા કાંતિ ખરાડી પર હુમલાનો આરોપ લગાવ્યો. આમ બંને ઉમેદવારો એવો દાવો કરી રહ્યા છે કે તેમના પર હુમલો થયો હતો.. ત્યારબાદ તેઓ જીવ બચાવીને ભાગ્યા હતા.કાંતિ ખરાડીએ કહ્યું કે તેઓ ભાજપના ઉમેદવાર લાઘુ પારઘી તલવાર લઈને તેમના પર હુમલો કરવા દોડી આવ્યા હતા. તેની સાથે એલ.કે. બારડ અને તેના ભાઈ વદન સહિત 100 લોકોનું ટોળું હતું. ગાડી પાછળ વાળી તો ત્યાં પણ બીજી 6થી 7 ગાડીઓ હતી. જેથી તેઓ દોડીને ખેતરોમાં જતા રહ્યા હતા ત્યાંથી નદીઓ અને પહાડો પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. તો બીજીતરફ લાઘુ પારઘીનો દાવો છે કે- કાંતિ ખરાડીએ તેમના પર હુમલો કરાવ્યો છે.તેઓ દાંતા ભાજપ કાર્યાલયથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી અને તેમની ગાડી તોડી નાખી હતી,, તેવો લાઘુ પારઘીનો દાવો છે.. તેમણે કહ્યું કે- કાંતિ ખરાડીના લોકો ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા. જેથી તેઓ જીવ બચાવવા ભાગી ગયા હતા અને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.
બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.
બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.
Published On - 7:46 am, Mon, 5 December 22