Gujarat Assembly Election 2022 : બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભાની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવાઇ રહ્યા છે. થરાદ વિસ્તારમાં મતદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. થરાદના ખાનપુર ગામમાં મતદારો ઉમટયાં હતા. અને, મતદાન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે થરાદ બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને, બંને ઉમેદવારોએ પોતપોતાની જીવનો આશાવાદ સેવ્યો છે.
હાર દેખાય એટલે કોંગ્રેસ આક્ષેપ કરે છે : શંકર ચૌધરી
થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ સવારે જ મતદાન કર્યું હતું. અને, આ દરમિયાન ટીવી9 સંવાદદાતા સાથેની વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે મતદારો વિકાસની રાજનીતિ સાથે જ રહેશે. આ ઉપરાંત થરાદમાં કોંગ્રેસ ઉમેદવાર પર થયેલા હુમલા મામલે પુછાયેલા સવાલમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે ચૂંટણીમાં હાર દેખાય એટલે કોંગ્રેસ આક્ષેપોની શરૂઆત કરે છે. આવું પહેલી વખત નહી અનેકવાર બની ચુક્યું છે. આ સાથે તેમણે કોંગ્રસની કાર્યશૈલી અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપો કર્યા હતા.
થરાદ પોલીસે માત્ર ભાજપનો ખેસ જ નથી પહેર્યો : ગુલાબસિંહ રાજપૂત
થરાદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું હતું. થરાદના વજેગઢ પ્રાથમિક શાળામાં ગુલાબસિંહ રાજપુતે મતદાનનો ઉપયોગ કર્યો હતો. ગુલાબસિંહ રાજપુતે આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે થરાદ પોલીસે આ વખત ભાજપનો ખેસ નથી પહેર્યો તેટલું જ બાકી રાખ્યું છે.
કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાની ઘટના બની, શંકર ચૌધરીના ભાઇ પર આક્ષેપ કર્યો
નોંધનીય છેકે, ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીની આગલી રાત્રે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર ગુલાબસિંહ ઉપર હુમલાની ઘટના મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ શિવનગર વિસ્તરામાં બની હતી. તેમજ આ હુમલો ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈએ કર્યો હોવાનો ગુલાબ સિંહે આરોપ લગાવ્યો હતો.
Published On - 11:01 am, Mon, 5 December 22