ગુજરાતમાં જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે છે ત્યારે સરકારી શાળાઓ અને પ્રાઈવેટ સ્કૂલોની લોકો સરખામણી કરતાં હોય છે. અત્યારે કોઈ પણ વાલીઓ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં બેસાડતા સો વાર વિચાર કરે છે. પોતાના બાળકોને સારૂં શિક્ષણ મળી રહે તે હેતુથી તે સારી સ્કૂલોને શોધતા હોય છે. જેમાં પોતાના બાળકને ભણવાથી લઈને અનેક સ્કિલ સુધીની વસ્તુઓ શીખવવામાં આવતી હોય. આવી પરિસ્થિતિ વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, છેલ્લા 18 વર્ષની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી ધોરણ- 9 થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં ‘જ્ઞાન સંગમ’ પ્રોજેક્ટનો કરાવશે પ્રારંભ, કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવાશે
શિક્ષણની વાત કરીએ તો ગ્રાન્ટ, શિક્ષકોની ભરતીના બાબતે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધોરણ- 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ જોખમમાં છે એવું કહી શકાય છે કેમ કે ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2200થી વધારે જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ખંભાતી તાળા લાગી ગયા છે.
18 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જેની સંખ્યા ઘટીને હવે 7,400 થઇ ગઇ છે. જો આ જ નીતિ શરૂ જ રહેશે તો આગામી વર્ષોમાં એકલા ભાવનગરમાં જ 20થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ જવાના આરે છે.
હાલમાં મોટી સંખ્યામાં દર વર્ષે સરકારી શાળાઓ શરૂ થાય છે અને ત્યાં સ્ટાફ હોતો જ નથી પણ ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવામાં તે મહત્તવનો ભાગ ભજવે છે. કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલોને રિઝલ્ટ કે સંખ્યાનો નિયમ લાગુ પડતો જ નથી. ગ્રાન્ટેડ શાળાની સંખ્યા શહેરમાં 33 અને ગ્રામ્યમાં 24 કરતાં ઓછી સંખ્યા હોય એટલે બંધ જ થાય છે.
શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ તેની રકમ પણ સમયસર મળતી નથી. શિક્ષકોને શિક્ષણ સિવાયના અન્ય કામો પણ સોંપવામાં આવે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ધોરણ-9 અને 10ના બે વર્ગ હોય તો મહિને 6 હજાર અને વર્ષે 72 હજારની ગ્રાન્ટ ફાળવાઈ તે સામે બે વર્ગ માટે અંદાજે દોઢ લાખથી વધુનો ખર્ચ ઓછામાં ઓછો થાય છે.
ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમમાંથી ઈન્ટરનેટ ખર્ચ, પરીક્ષા ખર્ચ ,સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ વગેરેને ગણીએ તો 60 હજાર રૂપિયા સુધી પહોંચી જતો હોય છે.
શાળાઓ બંધ થવાના કેટલાંક કારણો પણ રહેલા છે. જે જાણવા જરૂરી છે. ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં જે કોઈ પણ શાળાનું રિઝલ્ટ 30 ટકાથી ઓછું આવે તો તેને ગ્રાન્ટ મળતી નથી. શાળાનું સંચાલન કરવામાં તેના ખર્ચમાં લાખો રૂપિયાનો વધારો થયો છે પણ છેલ્લા 23 વર્ષથી ગ્રાન્ટમાં વધારો થયો નથી.
પ્રાઈવેટ સ્કૂલમાં આડેધડ વર્ગ વધારા આપી દે છે. ત્યાં શિક્ષકોને સરકારી કામ કરવાનું હોતું નથી. બીજું એ પણ કારણ છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવા જેની પર સૌથી વધારે ભાર હોય છે તે શિક્ષકોની ભરતીની સત્તા સંચાલકો પાસે રહી નથી.
રાજ્યમાં જૂન 2023થી પહેલીવાર સરકારી સ્કૂલોમાં બાળવાટિકા શરૂ કરાશે. તેમના ત્રણ વર્ષ પૂરા થયા બાદ ચોથા અને પાંચમા વર્ષ માટે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત ચાલતા બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પાંચ વર્ષ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરતાં બાળકો માટે પ્રાથમિક સ્કૂલની બાળવાટિકામાં બાળકને પ્રવેશ અપાશે.
શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી કે, નવી શિક્ષણ નિતી લાગુ કરવાનો રોડ મેપ 2019માં તૈયાર થઇ ચૂક્યો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને હવે તબક્કાવાર લાગુ કરી રહ્યાં છીએ. જે મુજબ જૂન-2023થી બાળવાટિકા અમલમાં મુકવામાં આવશે. પ્રિ-પ્રાઇમરી રૂપે બાળવાટિકા અમલી બનશે. બાળકનાં 6 વર્ષ પૂરા થયા બાદ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.