કેદીઓથી ઉભરાઈ રાજ્યની જેલો ! 28 જેલમાં 100 ટકાની ક્ષમતા સામે 119 ટકા કેદી, જુઓ Video
સતત વધતી ગુનાખોરી વચ્ચે રાજ્યની જેલમાં કેદીઓનો ભરાવો થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યની વિવિધ જેલમાં કેપેસિટી કરતાં વધારે કેદીઓ પૂરાયા. કુલ 28 જેલમાં 100%ની કેપેસિટી સામે 119% કેદીઓ બંધ છે. 14 હજાર 65 કેદીઓની ક્ષમતા સામે 16 હજાર 737 કેદીઓ જેલમાં બંધ હતા. રાજ્યમાં ક્ષમતાની દ્રષ્ટીએ સૌથી વધુ 191% કેદીઓ ગોધરા જેલમાં બંધ હતા.
મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા (GSLSA) ના પેટ્રોન ઇન ચીફ, માન. ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલે જેલમાં લાંબા સમયથી કેદ રહેલા કેદીઓને વિવિધ પ્રકારની કાનૂની સેવાઓના ધોરણને સુધારવા માટે SOP તૈયાર કર્યો છે, જેને “કારાગૃહ સુધારણા” નામ આપવામાં આવ્યું છે.
આ SOPમાં ગુજરાતની જેલોમાં વધતી કેદીઓની સંખ્યા(Over Crowding), કેદીઓમાં ગુણવત્તાયુક્ત કાનૂની સહાય અંગેની અણજાણતા, કેદીઓના પરિવારજનોને સામનો કરવી પડતી સામાજિક અને આર્થિક સમસ્યાઓ, તેમજ મહિલાઓના ખાસ મુદ્દાઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે.
SOPમાં કેદીઓના માનસિક આરોગ્યમાં સુધારા લાવવાની વાત
આ SOP દ્વારા GSLSAને આ મુદ્દાઓને ઉકેલવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. SOPમાં કેદીઓના માનસિક આરોગ્યમાં સુધારા લાવવા અને તેમના સમગ્ર કલ્યાણ માટે કરવામાં આવેલ પ્રયોગોની વિગતો પણ છે. SOPમાં GSLSA દ્વારા કેદીઓના માનસિક આરોગ્યમાં સુધારા માટે ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટ્સની ઝાંખી પણ છે.
SOPને તમામ જિલ્લા કાનૂની સેવાને અનુસરણ કરવા પ્રેરણા
ન્યાયમૂર્તિ ગવાઈએ જેલ સુધારણા પ્રણાલીને સ્થાપિત કરવાના મુખ્ય ન્યાયાધીશના પ્રયાસોને બિરદાવી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા SOPને સંસ્થાગત રીતે લાગુ કરનાર પ્રથમ સંસ્થા બની છે, જે અંડરટ્રાયલ કેદીઓ અને દોષિતો માટેના મુદ્દાઓને સ્પર્શે છે. SOPને બધી જિલ્લા કાનૂની સેવા સત્તાઓને શ્રદ્ધાપૂર્વક અનુસરણ કરવા માટે પ્રેરણા આપવામાં આવી છે. આ ઉપરાંત, GSLSAની કાનૂની સેવાઓની પ્રવૃત્તિઓ અને અનોખી પહેલોને દર્શાવતી એક ન્યૂઝલેટર કમ મેગેઝિનનું વિમોચન પણ ન્યાયમૂર્તિ ગવાઈના હસ્તે કરવામાં આવ્યું.
રાજ્યની જેલોમાં કેદીઓનો ભરાવો
હાલમાં જે આંકડા સામે આવ્યા છે તેમાં આખા રાજ્યમાં ક્ષમતાની દ્રષ્ટીએ સૌથી વધુ 191% કેદીઓ ગોધરા જેલમાં બંધ છે. કેદીઓની સ્થિતિ સુધારવા ગુજરાત હાઈકોર્ટ અને સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઑથોરિટી દ્વારા રિપોર્ટ જાહેર કરાયો હતો. રિપોર્ટમાં 31 માર્ચ, 2024ની સ્થિતિ મુજબની રાજ્યની જેલોનો સમગ્ર ચિત્તાર છે.