અમદાવાદ શહેરમાંથી ઝડપાયું વધુ એક MD ડ્રગ્સનું કૌભાંડ, ડબલ મર્ડરનો આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બે માસ અગાઉ અમદાવાદથી પ્રતાપગઢ ખાતે ગયો હતો. ત્યાંથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કર્યું હતું. જેમાં બાકી રહેલ આ ડ્રગ્સનો જથ્થો તે વહેંચવા માટે નીકળ્યો હતો.
અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે (Crime branch) વધુ વધુ એકવાર શહેરમાંથી એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે એલીસબ્રીજ એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજના વાહન પાર્કીંગમાંથી 48.090 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરનાં અલગઅલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, એલીસબ્રીજ એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ દ્વારથી પૂર્વે આવેલા વાહન પાર્કીંગની જગ્યાએ એક યુવકે એમ.ડી ડ્રગ્સનો જથ્થો રાખી મુક્યો છે, જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો રાખનાર અબ્દુલવહીદ ઉર્ફે બમ્બૈયા શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ 48.090 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જેની બજાર કિંમત 4.80 લાખ થાય છે તે ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીની પુછપરછ કરતા તેણે અમદાવાદથી ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે પોતાના પરીચીત વ્યક્તિને મોબાઈલ પર સંપર્ક કરીને એમડી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાનું અને પરત અમદાવાદ આવીને વેચાણ કરવાનો હોવાનો ખુલાસો કર્યો.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બે માસ અગાઉ અમદાવાદથી પ્રતાપગઢ ખાતે ગયો હતો. ત્યાંથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કર્યું હતું. જેમાં બાકી રહેલ આ ડ્રગ્સનો જથ્થો તે વહેંચવા માટે નીકળ્યો હતો. એટલું જ નહીં વીસ એક દિવસ પહેલા પણ તે જગ્યાએથી 1 કિલોગ્રામ એમડી ડ્રગ્સની ખરીદી કરી હતી. જેના 4 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. જ્યારે બાકીના 4 લાખ રૂપિયા બીજી વખત ડ્રગ્સ લેવા જાય ત્યારે આપવાના હતા. જોકે તેમાંથી 500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો વેચ્યો હતો. બાકી 500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ચોરી થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.
તો વધુ તપાસ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. જેમાં સામે આવ્યું કે, આરોપી 1999માં કાલુપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. અને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવી 2009માં બહાર આવ્યો હતો. બાદમાં 2011માં મણીનગરમાં બીજી એક હત્યા કરી હતી. જેથી પરત સેન્ટ્રલ જેલમાં ગયો હતો અને 2014માં છુટીને બહાર આવ્યો હતો. અને બાદમાં પણ તેણે તેની ગુનાહિત પ્રવૃત્તિ યથાવત રાખી હતી.
ક્રાઈમ બ્રાન્ચે હાલ તો એમડી ડ્રગ્સ સાથે શખ્સને ઝડપી લીધો છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસમાં લાગી છે કે આ એમડી ડ્રગ્સના તાર ક્યાં ક્યાં અને કોની સાથે જોડાયેલા છે. કેમ કે ક્રાઈમ બ્રાન્ચને આશંકા છે કે આ રેકેટ મોટું છે અને તેમાં અન્ય શખ્સો પણ ઝડપાઇ શકે છે. જે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : છોટાઉદેપુર : PM આવાસ યોજનામાં ગેરરીતિ ! મોટી ઉન અને નાની ઉન ગામમાં કૌભાંડ
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રાણાવત પણ કુદી પડી, કહ્યું આવા લોકો આપણા દેશને અફઘાનિસ્તાન બનાતા રોકે છે