ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) શરૂ થતાં જ. મુકેશ અંબાણીએ કંપનીના 35 લાખ શેરધારકોને આપી મોટી ભેટ. તેમણે આગામી 5મી સપ્ટેમ્બરે તમામ શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ સાથે કંપનીના શેરના ભાવમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના શેરધારકોને બોનસ શેર આપશે. કંપની દરેક શેર પર બોનસ તરીકે 1 શેર આપશે. કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જોમાં આપવામાં આવેલી માહિતીમાં આ વાત સામે આવી છે. આ અંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક આગામી 5 સપ્ટેમ્બરના રોજ મળવાની જાહેરાત કરવામાં આવી છે.
રિલાયન્સની એજીએમ શરૂ થતાની સાથે જ કંપનીના શેર ઝડપથી વધવા લાગ્યા. તે સવારે 9.15 વાગ્યે રૂ. 3006.20 પર ખુલ્યો હતો અને બપોરે 2 વાગ્યે આરઆઇએલની એજીએમ સમયે, શેર 2.28% વધીને રૂ. 3,053 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.
રિલાયન્સે 2023-24માં રૂ. 10 લાખ કરોડની આવક ઊભી કરી હતી, તે આવું કરનારી દેશની પ્રથમ કંપની છે. રિલાયન્સે 2023-24માં ભારત સરકારની તિજોરીમાં 1.86 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. છેલ્લા 3 વર્ષમાં આ રકમ 5.5 લાખ કરોડ રૂપિયા હતી. રિલાયન્સે 2023-24માં CSR પર રૂ. 1592 કરોડ ખર્ચ્યા હતા, જે CSRમાં 25 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. છેલ્લા 3 વર્ષમાં આ રકમ રૂ. 4,000 કરોડ છે, જે દેશના કોઈપણ કોર્પોરેટ હાઉસ દ્વારા CSR પર ખર્ચવામાં આવેલી સૌથી વધુ રકમ છે.
Published On - 2:42 pm, Thu, 29 August 24