રેલવે મંત્રીએ કન્ટેનર યુનિટનું કર્યું નિરીક્ષણ, નાના સાહસિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે તૈયાર
આ નાના કન્ટેનરમાં 32 ટન જેટલો માલ રાખી શકાય છે અને તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તેને ઉપરથી અને બંને બાજુથી ખોલીને લોડ અને અનલોડ કરી શકાય છે, જેના કારણે તે નાના વેપારીઓ અને ખેડૂતો માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) રવિવારે ઉત્તર પશ્ચિમ રેલ્વેના (North Western Railway) અધિકારક્ષેત્રમાં સ્થિત કન્ટેનર એકમોનું નિરીક્ષણ કર્યું હતું અને સમાજના દરેક વર્ગ સુધી માલસામાનની શિપમેન્ટ સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શિકા પ્રદાન કરી હતી. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના (Captain Shashi Kiran) જણાવ્યા અનુસાર વૈષ્ણવે રેવાડી નજીક પાલી સ્થિત કલ્યાણી કાસ્ટ ટેક પ્રા. લિ. દ્વારા ખાસ બનાવેલા કન્ટેનરનું અવલોકન કર્યું અને તેની ઉપયોગિતા વિશે માહિતી મેળવી.
આ કન્ટેનર ખાસ કરીને નાના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને ખેડૂતોના ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે કન્ટેનરની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને ઊંડાણપૂર્વક જોઈ અને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે દરેક વર્ગને સરકારની તમામ યોજનાઓનો લાભ મળવો જોઈએ અને તેને ધ્યાનમાં રાખીને અમે કામ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીની સ્પીડ પાવર કોન્સેપ્ટે આપણને એક નવી દિશા તરફ આગળ વધાર્યા છે. જેમાં અમે રેલ્વે, રોડ અને જળમાર્ગ દ્વારા વધુને વધુ માલસામાનનું સુવ્યવસ્થિત અને ઝડપી પરિવહન કરવા પ્રતિબદ્ધ છીએ.
નાના ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતો માટે વધુ સારો વિકલ્પ બની શકે છે
તેમણે જણાવ્યું કે અહીં આવવાનો હેતુ એ છે કે નવી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા આ ખાસ પ્રકારના કન્ટેનર ખેડૂતો અને નાના ઉદ્યોગકારોને તેમના વ્યવસાયમાં લાભ અપાવવામાં ઉપયોગી સાબિત થશે. આ નાના કન્ટેનરમાં 32 ટન જેટલો માલ રાખી શકાય છે અને તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તેને ઉપરથી અને બંને બાજુથી ખોલીને લોડ અને અનલોડ કરી શકાય છે, જેના કારણે તે નાના વેપારીઓ અને ખેડૂતો માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.
અશ્વિની વૈષ્ણવે કાઠુવાસ ખાતે કન્ટેનર સાઈડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને કન્ટેનર લોડિંગની પ્રક્રિયાનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે પોતે પોતાની હાજરીમાં ક્રેન દ્વારા લિફ્ટિંગ દ્વારા ટ્રેનમાં વિવિધ પ્રકારના કન્ટેનર લોડ કરવાની પ્રક્રિયાને બારીકાઈથી નિહાળી હતી અને આ કાર્યમાં જોડાયેલા કર્મચારીઓનું મનોબળ વધાર્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી. અત્યાર સુધી ખાટુવાસ કન્ટેનર સાઈડિંગમાંથી ડબલ સ્ટેક કન્ટેનરનું વહન થઈ રહ્યું છે.
નવા આઈડિયા પર કરો કામ
આજે રેલ્વે મંત્રીની હાજરીમાં ટ્રિપલ સ્ટેક કન્ટેનર લોડ કરીને નવી શરૂઆત કરવામાં આવી. જેના પર તેમણે કહ્યું હતું કે તે વડાપ્રધાનની વિસ્તૃત વિચારસરણીનું પ્રતિબિંબ છે કે આપણે નવી ટેકનોલોજીને અપનાવીને વધુ કાર્યક્ષમતા સાથે ઓછા ખર્ચામાં વધુ સારા પરીણામો પ્રાપ્ત કરીએ. તેમજ અંતોદયની ભાવના સાથે કાર્ય કરતા સતત પ્રગતિ તરફ આગળ વધીએ.
આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે યુવા રેલવે અધિકારીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે દેશને આગળ લઈ જવા માટે આપણે નવા વિચારો પર કામ કરવું પડશે. કારણ કે દરેક વિચારનું કોઈને કોઈ મૂલ્ય હોય છે અને તે નિરર્થક નથી હોતું તેમજ દરેક પ્રશ્નનો ચોક્કસ જવાબ મળે છે. તેમણે અધિકારીઓને કહ્યું કે આવનારા નવા વર્ષમાં આપણે એવા કાર્યોનું વિશ્લેષણ કરવાનું છે, જે દેશને પ્રગતિના પંથે લઈ જાય છે અને તેના અમલીકરણ પર કામ કરવાનું છે.