ભારતમાં વેચાતા લગભગ તમામ સ્માર્ટફોનમાંથી મોટોભાગના ભારતમાં જ બનેલા હોય છે. સરકારની મેક ઈન ઈન્ડિયા અને PLI યોજનાએ, દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદ કરી છે. ભારતમાંથી Apple, iPhoneની નિકાસ પણ અનેક ગણી વધી છે. આવી સ્થિતિમાં દેશમાં જ્યારે નાણાકીય વર્ષ 2025-2026ના સામાન્ય બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સામાન્ય વર્ગના લોકો એવી અપેક્ષા રાખી રહ્યાં છે કે, જે રીતે મોદી સરકાર મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરી રહ્યાં છે તે જોતા દેશમાં બનેલા મોબાઈલ ફોન આવનારા દિવસોમાં સસ્તા થઈ શકે છે.
ભારતમાં ફોન મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓએ તાજેતરમાં નાણા મંત્રાલયને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં તેમણે ફોનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ભાગો પરની આયાત ડ્યૂટી ઘટાડવા વિનંતી કરી હતી.
ફોન ઉત્પાદકોએ ફોનમાં વપરાતા માઇક્સ, રીસીવર, સ્પીકર્સ અને ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી પરની આયાત ડ્યૂટી ઘટાડવાની માંગ કરી છે. હાલમાં આ આયાતી વસ્તુઓ પર 15 ટકા ટેક્સ છે અને ઉત્પાદકો ઈચ્છે છે કે સરકાર તેને ઘટાડીને 10 ટકા જેટલો કરે. એટલું જ નહીં, તેમણે સરકારને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB)ના ભાગોને ડ્યુટી ફ્રી બનાવવા માટે રજૂઆત કરી છે, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર હાલમાં 2.5 ટકા ટેક્સ લાગેલો છે.
અંગ્રેજીમાં પ્રકાશીત થતા આર્થિક દૈનિકના અહેવાલ અનુસાર, ફોન ઉત્પાદકોએ સરકારને ફરજિયાત પરીક્ષણ અને પ્રમાણપત્ર પર સબસિડી, કોર્પોરેટ ટેક્સ પર 15 ટકામાંથી મુક્તિ અને ઘટકો માટે અલગ ક્લસ્ટર બનાવવાની પણ માંગ કરી છે.
મોબાઈલ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારત મુખ્ય ખેલાડી બનવા તરફ કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ચીન અને વિયેતનામ જેવા દેશો તેના માટે મોટો પડકાર છે. ભારતમાં, મોબાઈલ ફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘટકો પર હજુ પણ 7 થી 7.2 ટકા જેટલો ટેક્સ વસૂલવામાં આવે છે, જે ચીન અને વિયેતનામ કરતા વધારે છે.
ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને થોડા દિવસો પહેલા નાણામંત્રી સાથે થયેલી પ્રી-બજેટ ચર્ચામાં આ તમામ પાસાઓ સરકાર સમક્ષ મૂક્યા હતા. જો સરકાર આ માંગણીઓ સ્વીકારે તો ભવિષ્યમાં દેશમાં બનેલા ફોન થોડા સસ્તામાં મળી શકે છે.