ગુજરાતી પંચાંગ અનુસાર આજે મધ્યરાત્રીથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. મધ્યરાત્રીએ 0:59 કલાકે હોળાષ્ટક બેસી રહ્યા હોઈ, કેટલાંક પ્રાંતમાં 27 ફેબ્રુઆરી, સોમવારથી હોળાષ્ટકનો પ્રારંભ મનાઈ રહ્યો છે. એટલે કે હવે પછી પૂર્ણિમા સુધી (હોલિકા દહન) કોઈપણ પ્રકારના શુભકાર્ય નહીં કરી શકાય. હોળાષ્ટકના આઠ દિવસ એ માંગલિક કાર્ય માટે વર્જીત મનાય છે. આ દિવસો દરમિયાન શા માટે માંગલિક કાર્ય કરવામાં નથી આવતા તેની સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. આવો, આપણે પણ તેના વિશે જાણીએ.
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ગ્રહોની સ્થિતિને કારણે હોળાષ્ટકના આ આઠ દિવસ અત્યંત અશુભ મનાય છે! આ આઠ દિવસ દરમિયાન આઠ ગ્રહ ખૂબ જ ઉગ્ર રહે છે! ઉગ્ર ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો સમાવેશ થાય છે. જ્યોતિષવિદ્યા અનુસાર ગ્રહોની ઉગ્ર પરિસ્થિતિ માંગલિક કાર્યો પર ખરાબ અસર પાડે છે. સાથે જ આવાં કાર્યો કરાવનારને અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. એ જ કારણ છે કે હોળાષ્ટક દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવામાં નથી આવતા.
પ્રહ્લાદ એ અસુર હિરણ્યકશિપુના પુત્ર હતા. અસુર હિરણ્યકશિપુએ તેના તપોબળે બ્રહ્માજીને પ્રસન્ન કરી દેવ, દાનવ, માનવ, પશુ-પક્ષી કે અસ્ત્ર-શસ્ત્ર દ્વારા અવધ્ય રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેણે ત્રણેય લોક પર આધિપત્ય જમાવી સૌને માત્ર તેની જ પૂજા કરવા આદેશ કર્યો. હિરણ્યકશિપુએ અન્ય દેવી-દેવતાઓના પૂજન પર પ્રતિબંધ મૂકાવી દીધો. પરંતુ, કાદવમાં કમળ ખીલે તેમ તેના જ પુત્ર પ્રહ્લાદ પરમ વિષ્ણુ ભક્ત નીકળ્યા અને લોકોને પણ શ્રીહરિની ભક્તિ તરફ વાળવા લાગ્યા.
હિરણ્યકશિપુએ પ્રહ્લાદને વારવાના પ્રયત્ન કર્યા. પરંતુ, તમામ પ્રયાસ નિષ્ફળ નિવડ્યા. આખરે, તેણે પોતાના જ પુત્રને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લીધો. કહે છે કે પ્રહ્લાદની હત્યા માટે હિરણ્યકશિપુએ અનેક પ્રયાસ કર્યા. પ્રહ્લાદને ઝેર આપવામાં આવ્યું. ઝેરી સર્પોથી ભરેલાં ઓરડામાં પૂરવામાં આવ્યા. તેમને હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ, તેમની ભક્તિના બળે પ્રહ્લાદ હંમેશા જ ઉગરી ગયા. જેને અગ્નિમાં ક્યારે ન બળવાનું વરદાન હતું તેવી હિરણ્યકશિપુની બહેન હોળિકા પ્રહ્લાદને ખોળામાં રાખીને અગ્નિસ્નાન કરવા બેસી. તે સ્વયં ભસ્મીભૂત થઈ ગઈ. પરંતુ, પ્રહ્લાદને કશું જ ન થયું !
માન્યતા અનુસાર એ ફાગણ સુદ અષ્ટમીની જ તિથિ હતી કે જ્યારથી પ્રહ્લાદની હત્યા માટેના પ્રયાસ શરૂ થયા હતા. અષ્ટમીથી લઈ પૂર્ણિમા સુધીના આઠ દિવસ પ્રહ્લાદે સતત યાતનાઓમાં જ પસાર કર્યા હતા ! એ જ કારણ છે કે આ આઠ દિવસ અત્યંત અશુભ મનાય છે ! અને તે આજે હોળાષ્ટક તરીકે ઓળખાય છે. વાસ્તવમાં હોળાષ્ટકના આઠ દિવસ એ ભક્ત પ્રહ્લાદની ધીરજ અને દ્રઢ ભક્તિનો પરિચય આપે છે. જનમાનસ પર પ્રહ્લાદે તેમના પ્રભુ માટે સહેલી યાતનાઓ દ્રઢપણે અંકિત થયેલી છે ! અને એ જ કારણ છે કે લોકો પ્રહ્લાદને થયેલી પીડાના સ્મરણમાં શુભકાર્ય કરવાનું ટાળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)