મોટાભાગે લોકો જ્યારે પૂજા-પાઠ કે દાન-પુણ્યનું કાર્ય કરતા હોય છે, ત્યારે તેઓ તે કોઈ લાભની આશાથી જ કરતા હોય છે. ભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે તેમની કામનાઓ પૂર્ણ થાય. સરકારી કે સારી નોકરી મળી જાય, ઘરમાં ધનનું આગમન થાય, મોટું ઘર મળે વગેરે. પણ, કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જ કામના વગર, એટલે કે નિષ્કામ ભાવે પ્રભુને ભજે છે, ત્યારે તે વિશેષ ફળદાયી બની છે. અલબત્, ઘણાં પરિવારો એવાં પણ હોય છે કે જે સકામ કે નિષ્કામ, કોઈપણ રીતે પ્રભુ ભક્તિથી વિમુખ જ રહેતા હોય છે !
કેટલાંક પરિવાર એવાં હોય છે કે જે નાસ્તિક ન હોવા છતાં, પ્રભુ ભક્તિ માટે સમય ફાળવી જ નથી શકતા. એવું નથી હોતું કે તે લોકોને ભગવાનમાં આસ્થા નથી હોતી, પણ, ઈચ્છા છતા તેઓ પૂજા-પાઠ જેવાં કાર્યો સંપન્ન કરી જ નથી શકતા ! ઘરમાં કોઈ હવનનું આયોજન કરાવવાની ઈચ્છા હોય, પણ એવાં સંજોગ જ નથી બનતા કે તેઓ આવાં શુભકાર્યના સહભાગી બને ! તમને કદાચ નવાઈ લાગશે પણ આ પરિસ્થિતિ માટે ઘરનો વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે !
કઈ દિશાનો વાસ્તુદોષ ?
પરિવારમાં જો કોઇનું મન પૂજા-પાઠમાં કે દાન-પુણ્યમાં ન લાગતું હોય, મનની એકાગ્રતાની કમી હોય તો આપના ઘરની ઉત્તર-પૂર્વ દિશા તેના માટે જવાબદાર હોઈ શકે છે ! ઉત્તર-પૂર્વ દિશા એટલે ઘરનો ઈશાન ખૂણો. આ દિશા જેટલી દોષપૂર્ણ હશે, એટલી જ વ્યક્તિના મન પર તેની ખરાબ અસર થશે. આ દિશાના દોષને લીધે જ વ્યક્તિ પ્રભુ ભક્તિથી પણ વિમુખ થતો હોય છે. એટલે સૌથી વધારે મહત્વ એનું છે કે આ દિશાનો દોષ દૂર કરવામાં આવે.
વાસ્તુદોષનું નિવારણ
⦁ ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા-પાઠ, યોગ અને પ્રાણાયામ કરો.
⦁ આ દિશામાં (ઈશાન ખૂણામાં) લાકડાનું મંદિર અવશ્ય રાખવું.
⦁ આઠ આંગળીથી મોટી એકપણ મૂર્તિ મંદિરમાં ન રાખવી !
⦁ નિત્ય મન લગાવીને પૂજા કરવી અને આ પૂજા નિષ્કામ કરવી.
⦁ પંચમુખી હનુમાનનું ચિત્ર દક્ષિણ દિશા તરફ મુખ રહે તે રીતે રાખવું. અને તેમની નિત્ય પૂજા કરવી.
⦁ ભગવાન પાસે એટલું જ માંગો કે તે કર્મ કરવાની પ્રેરણા આપે. પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સુખના દિવસોમાં સંયમ રાખવાની શક્તિ આપે !
⦁ તમારી ગતિ અને મતિ સદૈવ પ્રભુમાં સ્થિર રહે તેવી પ્રાર્થના કરો.
⦁ કહે છે કે વ્યક્તિ જ્યારે આવા ભાવ સાથે પૂજા-પાઠનો પ્રારંભ કરે છે, ત્યારે તેનું ચિત્ત વધુને વધુ પ્રભુમય બનતું જાય છે. અને સ્વયં ઈશ્વરીય શક્તિ પણ તેને આ કાર્યમાં મદદરૂપ થાય છે. જેને લીધે વ્યક્તિને પૂજા-પાઠ, દાન-પુણ્યના કાર્યોમાં વિશ્વાસ બેસે છે. અને તે એવાં કાર્યો તરફ આગળ વધે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)