Ganesh Chaturthi 2022: શ્રીગણેશની પૂજા અધૂરી રહેશે જો આપ નહીં કરો આ પાંચ વસ્તુનો ઉપયોગ ! નોંધી લો અત્યંત અગત્યની આ પાંચ વસ્તુ
ગણેશજી (GANESHJI) એટલે તો સમૃદ્ધિ અર્પનારા દેવ. જો આપ પણ રાખો છો સમૃદ્ધિની કામના તો ક્યારેય ન ભૂલતા આ પાંચ વસ્તુ. કહે છે કે આ પાંચ વસ્તુ વિના શ્રીગણેશની પૂજા અધૂરી મનાય છે.
પાવનકારી ગણેશોત્સવ (GANESHOTSAV) ચાલી રહ્યો છે. કેટલાક લોકો એ પોતાના ઘરમાં તો વળી સમગ્ર ભારતવર્ષમાં (BHARATVARSH) અલગ અલગ શેરીઓમાં તથા પંડાલમાં ગણેશોત્સવનું આયોજન થયું છે. લોકો પોતાના ઘરે પણ ભાવથી ગજાનનનું સ્થાપન, પૂજન, અર્ચન અને સાથે નૈવૈદ્ય અર્પણ કરતા હોય છે. પણ તમે જાણો છો જો આ પાંચ વસ્તુનો ઉપયોગ આપ ગણેશજીની (GANESHJI) પૂજામાં ન કરો તો શ્રીગણેશની પૂજા અધૂરી મનાય છે. આ પાંચ વસ્તુનો ઉપયોગ જો પૂજા માં કરવામાં આવે તો ગજાનન ભક્તની સર્વ કામનાને સિદ્ધ કરતા હોવાની અને સમૃદ્ધિ પ્રદાન કરતાં હોવાની માન્યતા છે.
1. દૂર્વા
શ્રીગણેશને દૂર્વા અત્યંત પ્રિય છે અને એટલે જ ગણેશજીના પૂજનમાં દૂર્વા હોવી અનિવાર્ય છે. કહેવાય છે કે દૂર્વા વગર ગણેશજીની પૂજા અધૂરી મનાય છે. કહેવાય છે દૂર્વાનો આગળનો ભાગ જો ત્રણ કે પાંચ ઘાસની પત્તી ધરાવતો હોય તો તે ખુબ લાભદાયક પણ રહે છે.
2. પુષ્પ
ગજાનની પૂજામાં પુષ્પને કયારેય ન ભૂલવા જોઈએ. એવું કહેવાય છે કે શ્રીગણેશની પૂજામાં ક્યારેય તુલસીના પાનનો ઉપયોગ નથી થતો. પણ અલગ અલગ પુષ્પ અવશ્ય અર્પણ કરી શકો છો. ગલગોટા કે લાલ રંગના પુષ્પનો આપ ઉપયોગ પૂજન અર્ચનમાં કરી શકો છો.
3. ફળ
શ્રીગણેશની પૂજામાં ફળ હોવું પણ અનિવાર્ય છે. એવું કહેવાય છે કે ગજાનનને કેળા અત્યંત પ્રિય છે. જોકે કેળા અર્પણ કરતી વખતે એક વાતનો હંમેશા ખ્યાલ રાખવો. બાપ્પાને ક્યારેક એક નંગ કેળુ અર્પણ ન કરવું. ગજાનનને હંમેશા જોડમાં જ કેળા અર્પણ કરવાનું વિધાન છે.
4. સિંદૂર
ગણપતિ બાપ્પાને સિંદૂર પણ અર્પણ થાય છે. સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક છે. તો સાથે સિંદૂર એ મંગળનું પણ પ્રતિક છે. ગજાનનને મંગલમૂર્તિ પણ કહેવાય છે. માન્યતા છે કે મંગલમૂર્તિને સિંદૂર અર્પણ કરવાથી ભક્તોની દરેક મંગલ કામનાને બાપ્પા પરિપૂર્ણ કરે છે.
5. મોદક
ગણપતિને મોદક અત્યંતપ્રિય છે તે વાત સર્વવિદિત છે. અને એટલે જ એવું કહેવાય છે કે જો બાપ્પાને મોદકનો ભોગ નથી લગાવ્યો તો બાપ્પાની ભાવથી કરેલી પૂજા પણ અપૂર્ણ રહે છે. લૌકિક વાતોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે ગજાનને ઘી- ગોળનો ભોગ પણ અતયંત પ્રિય છે આપ તેને પણ બાપ્પાને ધરાવી શકો છો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)