Ganesh Chaturthi 2022 : ગણેશમહોત્સવ દરમ્યાન શ્રીગણેશની પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે કરો આ ત્રણ રંગથી પૂજન !
દરેક ભક્તની એવી જ ઈચ્છા હોય છે કે ગણેશમહોત્સવ (Ganeshmahotsav) દરમ્યાન ગણેશજી આપણાં ઘરે પ્રસન્નચિત્ત સાથે રહે. એટલે જ ગણેશોત્સવ દરમ્યાન ભક્તો વક્રતુંડની વિશેષ પૂજા કરે છે. એમાં પણ કહે છે કે લંબોદરને પ્રિય એવાં રંગથી જો તેમની પૂજા કરવામાં આવે તો તે વધારે જ ખુશ થાય છે.
દરેક ભક્તની એવી જ ઈચ્છા હોય છે કે ગજાનન (Gajanan) શ્રીગણેશ (Shree Ganesha) પ્રસન્નચિત્ત સાથે ગણેશમહોત્સવ (Ganeshmahotsav) દરમ્યાન આપણને પ્રસન્નતાના આશિષ પ્રદાન કરે છે. એટલે જ ગણેશમહોત્સવ દરમ્યાન વક્રતુંડની (Vakratund) વિશેષ પૂજા કરે છે. એમાં પણ કહે છે કે જો લંબોદરને પ્રિય એવાં રંગથી તેમની પૂજા કરવામાં આવે તો તે વધારે જ ખુશ થાય છે. ત્યારે આવો જાણીએ કે, ગણેશમહોત્સવ દરમ્યાન દિવસે પૂજામાં કયા રંગનો પ્રયોગ કરી તમે એકદંતાને રીઝવી શકશો.
જીવનમાં મીઠાશ લાવશે લીલો રંગ
ગણેશોત્સવ દરમ્યાન તમે પૂજામાં લીલા રંગનો પ્રયોગ પણ કરી શકો છો. લીલો રંગ એ પ્રકૃતિનો રંગ છે. તે આપણને ઠંડક, તાજગી, આત્મવિશ્વાસ, સુખ અને સકારાત્મકતાની અનુભૂતિ કરાવે છે. તેના આ મહત્વને કારણે જ આ રંગ ન માત્ર વક્રતુંડને, પરંતુ, ગૌરીશંકરને પણ અત્યંત પ્રિય મનાય છે. કદાચ એ જ કારણને લીધે વિઘ્નહર્તાને લીલી દૂર્વા અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે. એટલે જ ગણેશ મહોત્સવ દરમ્યાન વિઘ્નહર્તાને દૂર્વા તો ચોક્કસથી અર્પણ કરજો. સાથે જ તમે પ્રભુને લીલા રંગના શણગાર પણ કરી શકો છો.
લંબોદરને પ્રિય લાલ રંગ
લાલ રંગ એ સૌથી શુભ અને પવિત્ર મનાય છે. એ જ કારણ છે, કે મોટાભાગે શુભકાર્યોમાં લોકો લાલ રંગના વસ્ત્ર ધારણ કરે છે. તો, વિશેષ અવસરો પર પૂજા સ્થાનને પણ લાલ રંગથી જ સજાવવામાં આવે છે. લાલ રંગ નસીબ, ઉત્સાહ, હિંમત અને નવું જીવન સૂચવે છે. લાલ રંગના આ મહત્વને કારણે જ ગજાનન ગણેશજીને પણ લાલ રંગ અત્યંત પ્રિય મનાય છે.તેથી ગણેશજીની પૂજામાં લાલ રંગનો પ્રયોગ કરવો જોઈએ. ગણેશોત્સવ દરમ્યાન પૂજામાં તમે ગણેશજીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવી શકો છો. આ દિવસો દરમ્યાન તેમને લાલ રંગના ફૂલ અર્પણ કરવા. શક્ય હોય તો જાસૂદનું. કારણ કે જાસૂદ શ્રીગણેશને અત્યંત પ્રિય મનાય છે. એટલું જ નહીં, વક્રતુંડની વિશેષ કૃપા અર્થે પૂજા સમયે તમે પણ લાલ રંગના વસ્ત્ર ધારણ કરી શકો છો.
પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે કરો પીળા રંગનો પ્રયોગ
પીળો રંગ ગુરુ અને સૂર્ય જેવાં ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. સનાતન ધર્મમાં પીળા રંગનું આગવું જ મહત્વ છે. એ જ કારણ છે કે કોઈપણ પ્રકારના શુભકાર્ય અને પૂજામાં આ રંગનો પ્રયોગ થાય છે. પીળો રંગ વ્યક્તિની કુંડળીમાં રહેલા ગુરુને અને ભાગ્યને જાગ્રત કરે છે. શ્રીહરિ અને ગણેશજી સહિત તમામ દેવતાઓ પણ પીતામ્બર ધારણ કરે છે. ત્યારે પીળા રંગના આ મહત્વને જોતા ગણેશજીની પૂજામાં પીળા રંગનો પ્રયોગ પણ લાભદાયી બની રહેશે. એટલે અનંત ચૌદસે ગણેશજીને પીળા વસ્ત્ર ધારણ કરાવી, પીળા રંગના પુષ્પ અર્પણ કરવા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)