ઘણી વખત આપણે ઉડતી કાર વિશે સાંભળ્યું છે. અત્યાર સુધી તે માત્ર એક સપનું હતું, પરંતુ ફ્લાઈંગ કારમાં ઉડવાનું સપનું હવે સાકાર થતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ફ્લાઈંગ કારે દુબઈના આકાશમાં પ્રથમ ઉડાન ભરી હતી. તમને જાણીને ખુશી થશે કે કંપની જલ્દી જ આ કાર લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી ટેક્નોલોજીની કાર એક શહેરથી બીજા શહેરમાં જવાનું સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ રસ્તાઓ પરના ટ્રાફિક જામથી પણ છુટકારો અપાવશે. સૌથી સારી વાત એ છે કે આ કાર ટૂંક સમયમાં લોકો માટે ઉપલબ્ધ થવા જઈ રહી છે.
આ કારની ડિઝાઈન એકદમ યુનિક અને લેટેસ્ટ છે. તે બિલકુલ હેલિકોપ્ટર જેવી લાગે છે. તે હેલિકોપ્ટરની જેમ વર્ટિકલ ટેક ઓફ અથવા લેન્ડિંગ કરવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, આ ફ્લાઈંગ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે. તેને પાવર આપવા માટે હળવા વજનની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર વજન ઓછું રાખવા માટે તે સંપૂર્ણ રીતે કાર્બન ફાઈબરથી બનેલી છે. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતી આ કાર લોકો માટે કોઈ અજાયબીથી ઓછી નથી.
આ બેટરી ઓપરેટેડ કારને વાયરલેસ ડ્રોનના કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં બે લોકો માટે બેઠક વ્યવસ્થા છે. તેને ટીયર ડ્રોપના આકારમાં ડિઝાઇન કરવામાં આવી છે. બેટરી દ્વારા સંચાલિત હોવાને કારણે તેના પ્રોપેલરને ફેરવવાની જરૂર નથી. જો કે, તે બેટરી પર ચાલે છે, તેથી ખૂબ લાંબા અંતરને કવર કરી શકતી નથી. જો તે ફુલ ચાર્જ હોય તો 35 મિનિટ સુધી ઉડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ કાર 500 કિલો સુધીનું વજન વહન કરવામાં સક્ષમ છે. ખાસ વાત એ છે કે આ કાર ઝીરો કાર્બન પેદા કરે છે.