Vadodara: તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં, મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ
Vadodara: તહેવારોને ધ્યાને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કરી નમૂના એકત્ર કરવામાં આવ્યા છે
વડોદરા (Vadodara)માં તહેવારોને ધ્યાને લઈને ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (Health Department) જૂદી જૂદી ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યુ છે. દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા નમૂના લેવાયા હતા. તહેવારો સમયે તંત્ર માત્ર કામગીરી દેખાડવાનો ઢોંગ કરતુ હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. મીઠાઈના વેપારીઓને ખોટી રીતે રંજાડવામાં આવતા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. તહેવાર સમયે માત્ર કામગીરીનો દેખાડો થાય છે પણ કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ રહી. તે પ્રકારનો આક્ષેપ વેપારીઓ દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે હવે મીઠાઈ અને ફરસાણોની દુકાનોમાં ચેકિંગ (Checking) હાથ ધરવામાં આવ્યુ છે.
શહેરમાં કોઈ દુકાનમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ થતુ હોય તેવા તમામ સ્થળે 24 કલાક 365 દિવસ ચેકિંગ કરવાની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની છે. પરંતુ આરોગ્ય વિભાગ માત્ર તહેવારો સમયે જ જાગે છે. આજ રીતે દિવાળી પૂર્વે આજ પ્રકારની કાર્યવાહીનો દેખાડો કરાઈ રહ્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોની આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6થી7 દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ હતુ અને નમૂના પણ લેવામાં આવ્યા હતા. ભૂતકાળમાં પણ આ પ્રકારે નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે સમયસર રિપોર્ટ આવવો જોઈએ અને તે મુજબ કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી. આજે સત્તાવાર રીતે કેટલા લોકોને ત્યાં ચેકિંગ હાથ ધરાયુ કેટલા નમૂના લેવામાં આવ્યા અને કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તેનો આંકડો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવશે.