રાજ્યમાં નવા કાયદાને લઈ પારાયણ, ટ્રક ચાલકોએ હાઈવે કર્યો ચક્કાજામ, આ છે કારણ?
કચ્છના સામખીયાળીમાં ટ્રક ચાલકોએ કલાકો સુધી ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન લોકોના ટોળાએ બસ પર પથ્થરમારો કરી દેતા મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો અને લોકોના ટોળાને દૂર કરીને હાઇવેને ખુલ્લો કર્યો. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે અકસ્માત કાયદાના કરેલા ફેરફારને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે.
રાજ્યભરમાં ટ્રકચાલકોએ સરકાર સામે બાયો ચડાવી અને રસ્તા પર ઉતર્યા છે. અકસ્માતમાં સજાના નવા કાયદાને લઈને ટ્રકચાલકે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ડ્રાઈવરોએ હાઈવે પર ટ્રક મુકી ચક્કાજામ કર્યો હતો. વિરોધના સૂર સૌપ્રથમ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઉઠ્યા છે. જ્યાં માલિયાસણ ચોકડી નજીક રસ્તા પર ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો.
તો બીજી તરફ મોરબીમાં પણ આ સ્થિતિ સર્જાઈ હતી. રવિરાજ ચોકડી પાસે રોડ પર ટ્રકો ઉભા રાખી ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો કચ્છમાં આ વિરોધ ઉગ્ર બન્યો હતો. ટ્રક ચાલકોએ સામખિયાળી ચેક પોસ્ટ હાઈવે જામ કરી, પથ્થર ફેંકી એસટી બસમાં તોડફોડ કરી હતી.
આ તરફ સુરેન્દ્રનગરમાં પણ નેશનલ હાઈવે પર વિરોધ જોવા મળ્યો છે. જેને લઈને ડોળીયા નજીક 20 કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી. નવા કાયદામાં અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થાય તો તેને 10 લાખનો દંડ અને 10 વર્ષની કેદની સજાનો કાયદો લાગુ કરાયો છે. ત્યારે હવે આ વિરોધનું વંટોળ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું.