આ છે અમદાવાદનું ખાડા મોડલ, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ ખાડા પણ જોઈ લો- Video
અહીં ઠેર-ઠેર ખાડા છે, ભુવા છે, પાણી છે અને રસ્તાઓ પાણીથી લથબથ છે આ અમદાવાદ છે. અહીં થોડા વરસાદમાં જ માર્ગો પર નદીઓ વહેવા લાગે છે અને શહેરમાં ઠેકઠેકાણે ઝરણાઓ ફુટી નીકળે છે અને હોડી લઈને નીકળવાની ફરજ પડે છે, કારણ કે આ અમદાવાદ છે. વિકાસ મોડેલ ગણાતા આ શહેરમાં વિકાસ સત્તાધિશોનો થઈ રહ્યો છે અને શહેર બની રહ્યુ છે ખાડા મોડલ..
વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલા અમદાવાદ શહેરની આ છે બદ્દસુરત , આ છે અમદાવાદનુ ખાડા મોડલ, ત્યારે સવાલ એ છે કે આ ખાડાને હેરિટેજ ખાડાનો દરજ્જો સત્તાધિશો કેમ નથી આપી દેતા. તમને લાગશે કે આ શું મૂર્ખામીભરેલી વાતો કરે છે પણ આ શક્ય છે. અહીં બધુ જ શક્ય છે કારણ કે અહીં દર ચોમાસામાં રોડ પર આ જ પ્રકારે મસમોટા ખાડા પડે છે અને AMCના ખાઈબદેલા, નિર્લજ્જ, નફ્ફટ અને ભ્રષ્ટ સત્તાધિશોના પાપે આ જ પ્રકારે શહેરીજનો ખાડામાં વાહનો સાથે ગરકાવ થતા રહે છે.
અહીં વીડિયોમાં જુઓ.. હાટકેશ્વર વિસ્તારમાં પડેલા આ ખાડામાં એક બાઈકચાલક પડતા પડતા માંડ બચે છે. પાણી ભરેલા હોવાથી લોકોને ખબર પણ નથી પડતી કે જમીન છે કે ખાડો છે અને શહેરીજનો અકસ્માતનો ભોગ બનતા રહે છે પરંતુ રાતદિવસ ભ્રષ્ટાચારમાં જ લિપ્ત રહેતા ભ્રષ્ટ સત્તાધિશોને પ્રજાની આ સમસ્યા દેખાતી નથી.
આ માત્ર હાટકેશ્વર વિસ્તારની વાત નથી. શહેરના દરેક વિસ્તારોમાં આ પ્રકારે ખાડા પડ્યા છે અને બેશર્મીની હદ એ છે કે તંત્રના કોઈ અધિકારીઓને અને બેરિકેડ મુકીને ખાડો છે વાહન ન ચલાવોનુ દિશાસૂચક બોર્ડ મુકવાનું પણ સૂજતુ નથી. શહેરમાં અનેક માર્ગો પર મસમોટા ખાડા પડ્યા છે અને બાપડા વાહનચાલકો હિલોળા લેતા હાલાકી વેઠી રહ્યા છે.હાલ વરસાદને કારણે આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાથી અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ગત રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદ શહેરના અનેક માર્ગો પરથી જાણે નદીઓ વહી રહી હોય એ પ્રકારે પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિકજામ સર્જાય છે અનેક લોકોના વાહનો બંધ પડી જાય છે અને ધક્કા મારવાની નોબત આવે છે પરંતુ સત્તાધિશો માત્ર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સંતોષ માની રહ્યા છે.