વડોદરામાં MS યુનિવર્સિટિમાં ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા NSUIએ ડીનની ઓફિસમાં કરી તોડફોડ- Video
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં NSUIએ તોડફોડ કરી. F.Y.Bcom માં ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા કોમર્સ ફેકલ્ટીના ડીને ઓફિસમાં ઘુસી બબાલ કરી.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં F.Y.Bcomમાં ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગ સાથે આજે NSUIના કાર્યકરોએ પ્રદર્શન કર્યુ. વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. NSUIએ કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ ખાતે રજૂઆત કરી અને ડીનની ઓફિસમાં ઘુસી જઈ તોડફોડ કરી. ઓફિસની ગ્રીલ હલબલાવી નાખી, દરવાજા પર ચડી જઈ તેને તોડવાની કોશિષ કરી ડીનની ઓફિસનો કાચ પણ તોડી નાખ્યો હતો.
ડીન વિદ્યાર્થીઓને અન્યાય કરશે તો ચલાવી લેવામાં નહીં આવે- વિદ્યાર્થી નેતા
વિદ્યાર્થી નેતાએ જણાવ્યુ કે કોમર્સ ફેકલ્ટીમાં તેઓ રજૂઆત કરવા માટે આવ્યા પરંતુ ડીન તેમની સાથે દુશ્મનો જેવુ વર્તન કરે છે. ડીન વિદ્યાર્થીઓને અન્યાય કરશે તે ચલાવી લેવામાં નહીં આવે. રિપીટર વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનુ શરૂ કરવામાં આવ્યુ નથી. આ લોકો હજુ એડમિશનથી વંચિત છે.
આ સમગ્ર મામલે યુનિવર્સિટીની પીઆરઓએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાને રાખી કોમર્સ ફેકલ્ટીમાં કેટલી સીટ છે, કેટલી ખાલી છે, કેટલી મંજૂર થયેલી છે. તે દરેક બાબતનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.