સોશિયલ મીડિયા પર ચૂંટણીને લગતી એલફેલ પોસ્ટ કરશો તો દંડાશો, સાયબર ક્રાઈમે વોચ રાખવા બનાવ્યો એક્શન પ્લાન
લોકસભા ચૂંટણી દરમિયાન જો સોશિયલ મીડિયા પર કોઈપણ ઉમેદવારને લગતી, જાતિગત કે વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરશો તો સાયબર ક્રાઈમની નજરમાંથી બચી નહીં શકો. ચૂંટણી દરમિયાન આચાર સંહિતા અમલી હોવાથી સાયબર ક્રાઈમે સોશિયલ મીડિયા પર નજર રાખવા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમા એલફેલ પોસ્ટ કરનારા પર બાઝ નજર રાખવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં પ્રચારનું સૌથી મોટુ માધ્યમ જો કોઈ હોય તો તે ટીવી મીડિયા બાદ સોશિયલ મીડિયા છે. જો કે સોશિયલ મીડિયા દ્વારા કેટલાક અસામાજિક તત્વો લોકોને ગેરમાર્ગે દોરવાનો કે દુષ્પ્રચાર ફેલાવવાની પણ પ્રવૃતિ કરતા હોય છે. લોકસભા ચૂંટણી દરમિયાન કોઈપણ રીતે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય અને સોશિયલ મીડિયા દ્વારા થતાં દુષ્પ્રચાર અટકાવવા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે કમર કસી છે.
સોશિયલ મીડિયા પર વિવાદી પોસ્ટ કરશો તો સાયબર ક્રાઈમ કરશે કાર્યવાહી
સાયબર ક્રાઇમ બ્રાંચે ચૂંટણી પંચના આદેશ બાદ સોશિયલ મીડિયા પર વોચ રાખવા આ એક્શન પ્લાન બનાવ્યો છે. સાયબર ક્રાઇમની ટીમે સોશિયલ મીડિયા પર કરાતી વિવિધ પોસ્ટ પર બાજ નજર રાખશે. એટલું જ નહીં વૈમનસ્ય ફેલાવતી, ભડકાઉ ભાષણો આધારીત કે અન્ય વિવાદી ટીકા ટીપ્પણી કરતી પોસ્ટ કરનાર વિરૂદ્ધ સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે. સાથે યુટ્યુબ પર અપલોડ કરાતા ઓડિયો અને વીડિયોની પણ તપાસ કરાશે. અધિકારીઓનું કહેવું છે કે જો વિવાદીત પોસ્ટ કરનારાઓ વિરૂદ્ધ કાયદાની વિવિધ જોગવાઇ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ભડકાઉ કે આપત્તિજનક પોસ્ટ કરનારા પર રહેશે નજર
સોશિયલ મીડિયા રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારનું મહત્વનું માધ્યમ છે. ઘણીવાર પોતાના પ્રતિસ્પર્ધીઓને બદનામ કરવા માટે રાજકીય પક્ષોના સમર્થકો ભડકાઉ કે આપત્તિજનક પોસ્ટ કરીને સમાજની શાંતિમાં આગ ચાંપતા હોય છે. ત્યારે ચૂંટણી સમયે આદર્શ આચરસંહિતાનું પાલન થાય, અને શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાસ તૈયારી હાથ ધરી છે.
આચારસંહિતા અમલી થતા સાયબર ક્રાઈમ એક્શનમાં
સાયબર ક્રાઈમના એસપી હાર્દિક માકડિયાના જણાવ્યા અનુસાર અસામાજિક તત્વો દ્વારા બલ્ક SMS દ્વારા કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી મોડલ કોડ ઓફ કન્ડક્ટ (ચૂંટણીની આચારસંહિતા) નો ભંગ કરવામાં આવશે તો તેના પર સાયબર ક્રાઈમ નજર રાખી રહી છે અને આવી પ્રવૃતિ કરનારા સામે IPC રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ એક્ટ અંતર્ગત તેમજ અન્ય કાયદા હેઠળ કાર્યવાહી કરાશે.
સાયબર ક્રાઈમ દ્વારા એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આથી જો લોકોના ધ્યાને પણ આવી અફવા ફેલાવનારી કે વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ ધ્યાને આવે તો તે હેલ્પલાઈન નંબર પર જાણ કરી શકે છે.