જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્તા ગીરનાર તળેટીમાંથી વહ્યા ઝરણાઓ, દામોદર કૂંડમાં આવ્યા નવા નીર- જુઓ Video
જુનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બે ઇંચ વરસાદના કારણે જાંજરડા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોટીબાગ, કાળવા ચોક અને બસ સ્ટેશન વિસ્તારો પણ અસરગ્રસ્ત થયા છે. ગ્રામ્ય વિસ્તારો જેવા કે માણાવદર, વંથલી અને કેશોદમાં પણ વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા દામોદરકુંડ છલોછલ થયો છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. બપોર બાદ વાતાવરણમાં પલટા બાદ જૂનાગઢ શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જુનાગઢ શહેરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતાં જાંજરડા રોડ પર ગરનાળા બંધ થતાં વાહનચાલકોએ હાલાકી વેઠવી પડી. જુનાગઢ શહેરના મોટીબાગ, કાળવા ચોક, બસ સ્ટેશન વિસ્તાર અને જાંજરડા ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા.
જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી મહેર જોવા મળી છે. જિલ્લાના માણાવદર, વંથલી અને કેશોદ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં ધીમીધારે વરસાદની જમાવટ જોવા મળી.
જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબકતા ગિરનાર તળેટીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે દામોદરકુંડમાં નવા નીર આવ્યા. તળેટીમાંથી પાણીનો પ્રવાહ આવતા દામોદરકુંડ છલોછલ થયો. જેને કારણે દામોદરકુંડ પરથી પાણી વહેતું જોવા મળ્યુ. એકતરફ જુનાગઢમાં અનરાધાર વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છો તો બીજી તરફ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Input Credits- Vijaysinh Parmar- Junagadh