રાજ્યના અનેક મહાનગરોમાં ખાડા રાજ, વરસાદ બાદ રોડ પર ઠેકઠેકાણે ખાડા પડતા વાહનચાલકોને પારાવાર હાલાકી- Video
ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં ખાડાઓની સમસ્યા ગંભીર બની છે. વરસાદ બાદ રસ્તાઓ ખાડાઓથી ભરાઈ ગયા છે, જે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સુરતમાં TV9 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ખાડા પુરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
રાજ્યના મોટા ભાગના શહેરોમાં અત્યારે ખાડા રાજ જોવા મળી રહ્યું છે. અલગ અલગ દ્રશ્યો આપ જુઓ. અલગ અલગ શહેરોમાં એક જ સ્થિતિ છે. અમદાવાદથી માંડીને વડોદરા સુધી, આણંદથી માંડીને સુરત સુધી, જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ખાડાઓની ભરમારને જોતાએ કહેવું મુશ્કેલ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો. પરંતુ એક વાત હકીકત છે કે તમામ શહેરોમાં તંત્ર ચોક્કસ ખાડે ગયું છે.
રસ્તા પરના ખાડા વાહનચાલકો માટે મોતના ખાડા સાબિત થઈ રહ્યા છે. ક્યાંક રસ્તા વાહનચાલકોને ડિસ્કો ડાન્સ કરાવી રહ્યા છે તો ક્યાંક ખાડા કમરના મણકા ઢીલા કરી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે ખાડે ગયેલું તંત્ર જાગે અને ખાડા પુરવાની કામગીરી કરે.
ખાડીપુર બાદ હવે સુરતીઓને સતાવી રહ્યું છે ખાડા રાજ. સુરતમાં ખાડીપુર બાદ હવે ખાડા રાજથી લોકો હેરાન પરેશાન બન્યા. શહેરમાં વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા. ખાસ કરીને લીંબાયત અને ઉધના ઝોનના રસ્તા નરકાગારમાં ફેરવાયા અને ઠેરઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું. ખાડી આસપાસના વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બન્યા. સારોલી મેઇન રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ તરફ વરાછા સરથાણામાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડતા વાહનચાલકો માટે આ ખાડા છે એ હેરાન ગતિ બન્યા. સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદ રોકાયા બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી. જે પ્રમાણે ટેક્સ લે છે એ પ્રમાણે સરકારે રસ્તા પણ આપવા પડે.
સુરતમાં tv9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું. વરસાદ બાદ અનેક રસ્તા ધોવાયા હતા. tv9 એ આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર દોડતું થયું અને મેયરની અધ્યક્ષતામાં પાલિકા અને મેટ્રોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. બેઠક બાદ રોડ પરના ખાડાઓ તથા ડ્રેનેજની કામગીરી માટે ત્રણથી ચાર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સાથે જ ખાડા તથા ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવા માટે મેયરે સૂચના આપી છે. તો રોડ પર ટ્રાફિક ન થાય તેવી રીતે કામગીરીનો આદેશ આપવામાં આવ્યો. ત્યારે કામગીરી કેવી કરવામાં આવી છે તે અંગે દર 15 દિવસે રિવ્યુ મિટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે. જે મેટ્રોના હિસાબે જ્યાં ડ્રેનેજ તૂટી છે તેનો ત્રણથી ચાર દિવસમાં રિવ્યુ કરવામાં આવે. જ્યાં ખાડા પડ્યા છે ત્યાં એસએમસીના અધિકારી અને મેટ્રોના અધિકારી કોઈ પત્ર વ્યવહાર નહીં કરે. ડાયરેક્ટ ફોન કરીને સંકલન કરે. જાતે બંને સ્પોટ્સ પર જાય અને ત્યાં જે તે પ્રકારનું કામ હોય એનું તાત્કાલિક રોડનું હોય તો રોડનું રિપેરિંગ કરે.