Gujarati video: ઉગ્ર બન્યો મોહનથાળનો વિવાદ, મોહનથાળના પ્રસાદ અંગે દર્શનાર્થીઓ અને વેપારીઓ શું કહે છે, જુઓ Video
અંબાજી મંદિર પરિસરમાં સાંજે ધરણા બાદ રાતે મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. જે દરમિયાન માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવીને મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે.
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે શરૂ થયેલું જનઆંદોલન ઉગ્ર બન્યું છે. વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરો અંબાજી મંદિરના પરિસરમાં જ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય તે માટે ધરણા કરશે. ઉપરાંત મોહનથાળના પ્રસાદના મુદ્દે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ચીકીનો પ્રસાદ ભલે મળે, પરંતુ માતાજીનો જે રાજભોગ છે તે તો મળવો જ જોઈએ તો દૂર દૂરથી દર્શને આવતા દર્શનાર્થીઓએ કહ્યું હતું કે વર્ષોથી આ મોહનથાળનો પ્રસાદ લેતા હોઈએ અને અચાનક બીજો પ્રસાદ મળવા લાગે તો એ અલગ તો લાગે જ. સરકારે ભલે ચીકીનો પ્રસાદ શરૂ કર્યો, પરંતુ તે કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે મોહનથાળનો પ્રસાદ આપવો જોઈએ.
અંબાજી મંદિર પરિસરમાં VHP સાંજે ધરણા બાદ રાત્રે મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. જે દરમિયાન માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવીને મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે. રાજ્યભરના મંદિરોમાં VHP દ્વારા આવતીકાલે પ્રદર્શનની પણ ચીમકી આપવામાં આવી છે. રાજ્યભરમાં કાલે મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવશે.
અંબાજી મંદિરમાં વર્ષોથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદ વિવાદને લઈ નારાજ છે. ભક્તોના મતે મોહનથાળની માતાજીના પ્રસાદ તરીકે એક આગવી ઓળખ છે. જેનું સ્થાન ચીકી કે અન્ય કોઈ પ્રસાદ ન લઈ શકે. શ્રદ્ધાળુઓના મતે દેવસ્થાન ટ્રસ્ટ કે સરકારે ઝડપથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. શ્રદ્ધાળુઓની આસ્થાને મહત્વ આપીને પરંપરા યથાવત રાખવી જોઈએ.
મોહનથાળ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
તો આ પ્રસાદ અંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ઉપવાસમાં મોહનથાળનો પ્રસાદ લઈ શકાતો નથી તેમજ આ પ્રસાદ માત્ર 7 કે 8 દિવસ જ ખાવાલાયક રહે છે. જ્યારે ચીકી 3 મહિના સુધી બગડતી નથી. તેમણે કહ્યું હતું કે મોહનથાળ મીઠાઈ નથી આસ્થાનો વિષય છે.
અંબાજી મંદિરમાં સર્જાયેલા પ્રસાદ વિવાદ વચ્ચે પ્રથમવાર જિલ્લા કલેક્ટર મીડિયા સમક્ષ આવ્યા હતા. જો કે કલેક્ટર આનંદ પટેલે પ્રસાદ વિવાદ મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું. કલેક્ટર આનંદ પટેલે માઇભક્તોને પ્રસાદના વિષયમાં બેફીકર રહેવાની હૈયાધારણા આપી હતી.
કલેક્ટરે મા અંબાની સાક્ષીએ દાવો કર્યો હતો કે મંદિરમાં આવતો એક એક રૂપિયો પ્રજાના હિતમાં વપરાય છે અને દાનમાં મળેલી રકમમાંથી કોઇને પણ કમાણી કરવામાં રસ નથી. પ્રસાદ વિવાદ વિશે પૂછાયેલા સવાલમાં કલેક્ટરે કહ્યું કે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને વહેલી તકે આ વિવાદ ઉકેલાય તેમાં અધિકારીઓને રસ છે. હાલ પ્રસાદ વિવાદ ઉભોને ઉભો છે, ત્યારે ભક્તોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ રૂપે યથાવત રહી શકે છે.