જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ, નવી જંત્રી સામે CREDAIનો મોરચો
નવા જંત્રીના દર સામે ક્રેડાઈએ વિરોધ વ્યક્ત કર્યો છે. ક્રેડાઇના પ્રમુખ ધ્રુવ પટેલે કહ્યું છે કે. જંત્રીના દરમાં 200થી 2 હજાર ટકાનો સૂચિત વધારો કોઇપણ કાળે સ્વીકાર્ય નથી. સરકારની હામાં હા પુરાવતી ક્રેડાઇએ હવે નવી જંત્રીના સૂચિત દર મુદ્દે મૌન તોડ્યુ છે. ક્રેડાઇએ સરકારના નિર્ણય સામે નારાજગી દર્શાવી છે.
મધ્યમ વર્ગ માટે જો કોઈ મોટું સપનું હોય તો એ છે પોતાનું ઘર ખરીદવાનું પણ લાગે છે કે આવનારા સમયમાં આ સપનું પણ તેને મોંઘુ પડવાનું છે. હકીકતમાં આ ચિંતા એટલા માટે છે કેમકે સરકારે જંત્રીના દરમાં 200થી લઈને 2000 ટકા સુધીનો વધારો સુચવ્યો છે. જેની સામે લોકોએ તો નહીં પણ બિલ્ડરોએ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો છે. કેમકે જો ઘરો મોંઘા થશે તો તેને ખરીદશે કોણ ? તેની એમને ચિંતા છે. આ મામલે ક્રેડાઈએ વિરોધ સાથે કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે.
નવા જંત્રીના દર સામે ક્રેડાઈએ વિરોધ વ્યક્ત કર્યો છે. ક્રેડાઇના પ્રમુખ ધ્રુવ પટેલે કહ્યું છે કે. જંત્રીના દરમાં 200થી 2 હજાર ટકાનો સૂચિત વધારો કોઇપણ કાળે સ્વીકાર્ય નથી. સરકારની હામાં હા પુરાવતી ક્રેડાઇએ હવે નવી જંત્રીના સૂચિત દર મુદ્દે મૌન તોડ્યુ છે. ક્રેડાઇએ સરકારના નિર્ણય સામે નારાજગી દર્શાવી અને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મુકી છે. ક્રેડાઇ જંત્રીના દરમાં સૂચિત બમણા વધારા મુદ્દે આકરાપાણીએ જોવા મળ્યું.
પ્રમુખ ધ્રુવ પટેલનો આરોપ છે કે 12 વર્ષ બાદ અચાનક સરકારે જંત્રીના દરમાં કરેલો સૂચિત વધારો અસહ્ય છે અને આ નિર્ણયથી બિલ્ડરોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. તો જંત્રીના સૂચિત દરની સીધી અસર વિકાસ પર પડવાની બિલ્ડરો વાત કરી રહ્યા છે. ક્રેડાઇનું કહેવું છે કે જો સૂચિત દર લાગુ કરાયો તો રાજ્યમાં વિકાસ પર બ્રેક વાગી જશે સાથે જ ભય વ્યક્ત કર્યો કે મકાનો 30થી 40 ટકા મોંઘા થશે. ક્રેડાઇનો સરકાર પર સાયન્ટિફિક તપાસ કર્યા વગર જંત્રીના દરમાં વધારો સૂચવ્યાનો આરોપ છે. ક્રેડાઇની માગ છે કે વાંધા અરજી માટે અરજદારોને 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે.
આમ જંત્રીના સૂચિત દરો બિલ્ડરોની હાલાકી વધારનારા છે. સ્વાભાવિક છે કે જો 30થી 40 ટકા જંત્રીના દર વધશે તો, બિલ્ડરો ગ્રાહકોની કેડ પર બોજો નાંખશે અને મધ્યમ વર્ગ પ્રભાવિત થશે. અગાઉ સરકાર સાથે ચર્ચા બાદ મામલો થાળે પડ્યો હતો, જોકે હવે નવી જંત્રીની નવી ઝંઝટ ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું.