Gujarati Video : વિધાનસભામાં ઉઠ્યો જેતપુરના પ્રદૂષિત પાણીનો મુદ્દો, સાડી ઉદ્યોગનું પાણી દરિયામાં ઠાલવવાનો કોંગ્રેસનો આક્ષેપ
Rajkot: જેતપુરના જળ પ્રદૂષણનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દો ગૃહમાં ઉઠાવી જેતપુરના સાડી ઉદ્યોગનું 80 કરોડ લીટર કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવાતુ હોવાનો આક્ષેપ કર્યો.
સાડી ઉદ્યોગ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત જેતપુરના જળ પ્રદૂષણનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે. જેતપુરનું કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરી તેને પોરબંદરના દરિયા સુધી પહોંચાડવા 667 કરોડના ખર્ચે યોજના આકાર લઇ રહી છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દો ગૃહમાં ઉઠાવી જેતપુર સાડી ઉદ્યોગનું દૈનિક 80 કરોડ લિટર કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવાતું હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. એસોસિએશનનું કહેવું છે કે દરિયામાં 80 કરોડ લીટર પાણી નાખવાની વાત સાવ ખોટી છે. જેતપુર સાડી ઉદ્યોગનું પાણી માત્ર 3 થી 4 કરોડ લિટર થાય છે. વળી તે દરિયામાં સીધું જ ઠાલવવામાં આવતું નથી. જેતપુરમાં 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેમાં શુદ્ધ થયા બાદ TDSવાળું પાણી જ દરિયામાં પહોંચશે. આથી પાણીને કારણે કોઈ જીવ સૃષ્ટિને નુકસાન થાય તેવી કોઇ વાત જ નથી.
આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદના જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત
બીજી તરફ જેતપુરનું જળ પ્રદૂષણ હવે આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે. જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા દેશનો સૌથી મોટો કોસ્ટિક રિકવરી રિયુઝ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. આ પ્લાન્ટ દૈનિક અંદાજે 14 લાખ લિટર પાણીને ફિલ્ટર કરીને શુદ્ધિકરણ કરવાની સાથે સાથે કોસ્ટિક પણ રિકવર કરશે. જેથી આ રિકવરી અહીંના યુનિટધારકોને પણ આર્થિક ફાયદો કરાવશે અને સાથે તેઓને નજીકમાં જ કાસ્ટિંગ મળી જશે. આ કોસ્ટિક રિકવરી પ્લાન્ટમાં જે કોસ્ટિક મળશે તેનો પણ ફરીથી ઉપયોગ થશે. જેના કારણે પ્રદૂષણની સમસ્યા તો ઉકેલાશે સાથે સાથે કોસ્ટિકનો પણ રિયુઝ કરી શકાશે.