ગાંધીનગર: બાળ કલ્યાણ વિભાગની બહેનોએ સરકાર સામે માંડ્યો મોરચો, પડતર પ્રશ્નો મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં કર્યું વિરોધ પ્રદર્શન- Video
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ આજે ફરી સરકાર સામે મોરચો માંડ્યો. પગાર વધારા અને NHMમાં સામેલ કરવાની માગ સાથે મહિલાઓએ સરકાર સામે બાંયો ચડાવી છે.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બાળ કલ્યાણ વિભાગ બહેનોએ સરકાર સામે લડતના મંડાણ કર્યા છે. પગાર વધારાની માગ સહિતના અનેક પડતર પ્રશ્નોની માગ સાથે મહિલાઓએ આજે સરકાર સામે મોરચો માંડ્યો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ. 200 થી વધુ બાળ કલ્યાણ વિભાગની કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. આ બહેનોની માગ છે કે તેમને નેશનલ હેલ્થ મિશન (NHM) માં સામેલ કરવામાં આવે. તેમનો સખી મંડળમાં સમાવેશ કરવામાં આવે. છેલ્લા 8 વર્ષથી કોઈ જ પગાર વધારો કરાયો નથી. આથી પગાર વધારો કરવો અને NHMમાં સમાવેશ કરવો તે તેમની મુખ્ય માગો છે.
આ બહેનોની રજૂઆત છે કે તેમનુ પીએફ કટ થતુ નથી કે ના તો એકપણ રજા તેમને મળે છે. જો તેમને NHMમાં સામેલ કરવામાં આવે તો આ તમામ લાભ તેમને મળશે.
તેમનો આરોપ છે કે તેમનુ શોષણ કરાઈ રહ્યુ છે. સખી મંડળમાં તેમનો સમાવેશ કર્યા બાદ તેમને તેમાંથી કાઢી મુકવામાં આવી, આજે કુપોષણ દૂર કરવાની જવાબદારી જેમના શિરે છે એ કર્મચારીઓ ખુદ કુપોષણથી પીડિત છે. કુપોષણ મુક્ત ગુજરાતમાં બાળ કલ્યાણ વિભાગની બહેનો દયનિય સ્થિતિમાં જીવવા લાચાર છે. તેમની માગ છે કે જો તેમની નિમણૂક NRHM માંથી કરવામાં આવે તો તેમનો પગાર વધવાની તેમને આશા છે. આ મહિલા કાર્યકર્તાઓએ કુપોષણ કુકિંગ અને આયાબેન તરીકેની કામગીરી કરવાની હોય છે. પરંતુ તેમને લઘુતમ વેતન આપવામાં આવતી નથી. આ મહિલાઓની એક જ સૂરમાં મુખ્ય માગ એ જ છે કે તેમની ભરતી NRHMમાં કરવામાં આવે
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar