ભાવનગર માર્કેટિંગ યાર્ડની અવ્યવસ્થાને પગલે ડુંગળી લઈને આવેલા ખેડૂતોમાં રોષ, વારો આવે તે પહેલા જ હરાજી બંધ કરી દેવાતા ખેડૂતો લાલઘુમ- વીડિયો
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ ભાજપના સદસ્ય ચૂંટાઈને આવ્યા છે. જો કે 10 વર્ષ બાદ થયેલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બાદ પણ વ્યવસ્થાના નામે હજુ અહીં ખેડૂતોને નિરાશા જ સાંપડે છે. અહીં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ક્યારેક જુના યાર્ડ અને નવા યાર્ડ કરીને ધક્કે ચડાવ્યા અને ખેડૂતોનો વારો આવે તે પહેલા જ હરાજી બંધ કરી દેવાઈ
ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે. પરંતુ, માર્કેટિંગ યાર્ડની અવ્યવસ્થાને પગલે ખેડૂતોમાં રોષનો માહોલ સર્જાયો છે. એક તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ગણી શકાય તે રીતે. એક જ દિવસમાં ડુંગળીની 3 લાખ ગુણીની આવક થઈ હતી. પણ, બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા હોઈ ખેડૂતોને ડુંગળી વેચવાની ઉતાવળ હતી. પરંતુ, આ પરિસ્થિતિ વચ્ચે માર્કેટિંગ યાર્ડ દ્વારા એક વિચિત્ર નિર્ણય લેવાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે યાર્ડ મેનેજમેન્ટે જૂના યાર્ડમાં પહેલાં હરાજી કરાવવાનો નિર્ણય લીધો. જેને લીધે જૂના યાર્ડમાં મોડી આવેલી ડુંગળીઓને હરાજીનો લાભ પહેલાં મળ્યો. અને બીજી તરફ નવા યાર્ડમાં અનેક દિવસો પહેલાંથી આવેલા ખેડૂતોને રાહ જોવાનો વારો આવ્યો. આ મુદ્દે ખેડૂતો અને વેપારીઓ બન્ને અકળાયા હતા. અને હરાજી નહીં કરવા દે તેવી બૂમરાણ કરી હતી.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ મોંઘવારી, બેરોજગારી અને અસમાનતા વધારનનારુ નિરાશાજનક બજેટ: ગુજરાત કોંગ્રેસ
જો કે સમજાવટ બાદ સમગ્ર મુદ્દો શાંત પડ્યો અને હરાજી શરૂ થઈ. પરંતુ, ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને વારંવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ મુદ્દે શાસક પક્ષ દ્વારા યોગ્ય પગલા લેવાય તે ખૂબ જ જરૂરી છે.