અંબાજીમાં આજના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયુ હોવાનુ વાયકા છે આથી જ ભાદરવી પૂનમે અંબાજીમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટે છે. આજના દિવસે મા ના દર્શન કરવા સહુ કોઈ તલપાપડ બને છે. આ દિવસે માના દર્શન કરવા અને પૂણ્યનું ભાથુ બાંધવા દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ભાદરવી પૂનમે અને મા ના પ્રાગટ્યના દિવસે અંબાજીમાં મોટો મેળો જામે છે. પાંચ દિવસથી ચાલી રહેલા આ મેળામાં અત્યાર સુધીમાં 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ભાવિકો આ દિવસે મા અંબેની ભક્તિમાં લીન બને છે અને મા ને રિઝવવા અવનવી ભેટો લાવે છે. આવા જ એક માઈ ભક્ત અમદાવાદના દેવીપૂજક સંઘે આજના દિવસે અંબાજી શક્તિપીઠને વિશ્વની સૌથી ઉંચી 1352 ગજની ધજા ચડાવી છે.
આ સંઘના 3500થી વધુ ભાવિભક્તો દ્વારા મંદિરમાં આ વિશાળ ધજા ચડાવવામાં આવી છે. મા અંબાની દર્શન કરીને સહુ કોઈની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના આ પાંચ દિવસના મેળા દરમિયાન કૂલ 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. છઠ્ઠા દિવસે પણ વિવિધ સંઘોનો મંદિરમાં અવિરત પ્રવાહ શરૂ જ છે. અત્યાર સુધીમાં 2500 થી વધુ સંઘ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા છે. ભાદરવી પૂનમના મેળાની બુધવારે પૂર્ણાહુતિ થશે. મેળાની સમાપ્તિ પહેલા મા ને નોરતાનું આમંત્રણ આપવા ભાવિકો પહોંચ્યા છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રાજકોટનો ખોડિયાર સંઘ પણ દર્શનાર્થે પહોંચ્યો છે. 10થી વધુ દિવસ પદયાત્રા કરી અંબાજી પહોંચનારા ભક્તોએ મા ના દર્શન કર્યા છે. ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
Input Credit- Chirag Shah
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો